• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

ગુજરાતી મૂળના કલાકારોએ તૈયાર કરેલી ખાસ જર્સી પહેરશે કિવી ટીમ

ઓકલેન્ડ, તા. 11 : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનાં 100 વર્ષ જૂના રમતગમતના ઐતિહાસિક સંબંધોને યાદગાર બનાવવા માટે કિવી ટીમ આગામી વન ડે શ્રેણીમાં લિમિટેડ-એડિશન પ્લેઇંગ શર્ટ પહેરીને મેદાનમાં ઉતરશે. `કોતાહિતાંગા' નામથી ઓળખાતી આ વિશેષ વન-ડે જર્સી માઓરી અને ભારતીય કલા પરંપરાના સમન્વય દ્વારા બન્ને દેશો વચ્ચેના સાંસ્કૃતિક જોડાણ, સહિયારા ઇતિહાસ અને પરસ્પર આદરનું પ્રતીક બની રહેશે. આ અનોખી જર્સી માઓરી કલાકાર બેન થોમસન તેમજ ગુજરાતી મૂળના કલાકારો શિવ નારણદાસ અને જય પંચાએ સાથે મળીને તૈયાર કરી છે. માઓરી સંસ્કૃતિમાં `કોતાહિતાંગા'નો અર્થ એકતા થાય છે, જે જર્સીની ડિઝાઇનનો મુખ્ય આધાર છે. થોમસને ડિઝાઇનમાં માઓરી `કોવ્હાઈવ્હાઈ' પેટર્ન અને હેહે રેખાઓનો સમાવેશ કર્યો છે. જે બન્ને દેશ વચ્ચેના સંબંધોનો પાયો નાખનારા અગ્રણીઓને સન્માન અર્પે છે. બીજી તરફ, ભારતીય પરંપરાને રજૂ કરવા ત્રણ મુખ્ય કલાત્મક તત્ત્વો જોડવામાં આવ્યાં છે. ભારતનું રાષ્ટ્રીય પુષ્પ કમળ, ભારતીય સ્થાપત્યકળાથી પ્રેરિત ઓગી પેટર્ન અને સપ્રમાણ રચના ધરાવતું મંડલા. આ તમામ પ્રતીકો માઓરી ડિઝાઇન પ્રણાલી સાથે કુદરતી સુમેળ સાધીને એકતાનો દૃશ્યમાન સંદેશ આપે છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd