• મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026

ભુવડમાં નિર્માણાધીન કેનાલની દીવાલ એકાએક ધસી પડતાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો

અંજાર, તા. 21 : તાલુકાના ભુવડ ગામ નજીક સિંચાઈ વિભાગ હેઠળ નિર્માણાધીન કેનાલની અચાનક દીવાલ તૂટી પડી હતી, જેને આ પ્રકલ્પના બાંધકામની ગુણવત્તા સહિતના મુદ્દે કથિત ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આક્ષેપો ઊઠયા છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભુવડ ગામ નજીક સિંચાઈ વિભાગ દ્વારા અંદાજિત રૂા. 12 લાખના ખર્ચે કુલ 230 મીટર લંબાઈની કેનાલનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કેનાલનું કામ પૂર્ણ થાય તે પહેલાં જ એકાએકા દીવાલનો એક ભાગ તૂટી પડતાં બાંધકામમાં વપરાયેલી સામગ્રી, કામગીરીની પદ્ધતિ , ગુણવત્તા વિગરે મુદ્દે સ્થાનિકોએ સવાલો ઊઠાવીને તપાસની માંગ કરી હતી. નિર્માણાધીન કેનાલમાંથી 15થી 17 મીટર જેટલો ભાગ તૂટી પડયો હોવાનું સિંચાઈ વિભાગના એસ.ઓ. કપિલભાઈ ગઢવીએ સમર્થન આપ્યુ હતું. ડેમના ઉપર પાળામાંથી આવતા પાણીના પ્રવાહના કારણે આ ભાગને નુકસાન થયું છે. તૂટેલા ભાગનું તાત્કાલિક ધોરણે પુન:નિર્માણ કરવામાં આવશે. હજુ સુધી કામ કરનારી એજન્સીને ચૂકવણું પણ ન કરાયું હોવાનું તેમણે ઉમેર્યું હતું. તો બીજી બાજુ સ્થાનિકોએ જણાવ્યું હતું કે, કેનાલનું મુખ્ય કામ જ પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા અને જળસંચય માટે કરવામાં આવે છે, ત્યારે પાણી છોડાય તે પહેલાં જ બાંધકામનો હિસ્સો તૂટી પડવો ગંભીર બાબત છે. આથી માત્ર તૂટેલા ભાગનું સમારકામ કરવાને બદલે સમગ્ર કામની ગુણવત્તાની નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ. નોંધપાત્ર છે કે, વર્ષ 2024માં ભુવડ નાની સિંચાઈ ડેમના રૂા. 49 લાખનાં કામ અંગે પણ ગંભીર આક્ષેપો સાથે ભુવડ ગ્રામ પંચાયતના સરપંચ રાયદેબેન રાજેશભાઈ જરૂ દ્વારા ગંભીર આક્ષેપો સાથે જિલ્લા પંચાયત પ્રમુખને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ભુવડ સરપંચના પ્રતિનિધિ રાજેશભાઈ જરૂએ આક્ષેપો કરતાં કહ્યંy હતું કે, સંબંધિત વિભાગના અધિકારી અને એજન્સીઓ દ્વારા મનસ્વી રીતે કામ કરવામાં આવે છે, તાલુકા કે જિલ્લામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંકલન કરવામાં આવતું નથી. ભવિષ્યમાં ભુવડ નાની સિંચાઈના ડેમમાં નર્મદાનું પાણી મળવાની શકયાતા છે, ત્યારે લાંબાગાળાનાં આયોજનને કેન્દ્રમાં રાખીને પાણીનો ભાર અને પ્રવાહ  સહન કરી શકે તે પ્રકારે ગુણવતાયુક્ત મજબૂત બાંધકામ થવું જોઈએ. સૂચિત કામો ટુકડે-ટુકડે કરવામાં, પૂર્ણ થવામાં વિલંબ થાય છે. અધૂરાં કામોના કારણે સરકારી નાણાંનો વેડફાટ થતો હોવાનું તેમણે ઉમેર્યું હતું. કેનાલનો તૂટેલો ભાગ તાત્કાલિક ધોરણે ફરી બનાવવાની સિંચાઈ વિભાગ દ્વારા વાત કરવામાં આવી છે, ત્યારે સમારકામ પૂરતું જ પગલું લેવાશે કે સમગ્ર 230 મીટરની કેનાલની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે તે અંગે સ્થાનિકોમાં ચર્ચા જાગી છે. આ પ્રકલ્પની ગુણવત્તાની નિષ્પક્ષ તપાસ કર્યા બાદ ચૂકવણી કરવા સ્થાનિકોએ માંગ કરી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd