વ્યંગ અને હાસ્ય સમાજ અને વ્યક્તિગત જીવનમાં અભિન્ન અંગ બની
રહ્યાં છે. કમભાગ્યે તાજેતરના સમયમાં રાજકારણમાં
આ બન્ને હળવા માધ્યમોનો ગંભીર શત્ર તરીકે દુરુપયોગ થવા લાગ્યો છે. રાજનેતાઓ અને પક્ષો
અંગેના કટાક્ષ કોઈ નવી વાત નથી, પણ તેમાં
વણલેખલી મર્યાદાના વધી રહેલાં ઉલ્લંઘને વધુ એક વખત ગંભીર વિરોધ અને ચર્ચા જગાવ્યા છે.
કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ઈન્દોરમાં છાત્રો કી ગૂંજ કાર્યક્રમ દરમ્યાન સ્ટેન્ડ અપ
કોમેડિયનનો કરેલો ઉપયોગ આજકાલ ટીકાનું કેન્દ્ર બની રહ્યો છે.
શિક્ષણ, અભ્યાસક્રમોમાં
પ્રવેશ, પરીક્ષા, અનામત, હોસ્ટેલ આવાસ અને રોજગારીની તકો જેવી યુવાનોની સમસ્યાના સંદર્ભમાં યોજાયેલા
કાર્યક્રમમાં નોંધપાત્ર હાજરી હતી. રાહુલ ગાંધીએ પેપર લીક, શિક્ષણ
વ્યવસ્થા અને રોજગારી જેવા મુદ્દા પર સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. ભારે જોશભરી રીતે
કરાયેલાં આ આયોજનમાં સ્ટેન્ડ અપ કોમેડિયન પુલકિત મણિને અપાયેલા મંચે સવાલ ખડા કર્યા
છે. આ કોમેડિયને રમૂજભરી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નકલ કરી હતી. રાહુલ આ સમયે સ્ટેજ પર હાજર હતા અને તેમણે પુલકિત
સાથે મજાકમાં સંવાદ પણ કર્યે હતો. સ્વાભાવિક રીતે જ આ સંવાદનો સૂર મોદીને નિશાન બનાવે તેવો હતો.
હવે આ કોમેડિયનની પ્રસ્તુતિ અને રાહુલ સાથેના રમૂજભર્યા સંવાદ
સામે ભાજપે મોરચો ખોલ્યો છે. ભાજપે આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સ્વર્ગસ્થ માતાનું અપમાન
કર્યું હોવાનો આરોપ મૂકયો છે. કેન્દ્રીય મંત્રીઓ
કિરન રિજિજુ અને પ્રહલાદ જોશીએ આને રાજકીય મર્યાદા અને માનવીય સંવેદનશીલતાનો મુદ્દો
ગણાવ્યો હતો. સામા પક્ષે મધ્યપ્રદેશ પ્રદેશ
કોંગ્રેસના અધ્યક્ષે આ આરોપને નકારીને કાર્યક્રમના સંદર્ભમાં નકારાત્મક છાપ ઊભી કરવાનો
પ્રયાસ થઈ રહ્યાનો દાવો કર્યો હતો.
સવાલ આ એક કાર્યક્રમ પૂરતો મર્યાદિત નથી. સવાલ એ છે કે, રાજકીય વ્યંગમાં વ્યક્તિગત રમૂજની કેટલી મર્યાદા
હોવી જોઈએ. કોઈ નેતાની નીતિ, નિર્ણયો, ભાષણો
અને રાજકીય શૈલી પર ધારદાર વ્યંગ હોઈ શકે, પણ કોઈ નેતાના વ્યક્તિગત
કે પરિવારના મુદ્દાને સંદર્ભને વણી લેતા આવા વ્યંગને કોઈ સ્થાન હોવું જોઈએ નહીં,
વળી ઈન્દોર જેવા કાર્યક્રમમાં જ્યાં દેશના યુવાનો અને વિદ્ધાર્થીઓ કેન્દ્રસ્થાને
હતા, ત્યારે તો મંચ પરના લોકોએ મર્યાદાને જાળવવા પર ધ્યાન આપવું
જોઈતું હતું.
હાલત એવી થઈ છે કે, ગંભીર મુદ્દા પરનો સંવાદ આવા વિવાદસ્પદ રમૂજને લીધે તેની અસરકારકતા ગુમાવી
રહ્યો છે. માત્ર સોશિયલ મીડિયા પરના થોડા ફોલઅર્સ
પર ધ્યાન કેન્દ્રિત કરવા સ્ટેન્ડઅપ કોમેડિયનની પ્રસ્તુતિએ એક સફળ આયોજન પરનાં ધ્યાનને
ભટકાવી દીધું છે. અત્યારે ચાલતા વિવાદનો અર્થ એ નથી કે, રાજકારણમાં
વ્યંગ કે કટાક્ષને કોઈ સ્થાન હોવું જોઈએ નહીં.
ટીકાને વધુ ધારદાર બનાવવા રમૂજની મર્યાદાનો લોપ રોકવાની હિમાયત થવી જોઈએ. યુવાનો
અને વિદ્યાર્થીઓ સામેના ગંભીર પ્રાણ પ્રશ્નો માટેનો અસરકારક કાર્યક્રમ આ વિવાદમાં વેડફાઈ
ગયાની પ્રતીતિ થઈ રહી છે.
એક સમયે અખબારોમાં કાર્ટૂનનું મહત્ત્વ હતું અને કાર્ટૂનિસ્ટો
સત્તાધારી પક્ષને સાણસામાં લઇ લેતા, પણ તેમાં મર્યાદાભંગ ન થાય તેની ચીવટ રખાતી. ખુદ રાજકીય નેતાઓ પણ તેમને બિરદાવતા
રહેતા. ઈન્દોરના કાર્યક્રમમાં થયેલી રમૂજનો મમતા બેનર્જીએ બચાવ કર્યો છે ,પણ તેઓ જ્યારે સત્તાસ્થાને હતા ત્યારે વિરોધી ટિપ્પણી સામે આકરાં પાણીએ થઇ
જતાં. રમૂજ એ માત્ર રમૂજ જ હોય છે, લોકો તેને ગંભીરતાથી નથી લેતા.
સરવાળે ઈન્દોરનો કાર્યક્રમ આવી રમૂજના કારણે ગંભીરતા ગુમાવી બેઠો છે. ભલે, રાહુલ ગાંધીના તમામ પ્રયાસોને કોંગ્રેસ આંખ મીંચીને સમર્થન આપતી હોય,
પણ લોકોમાં જતા સંદેશ વિશે ચિંતન કરવું રહ્યું.