માતાના મઢ (તા. લખપત), તા. 11 : આદ્યશક્તિના
મહાપર્વ નવરાત્રિના પ્રથમ દિને માતાના મઢમાં એક લાખ પદયાત્રીઓ સહિતના ભાવિકોએ મા આશાપુરાનાં
દર્શન કર્યાં હતાં. ભક્તોએ રાત્રે 12 વાગ્યાથી પરોઢે પાંચ વાગ્યે કપાટ ખૂલવા સુધી જાગરણ કર્યું હતું.
આ ભાવિકોની કતાર એક કિલોમીટરથી વધારે લાંબી લાગી હતી. શનિવારની રાત્રિએ ઘટસ્થાપન વિધિ
બાદ મઢની ગરબી પરંપરા મુજબ યોજવામાં આવી હતી. જય આદ્યશક્તિની આરતી-ગરબા ચાલી રહ્યા
હતા તે દરમિયાન મંદિરના ચોકમાં 10 હજારથી વધુ
માઈભક્તો ઉપસ્થિત રહ્યા હતા. માતાજીનાં દર્શન માટે સવારે પાંચ વાગ્યે મંદિરના કપાટ
દર્શનાર્થીઓ માટે ખુલ્યા ત્યારે માતાજીના જય જયકાર સાથે મઢ ગામ ગુંજી ઊઠયું હતું. આસો
નવરાત્રિમાં પદયાત્રીઓએ તમામ રેકર્ડ તોડયા હોય તેવું અનુમાન છે. આ વર્ષે સાંસદ વિનોદભાઈ
ભુજથી માતાના મઢની પદયાત્રા પૂર્ણ કરી સરહદી કચ્છ જિલ્લા સહિત દેશભરમાં માઈભક્તોની
સુખાકારી માટે માતાજીની સમક્ષ પ્રાર્થના કરી, રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાની સરાહના કરી, આ વેળાએ લખપત ભાજપ અને મઢ જાગીર ટ્રસ્ટે સાંસદનું સન્માન કર્યું હતું. મથલથી માતાના મઢ સુધીના માર્ગમાં હજારો પદયાત્રીઓ
મઢ તરફ આસ્થાના ડગ માંડી રહ્યા છે તેવા વાવડ મળી રહ્યા છે. રવાપરથી ઘડાણી, પાનેલી, દયાપર માર્ગ ઉપરથી ટ્રાફિક પોલીસ અને તંત્રનાં
માર્ગદર્શન ઉપર હજારો વાહનો માતાના મઢ પહોંચ્યાં હતાં. એટલે ટ્રાફિકજામની સમસ્યા મહદ્અંશે
દૂર થઈ હતી. નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ
ઉજ્જવલ, દયાપર મામલતદાર નવીનચંદ્ર મારુ, ડી.વાય.એસ.પી. નલિયા - નખત્રાણા સહિતના અધિકારીઓ મઢ આવતાં માર્ગો ઉપર સતત મોનિટરિંગ
કરી પદયાત્રીઓની સેવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા. સલામત સવારી એસ.ટી. બસોમાં હજારો પદયાત્રી
બેસી પોતાના ગંતવ્ય સ્થાને જવા નીકળ્યા હતા. આ વર્ષે નવી બસો ફાળવાતાં બસયાત્રીઓને
વધુ સુવિધા મળી છે, તેવું અનેક લોકો જણાવી રહ્યા છે. મંદિર પરિસરમાં
ખીસ્સા કાતરુઓથી સાવધાન રહેવા પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા લાઉડ સ્પીકર ઉપર સતત સૂચનાઓ
દર્શનાર્થીઓને અપાતી હતી. માતાના મઢના ભૂવા તિલાટ પરિવારની સાથે મંદિર સ્ટાફ,
સેવક, મઢ જાગીરનો સ્ટાફ સતત સેવામાં જોવા મળી રહ્યા
હતા. સોમવારે બીજા નોરતે માતાજીના મુખ્ય મંદિર સહિત મઢના 11 મંદિર ઉપર પરંપરા મુજબ સવારના
સવા આઠ વાગ્યે ધ્વજા ચઢાવવામાં આવશે. રવિવારની સવારમાં પીવાનું પાણી વિતરણ મઢમાં ખોરવાયું
હતું. મેગા કેમ્પમાં જીએમડીસીના ટેન્કરો બોલાવવા પડયા હતા. જો કે, બે-ત્રણ કલાક બાદ પાણી વિતરણની સ્થિતિ સુધરી
હતી.