કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ : સોશિયલ મીડિયામાં જે કંઇ
થાય, એ આજે ઝડપભેર ચર્ચાનો વિષય બને છે. એઆઇ સહજ
થયા પછી તેની મદદથી તસવીરો સાથે ચેડાંનો ઉપક્રમ
ચાલ્યો હતો... કોઇ અમિતાભ સાથે વાત કરે છે, કોઇકે કિશોરકુમાર
અને લતા મંગેશકર સાથે સ્ટુડિયોમાં ગીત રેકોર્ડ કરાવતા હોય એવું ફોટો ક્રિએશન કર્યું...
ફેન્ટસી, પરિકલ્પનાને કૃત્રિમ રીતે સાકાર થવી જોવી સૌને ગમે...
માનવસહજ વાત છે. અત્યારે ચેટજીપીટી પર ટ્રેન્ડ - 80 વાયરલ થયો છે. એંસીના દાયકામાં
આપણે હોઇએ તો કેવા લાગીએ ? એ સમયનો માહોલ,
પરિવેશ, શહેરની સ્થિતિમાં ગોઠવાઇને પોતાનાં પિક્ચર
ધડાધડ વાયરલ થવા લાગ્યાં છે. ચાલો...આપણે ચેટજીપીટીને ભૂલી જઇએ, પણ એ નિમિત્તે એંસીના દાયકામાં કચ્છમાં શું થઇ રહ્યું હતું, એની થોડી વાતો તાજી કરીએ... જેન - ઝી જો વાંચશે તો તેમને પણ રોમાંચક લાગશે.
ઇતિહાસ હંમેશાં વહેતા સમયનું ઝરણું છે. એની ગતિ ક્યારેક ધીમી થાય, વધે, ધસમસતો પ્રવાહ બને, ઉપરથી
નીચે ફંગોળાય...ફીણ ફીણ થાય, પણ સૂકાય નહીં... ટ્રેન્ડ - એઇટીસ
અને આજના કચ્છની તુલના જ અસંભવ છે. એ સમયે વિકાસ, વરસાદ,
પાણી, બેરોજગારી, ખેતી,
સરહદની સુરક્ષા જેવા મુદ્દા જીવંત હતા... -1980થી 84ના અરસામાં કચ્છમાં દાણચોરી પરાકાષ્ઠાએ
હતી. કચ્છના કાંઠાળ ભાગો અને સીમાવર્તી વિસ્તારમાં સોનાં - ચાંદીની ખેપ ઊતરતી. વિદેશી
ઘડિયાળ, વિદેશી ઇલેક્ટ્રોનિક ઉપકરણો, કાપડની ધૂમ દાણચોરી થતી. છછીમાં છ કરોડની ચાંદીનું પ્રકરણ યાદગાર છે. એ સમયે
કુલદીપ શર્મા કચ્છમાં ડીએસપી નિયુક્ત થયા. કચ્છમિત્રએ કીર્તિભાઇ ખત્રીના નેજા હેઠળ
સજાગ અને નીડર પત્રકારત્વની ભૂમિકા ભજવી. કસ્ટમ, કોર્ટ એ બધામાં
સમાન - રાષ્ટ્રવાદી વિચારધારાવાળા અધિકારીઓ હતા... ને દાણચોરોની કમર તોડવાનું શક્ય
બન્યું. - એ સમયે કચ્છમાં
વરસાદનો સદંતર અભાવ. દર ચારમાંથી બે વર્ષ દુષ્કાળનાં હોય. ગામડાં ખાલી થઇ જાય...પશુપાલકોએ
તેમનાં ઢોર સાથે હિજરત કરવી પડે. સદીનો સૌથી દારુણ દુષ્કાળ 1985, 86, 87, 88 - એંસીના દાયકામાં આવ્યો...
કચ્છ નિસ્તેજ થયું હતું. હજારો પશુઓને બચાવવા, લોકોનો જુસ્સો ટકાવવા મુંબઇગરા કચ્છીઓએ મોટી
ભૂમિકા ભજવી. - દામજીભાઇ
એન્કરવાલાના નેજા હેઠળ દુષ્કાળ નિવારણ સમિતિની રચના થઇ અને મુંબઇગરા શ્રેષ્ઠીઓએ કરોડોનાં
દાન સાથે નિરણ કેન્દ્રો, ઢોરવાડા શરૂ
કર્યા હતા. એ સમયના વડાપ્રધાન રાજીવ ગાંધીએ કચ્છના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત
લીધી હતી. -એંસીનો દાયકો
વારસામાં કોંગ્રેસનું વર્ચસ્વ લઇને આવ્યો હતો, પણ ઇન્દિરા ગાંધીની હત્યા બાદ યોજાયેલી ચૂંટણીમાં કચ્છના પહેલા મહિલા સાંસદ
ચૂંટાયેલા ઉષાબેન ઠક્કરે દિગ્ગજ પ્રતિસ્પર્ધી ડો. મહિપતરાય મહેતાને શિકસ્ત આપી હતી.
ડો. મહેતા ઇન્દિરા ગાંધીની નજીક અને કચ્છ હિતમાં તેમણે જીવનભર લડાયક રાજનીતિ કરી હતી.
- 1987નાં વર્ષમાં દુષ્કાળનાં પરિણામે
કચ્છમાં હજારો ઘેટાંનાં સામૂહિક મૃત્યુ થતાં હાહાકાર મચી ગયો હતો. - દુષ્કાળમાં કચ્છને મદદ પૂરી પાડવા માટે
કુંદરોડીની સંગીતકાર બેલડી કલ્યાણજી - આણંદજીએ બીડું ઝડપ્યું. મુંબઇથી હેમરાજ શાહ અને
કચ્છમાં જાદવજીભાઇ વરસાણી (માધાપર) સક્રિય. ભુજનાં જ્યુબિલી મેદાનમાં `િકશોરકુમાર નાઇટ'નું આયોજન થયું. કિશોરદા પહેલી અને છેલ્લીવાર
કચ્છ આવ્યા ને ધૂમ મચાવી. - કચ્છમિત્ર આજે પ્રિન્ટ અને ડિજિટલ પ્લેટફોર્મ પર મજબૂત હાજરી
ધરાવતી ન્યૂઝપેપર બ્રાન્ડ છે. એંસીના દાયકામાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટના કેટલાક નિર્ણયો ગેમચેન્જર
બની રહ્યા. 1980માં રોટરી ઓફસેટ મશીન આધુનિક
સ્ટુડિયો સાથે વસાવાયું. 1983માં આષાઢીબીજ
વિશેષાંકનો પ્રારંભ થયો. 1986માં ગાંધીધામ
ન્યૂઝ બ્યૂરો શરૂ થયો...ને 1991માં ફોટો
કમ્પોઝ યુનિટનું સ્થાપન કરાયું. - એક નોંધપાત્ર
ઘટના કળા જગતની યાદ કરીએ. જૂન - 1985માં ફ્રાન્સનાં
પેરિસ ખાતે ઇન્ડિયા ફેસ્ટિવલ યોજાયો. તેનાં ઉદ્ઘાટન સમયે મુંદરાના પ્રખ્યાત નગારાંવાદક
સુલેમાન જુમાએ એફિલ ટાવર પરથી નગારાં વાદન કરીને સંગીતના સૂર રણઝણાવ્યા હતા. - આજનું કચ્છ વિકસિત છે. ઔદ્યોગિક વિકાસની
સાથે પરિવહન સેવા વિસ્તરી છે. 1984માં મુંબઇ
સાથે કચ્છની સીધી ટ્રેન સેવાનો શુભારંભ થયો. ઓક્ટોબરમાં કચ્છ એકસપ્રેસ ટ્રેન મુંબઇથી
રવાના થઇ અને ગાંધીધામ પહોંચી. કચ્છના રેલવે ઇતિહાસની એ મોટી ઘટના હતી. - ટ્રેન્ડ - એઇટીસનું અનુસંધાન જબરું છે.
મહાપરિવર્તનકારી. કઇ રીતે ? એંસીના દાયકાની
આખર - નેવુંની શરૂઆતમાં ધોળાવીરા, હડપ્પનનગર ઉત્ખનનમાં બહાર આવ્યું.
પ્રવાસન વિકાસનું જાણે મંગલાચરણ...આજે કચ્છ ટૂરિઝમ ક્ષેત્રે દુનિયાને આકર્ષે છે અને
ધોળાવીરા યુનેસ્કો માન્ય `હેરિટેજ સાઇટ' બની ચૂક્યું છે. - અને વધુ એક મહા બદલાવનાં પગરણ થયાં. 1990ના પ્રારંભથી કચ્છ પર કોંગ્રેસનું
પ્રભુત્વ તૂટવાનું શરૂ થયું. ભાજપનો ઉદય થયો. આજે કચ્છમાં ભાજપનું બધે જ શાસન જોવા
મળે છે ને કોંગ્રેસ પોતાનું ગુમાવેલું સ્થાન પુન: હાંસલ કરવા મથે છે. એંસીનો દાયકો
તો વિશાળ છે. અહીં સ્મરણમાં સહજતાથી આવ્યું, એનો ઉલ્લેખ જ કર્યો છે.