ભુજ, તા. 21 : શહેરની ભાગોળે પરંપરાગત માધાપર
યક્ષનો મેળો મહાલવા અનેક લોકો આજે સાંજે ઉમટી પડયા હતા. આ મેળામાં ચીલ ઝડપની ટોળકી
સક્રિય બની હતી અને ત્રણ સોનાની ચેઈન, ત્રણ-ચાર મોબાઈલ તથા અનેકના ખિસ્સા કપાયાના બનાવ સામે આવ્યા હતા. આજના આ બનાવ
અંગે અમારા માધાપરના પ્રતિનિધિએ આપેલી વિગતો પ્રમાણે ગઈકાલે અણધારા આવી પડેલા વરસાદના
પગલે મેળો ધોવાઈ ગયો હતો. દરમ્યાન આજે સાંજે આ મેળો મહાલવા અનેક લોકો ઉમટી પડતા ગિર્દી
જામી હતા. આ વચ્ચે આ ગિર્દીનો ગેરલાભ ઉઠવી ચીલઝડપ કરનારી ટોળકી સક્રિય બની હતી. આ ચીલઝડપ
ટોળકીએ એક મહિલાની બે તોલાની સોનાની ચેઈન તથા અન્ય બે નાની સોનાની ચેઈન સેરવી લીધી
હતી. આ ઉપરાંત ખાસ કરીને ઉપરના ખિસ્સામાંથી ત્રણથી ચાર મોબાઈલ પણ સેરવાયાના બનાવો સામે
આવ્યા હતા. જયારે અનેકને ખિસ્સાના પાકિટ પણ ગુમ થયા હતા. આવી ચીલઝડપ કરનારી ટોળકી મેળામાં
સક્રિય બની હોવાથી લોકોને સતર્ક રહેવા અંગે એલાઉન્સ પણ લાઉડ મારફત મેળામાં થતા હતા.
દરમ્યાન પોલીસ પણ ઠેક-ઠેક ઠેકાણે ગોઠવાઈ હતી. જાગૃતોએ જણાવ્યું હતું કે, સંભવત આ ચીલઝડપમાં સગીરવયના બાળકો ઉતારાયા હતા. આથી લોકોને આવા બાળકો પર શક-વહેમ
ન જાય. પરંતુ આ લખાય છે ત્યાં સુધી આ ચીલ ઝડપ બનાવ અંગે કોઈ ફરિયાદ દાખલ થઈ નથી.