છગનલાલ ઠક્કર દ્વારા : નખત્રાણા, તા. 11 : મહાત્મા કબીરની વિચારધારાને
અનુસરતા ઈષ્ટદેવ ભગવાન રામના ઉપાસક, રવિભાણ સંપ્રદાયના આધ્ય સ્થાપક ગુરુ ભાણસાહેબ
અને પરમશિષ્ય રવિસાહેબનાં નામ પરથી રવિભાણ સંપ્રદાય સંત પરંપરાનો ઉદય થયો. સમાજ-લોકો
વચ્ચે ભેદભાવરહિત સમરસતાના સિદ્ધાંતવાદી સંત પરંપરાના હિંગરિયામાં હરિસાહેબ એક ઉચ્ચ
કોટિના પરિપક્વ સંતે રવિભાણ આશ્રમ સ્થાપ્યો એવા મહાન સંતના સુશિષ્ય મકનદાસજી મહારાજે
150 વર્ષ પૂર્વે નખત્રાણા તા.ના
મોટી વિરાણી ગામે રવિભાણ આશ્રમની જ્યોત જગાવી. મકનદાસજી મહારાજના શિષ્ય પ્રિયાદાસજી
મહારાજ શિક્ષિત, જ્ઞાની, પરિપકવ સંત થયા. મોટી વિરાણી પાટીદાર
સમાજના તેજાણી કાનજીબાપા કોટડાના પ્રિયદાસજી મહારાજને વિરાણી લઈ આવ્યા, સાથે તેમની સેવાકીય પ્રવૃત્તિના વિકાસમાં સાથે રહ્યા. શિષ્ય લક્ષ્મીદાસજી મહારાજનું
કોટડાના પૂર્વાશ્રમ પાટીદાર સમાજમાં પ્રાગટય થયું હતું. ગૌસેવા, મંદિર નિર્માણ, ભજન, સત્સંગના પ્રહરી
મહંત લક્ષ્મીદાસજી મહારાજે સૌપ્રથમ રવિભાણ આશ્રમમાં રામમંદિરનું નવનિર્માણનું કાર્ય
કર્યું અને વિશાળ સંખ્યામાં ભાવિકભક્તોને ગુરુદીક્ષાની
કંઠી ગ્રહણ કરાવી તેમના ઉત્તરાર્ધી મહંત શાંતિદાસજી
મહારાજ મોટી વિરાણીમાં રવિભાણ આશ્રમના મહંત પદે નિયુક્ત થયા. સંત શાંતિદાસજી મહારાજનું
પ્રાગટય નખત્રાણા તાલુકાના અંતરિયાળ જતાવીરા ગામે ખેતીના વ્યાવસાયિક પિતા માવજીભાઈ
ગોવિંદભાઈ કાનાણી (તેજાણી), માતા જીવામાના ઘેર જન્મ થયો. માતા-પિતાના
સંકલ્પ મુજબ શાંતિદાસજીને 6 વર્ષની બાલ્યાવસ્થામાં સંત લક્ષ્મીદાસજી મહારાજના ચરણે ધરી ગુરુદીક્ષાની
કંઠી બંધાવી. `કૌન જાને કલ કી' સદ્ગુરુ લક્ષ્મીદાસજી મહારાજનું શરીર શાંત થતાં આશ્રમના ગાદીપતિ પદે 12 વર્ષના બાળ શાંતિદાસજી મહારાજને
તિલક-ચાદરવિધિ થઈ, સાથે આશ્રમ,
ગૌસેવાને ચલાવવાની મોટી જવાબદારી આવી, પણ રવિભાણ
પરંપરાના સંતો જાનકીદાસજી મહારાજ (કમીજલા), કલ્યાણદાસજી મહારાજ
(હિંગરિયા)ની હૂંફ અને આશ્રમના સેવકો, શિષ્યોના ભાવથી આશ્રમની
રોટલો, ઓટલો ગૌસેવા પ્રવૃત્તિ નિરંતર ગતિ પકડતી રહી. એક સમયે વાંઢાય હરિહર પરંપરાના સંત વાલરામજી મહારજને મળ્યા, તેમણે જીવનમાં ગમે
તેવી વિકટ પરિસ્થિતિ આવે તો પણ મૌન સેવી હિંમતથી આગળ વધવા પ્રેરણા આપી, સાથે મૌન સાધના, સ્વલેખિત ત્રણ પુસ્તક આપી તેનું વાંચન,
ચિંતન, મનન કરવા જણાવ્યું, એવી રીતે શાંતિદાસજી મહારાજ રવિભાણના દિવંગત બ્રહ્મલીન સંતગુરુના આશિષથી રવિભાણ
સંપ્રદાયની પરંપરા મુજબના આદર્શો, સેવા, ભક્તિની સાધનાથી માનવસેવા, ગૌસેવા, જીવદયા અને કોઈ નાતિ, જાતિ કે વર્ગભેદ વગર સમરસતાથી સૌ
માનવ એક સમાનના આદર્શથી આશ્રમસેવાની જવાબદારી નિભાવતા. ગત મહાકુંભ પ્રયાગરાજમાં સાધુ-સંતો,
ભાવિક-ભક્તોને રોટલા અને ઓટલાના આશ્રયસ્થાન અર્થે વિશાળ સેવા કેમ્પનું
આયોજન કર્યું. આ મહાસેવાકાર્યથી દેશની વિવિધ સંત પરંપરાઓના સંતો-મહંતો, મહામંડલેશ્વરોએ શાંતિદાસજી મહારાજને `શ્રીમદ્ જગદ્ગુરુ શ્રી કબીર રવિભાણ દ્વારાચાર્ય
અનંત વિભૂષિત શ્રીશ્રી 1008'નો પદાભિષેક
કરી પ્રયાગરાજ કુંભ મેળામાં મહોત્સવની ઉજવણી
કરી. - બદ્રીનાથધામમાં આશ્રમની સ્થાપના
: ઉત્તરાખંડના હિમાલય સ્થિત દેવભૂમિ બદ્વીનાથધામમાં
સાધુ - સંતો, સેવક, ભાવિકોને સુગમ હરિહર રવિભાણ આશ્રમની ગત વર્ષે શરદપૂર્ણિમાના પવિત્ર દિવસે સ્થાપિત
આશ્રમમાં અન્નક્ષેત્ર અને આવાસની સેવાનો આરંભ કરાવ્યો. આ અવસરે મહામંડલેશ્વર સંત જાનકીદાસજી
મહારાજ, સરયુદાસજી મહારાજ,
વિરાણી, બદ્રીનાથ સહિતના સંતોનાં સાંનિધ્યમાં ભાવિક
-ભક્તોના સમુદાયની હાજરી રહી હતી. - મૌન સાધના : સ્વામી શાંતિદાસજી મહારાજ પ્રતિ વર્ષે ભાદરવા સુદ એકમથી આસો
સુદ દશમ (વિજયાદશમી) સુધી ચાલીસ દિવસ વર્ષોથી મૌન ચાલીસા અનુષ્ઠાન કરતા, તે રીતે છેલ્લે વિ. સં. 2081 - 82 દરમ્યાન બદ્રીનાથધામમાં મૌનવ્રત
સાધના કરી હતી. - મહાસંતનું
મહાપ્રયાણ : સેવા,
ભક્તિ, સાધનાથી પરમાર્થ પરોપકારના અગણિત સત્કાર્યો
કરી જાણે બ્રહ્મતત્ત્વમાં વિલીન થવાનો સમય
આવી ગયો છે તેવો અણસાર આપતાં સંત શાંતિદાસજી
મહારાજ બદ્રીનાથી વિરાણી આશ્રમમાં રક્ષાબંધન માટે પ્રયાણ કરતા હતા, ત્યારે વિરાણીના આશ્રમમાં પોતાની પૂજા
અર્ચનની સામગ્રી સાથે લઈ ગયા, એટલું જ નહીં મારું નિર્વાણ થશે એવા સંકેત આપતાં શાંતિદાસજી મહારાજે સમાધિ
આપવા સમયે આવશ્યક કાષ્ટની પવનપાવડી અગમચેતી
બનાવી સાથે લઈ ગયા હતા. શિષ્ય સરયુદાસજી (સુરેશદાસ)ને આશ્રમ વહીવટની, આશ્રમમાં નવનિર્માણ
થઈ રહેલ વિશાળ ભોજનશાળા, નિવાસરૂમ તથા દસ્તાવેજી હિસાબની ફાઈલો પણ સુપરત કરી અને અમુક સેવકોને એવું
પણ કહી ગયા, હવે હું વૈકુંઠધામ બદ્રીનાથથી પાછો નહીં આવું,
તેમ સ્વામી જગદ્ગુરુ શાંતિદાસજી મહારાજે બદ્રીનાથ સિધાવી ભાદરવી પૂર્ણિમા
(શ્રાદ્ધ પક્ષના આરંભે)ના વૈકુંઠધામમાં બ્રહ્મતત્ત્વમાં વિલીન થયા. બ્ર. સંત શાંતિદાસજી
મહારાજને બદ્રીનાથ આશ્રમમાં અલકનંદામાં જળસમાધિ અપાઈ. - રવિભાણ આશ્રમ
/ રામમંદિરના ઉત્તરાર્ધી મહંતની તિલકવિધિ : બ્ર. શાંતિદાસજી
મહારાજ પટશિષ્ય ગુરુચરણ શરણમાં પરિપક્વ થયેલા લઘુમહંત સરયુદાસજી મહારાજ (સુરેશબાપુ)નો
રવિભાણ આશ્રમ, રામમંદિરના ગાદિપદે પદાભિષેક થશે. એવા સરયુદાસજી મહારાજે રવિભાણ સંપ્રદાયની
મૂળ ગાદીના મહામંડલેશ્વર જાનકીદાસજી મહારાજનાં સાંનિધ્યમાં સાત વર્ષ સુધી સંત પરંપરાની રીત-ભાતનો અભ્યાસ કર્યો, માનવસેવા,
ગૌસેવા, જીવદયા જેવા પરોપકાર પરમાર્થ કાર્યોનો
બોધ પ્રાપ્ત કર્યો. ગોશાળા, અન્ન ક્ષેત્રના નિભાવ માટે જાતમહેનતથી
ખેતીનાં માધ્યમથી વિરાણીની રામવાડીમાં કાર્યરત સરયુદાસજીનું પ્રાગટય નખત્રાણાના પાટીદાર
માતા શાંતાબેન રામાણી, પિતા ઈશ્વરભાઈ રામાણીના ઘેર થયું. 18 વર્ષની પુખ્તવયના થયા ત્યારે
સરયુદાસજી મહારાજ યોગાભ્યાસ અને યાત્રાધામોનાં દર્શન માટે હરિદ્વારથી સંત અખિલેશ યોગીરાજ
મહારાજનાં સાંનિધ્યમાં ઉત્તરાખંડના હિમાલયના બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી,
યમનોત્રી, પંચકેદાર, ગૌમુખ,
પાડકેશ્વર, વિવિધ યાત્રાધામની પદયાત્રા સંપન્ન
કરી હતી. 12 જ્યોતિર્લિંગ, નેપાળના પશુપતિનાથ, મુક્તિનાથ
સહિતના યાત્રાધામ, નર્મદા મૈયાની પણ પરિક્રમા (પદયાત્રા) અમરકંટક,
ઓમકારેશ્વરની જળયાત્રા-પરિક્રમા સંપન્ન કરી જળ વિરાણી લાવ્યા હતા. ગૌસેવા,
સાધુ-સંતોને આદર, સનાતન ધર્મનો પ્રચાર,
ધર્મસભાઓમાં હાજરી સહિત વિવિધ પ્રેરણાદાયક સત્આચરણધારી સરયુદાસજી મહારાજને
વિરાણી રવિભાણ આશ્રમના મહંતપદે તા. 12/10 સોમવારે પદાભિષેક-તિલક, ચાદરવિધિ વિશાળ સંખ્યામાં સાધુ-સંતો,
ભાવિક- ભકતોની હાજરીમાં કરાશે. આયોજનમાં સંતો, મહામંડલેશ્વર જાનકીદાસજી મહારાજ, કલ્યાણદાસજી મહારાજ,
જગજીવનદાસજી મહારાજ, મુકુલદાસજી મહારાજ (બિબ્બર),
જગદીશદાસજી મહારાજ (બંધરા) સહિત રવિભાણ સંપ્રદાય, વિવિધ સંત પરંપરાના સંતો-મહંતો પદાભિષેકમાં ઉપસ્થિત રહેશે.