• મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026

બારોઇના ખંડેરમાંથી રૂા. 1.14 લાખનો શરાબ જપ્ત

ભુજ/ગાંધીધામ, તા. 21 : મુંદરાના બારોઇના એક ખંડેરમાંથી રૂા. 1,14,060નો શરાબનો જથ્થો એલસીબીએ જપ્ત કર્યો છે. આ કામના એક આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. બીજી તરફ પૂર્વ કચ્છમાં પોલીસે દારૂ અંગેની બે કાર્યવાહી કરીને રૂા. 54,500નો દારૂ જપ્ત કર્યો હતો. જેમાં બે કામદારની અટક કરાઇ હતી તો બે શખ્સો હાથમાં આવ્યા નહોતા.

મુંદરા વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, રાજેન્દ્રસિંહ ઉર્ફે મોટો રાજુ ભીખુભા જાડેજા (રહે. મહાવીરનગર, બારોઇ રોડ, મુંદરા)વાળો બારોઇ ગામમાં આવેલા જૈન સેનેટેરિયમની સામે આવેલા ખંડેરના વરંડામાં શરાબનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખ્યો છે. આ બાતમીના આધારે દરોડો પાડી અલગ-અલગ બ્રાન્ડની શરાબની નાની-મોટી બોટલ નંગ 398 જેની કિં. રૂા. 1,14,060 મળી આવી હતી. આરોપી હાજર મળ્યો ન હતો. મુંદરા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાવી કાર્યવાહી કરાઇ હતી.

દરમ્યાન સામખિયાળી પોલીસ મથકથી માત્ર 500 મીટર દૂર આર.આર. ન્યૂ લક્ષ્મી હોટેલમાં દારૂ વેચાતો હતો. આ હોટેલનો સંચાલક અમરસિંહ જીવણસિંહ રાવત દારૂ વેચતો હોવાની પૂર્વ બાતમીના આધારે સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી હતી પણ સંચાલક પહેલાથી છૂ થઇ ગયો હતો. હોટેલમાંથી રૂપસિંહ નિમસિંહ રાવત તથા કાંતિ પોપટ કોળીની અટક  કરાઇ હતી અને હોટેલમાંથી મિડનાઇટ જામૂન વોડકાના 318 કવાર્ટરિયા કિંમત રૂા. 41,340નો દારૂ જપ્ત કરાયો હતો.

બીજી કાર્યવાહી આદિપુરમાં વોર્ડ-2બી. જનતા હાઉસ એસઆઇએકસ 15 પાસે કરવામાં આવી હતી. અહીં પૃથ્વી ઉર્ફે લાલો ભરત ઠક્કર નામનો શખ્સ દારૂ વેચી રહ્યો હતો. પોલીસે ત્યા છાપો મારતાં આ શખ્સ સાબૂના ગોટાની જેમ પોલીસના હાથમાંથી સરકી ગયો હતો. આ જગ્યાએથી રૂા. 13,160નો દારૂ જપ્ત કરાયો હતો. પૂર્વ કચ્છમાં પોલીસની મોટાભાગની કાર્યવાહીમાં દારૂ પકડાય છે, પણ આરોપીઓ હાથમાં ન આવતા હોવાનું સપાટી ઉપર આવ્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd