ઘટના ભલે ઉત્તરપ્રદેશની છે,
પરંતુ આપણા સમાજમાં, સિસ્ટમમાં અનીતિથી કમાણી કરવાની
લાલચ કેટલી ઘર કરી ગઇ છે એનું પ્રમાણ તેની ઉપરથી મળે છે. વળી, સરકારી કચેરીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ... જ્યાં
પણ લોકોને પોતાના કામકાજનો સીધો પનારો હોય ત્યાં તો ભ્રષ્ટાચાર જાણે ડિજિટલ સિસ્ટમમાં
ઓટીપી હોય એવો અનિવાર્ય થઇ ગયો છે. ઉત્તરપ્રદેશના શાહજહાંપુરની નગરપરિષદમાં ચૂંટાયેલા
સભ્યોનો એક વીડિયો થોડા દિવસ પહેલાં વાયરલ થયો હતો, જેમાં નવા
પાર્ષદો હાથમાં પાણી લઇને એવા શપથ લે છે કે, `ઉપરની'
જે કંઇ કમાણી થશે એ એકલપેટા થઇને પોતે જમી જવાને બદલે ઇરાદાપૂર્વક તેની
ભાગબટાઇ કરશે. એક રાઉન્ડ ટેબલ ફરતે નવા ચૂંટાયેલા સભ્યો ઊભીને આ `પવિત્ર'
શપથ લે છે. આ ઘટના હસવામાં કાઢી નાખવા જેવી નથી કે નથી એ જનપ્રતિનિધિઓની
ઇમાનદારીને બિરદાવવા જેવી. આપણી વ્યવસ્થાનો સડો અને લોકોની સ્થિતિ તેમાં પ્રતિબિંબિત
થાય છે. સરકાર ચાહે રાજ્યોની હોય કે કેન્દ્રની ભ્રષ્ટાચાર નાબૂદી માટે ઝુંબેશ થાય,
મોટી વાતો થાય, પરંતુ એવું કરનારાં પરિબળોના અભિગમમાં
જ્યાં સુધી ફેર નહીં પડે ત્યાં સુધી ખોટી-અનૈતિક રસમો નાબૂદ નથી થવાની. એકતરફ સરકાર
ડિજિટલાઇઝેશન પર ભાર મૂકી રહી છે, કાગળ-લાંબાં ફોર્મ,
અટપટી વિગતોની ઝંઝટ ઓછી થાય અને દરેક ટેબલે, દરેક
પગથિયે `પ્રસાદી'
ધરાવવાની પદ્ધતિ બંધ થાય એવો ઉમદા હેતુ છે, પરંતુ
પરિસ્થિતિમાં ઝાઝો ફેર નથી પડયો. યેનકેન પ્રકારેણ... લોકોને ખંખેરવાનું ચાલુ જ છે.
તંત્રમાં વ્યાપેલો સડો દૂર કરવા ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે `ઓપરેશન ગંગાજળ' શરૂ કર્યું છે, તે અંતર્ગત
ત્રણેક ઘટનાઓમાં વ્યાપક ગેરરીતિની ફરિયાદ આવે એ કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ સામે કડક
કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકારનો હેતુ અને કામગીરી સારી છે, પરંતુ આમ આદમીને સતાવતો પ્રશ્ન એ છે કે, ભ્રષ્ટાચાર કરવાની
કોઇની હિંમત જ ન થાય એવી સ્થિતિ કેમ ઉત્પન્ન થતી નથી ? આમાં ક્યાંક
ને ક્યાંક આપણે સૌ એટલે કે લોકો પણ જવાબદાર છે. ભ્રષ્ટાચારીઓને શરણે થવાને બદલે તેમને
ખુલ્લા પાડવાની રસમ વ્યાપક રીતે અપનાવવામાં આવે તો લાંબાગાળે ડર પેસી શકે. આજે સરકારોના
કર્તાહર્તાથી માંડીને સૌ કોઇ જાણે છે કે, આપણી વ્યવસ્થામાં વ્યાપ્ત
ભ્રષ્ટાચાર સમાજને ઉધઇની જેમ અંદરખાનેથી ખતમ કરી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણોમાં
ભ્રષ્ટાચારની વૈશ્વિક સૂચિમાં ભારતનું સ્થાન શરમજનક સ્તરે જોવા મળે છે. શાહજહાંપુર
નગર પરિષદના ચૂંટાયેલા સભ્યોએ ભ્રષ્ટાચારની કમાણી સરખેભાગે વહેંચી ખાવાના શપથ લીધા
એ ઘટના વાયરલ થયા પછી રાજકીય પક્ષે કોઇ કાર્યવાહી કરી ? જિલ્લા
તંત્રએ પણ કેમ કોઇ પગલાં ન લીધાં ? આવા કિસ્સામાં ફરિયાદ નથી
નોંધાઇ એવી દલીલો થાય, પણ સમાજ હિતમાં તંત્ર પોતાની રીતે નોંધ
લઇને કેમ ફરિયાદી ન બને ? ભ્રષ્ટાચાર સામે અવાજ બુલંદ કરવાની
જરૂર છે. આપણું રાષ્ટ્ર પ્રગતિશીલ સાચા અર્થમાં ત્યારે જ બનશે જ્યારે બધી પ્રક્રિયા
પારદર્શક-ભ્રષ્ટાચારમુક્ત હશે.