• સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026

મોંઘવારીના વધારા સામે તત્કાળ પગલાંની અપેક્ષા

ભારે ઝડપભેર વિકાસ સાધી રહેલા ભારતનાં અર્થતંત્રની સામે મોંઘવારી એક મોટો અંતરાય બની રહી છે. દેશનો વિકાસદર 6.8 ટકાને આંબી રહ્યાના અહેવાલો વચ્ચે ગયા મહિને છૂટક મોંઘવારીનો દર વધ્યો હોવાના આંકડા સામાન્ય નાગરિકોની ઉપરના બોજાની ચિંતાજનક પ્રતીતિ કરાવે છે. ગયા મહિના દરમ્યાન છૂટક મોંઘવારીનો દર શહેરી વિસ્તારોમાં 4.31 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં પ.23 ટકા નોંધાયો હતો. સ્વાભાવિક મોંઘવારીનો આ દર સામાન્ય નાગરિકથી માંડીને સરકાર સુધી સૌ કોઈની માટે પડકારભર્યો બની રહ્યો છે. હાલત એવી કપરી થઈ રહી છે કે, સામાન્ય પરિવારો માટે રોજબરોજની વપરાશની વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. જુલાઈ મહિનામાં ડુંગળીના ભાવોમાં મોંઘવારીનો દર 22.4 ટકા હતો, જે ઓગસ્ટમાં ઊછળીને 48.27 ટકા થઈ ગયો છે. આના લીધે ડુંગળી હવે સમાન્ય લોકોની રસોઈમાંથી અદૃશ્ય બની રહી છે. આવી જ હાલત લસણ અને આદુની થઈ રહી છે. સ્વાભાવિક છે કે, મોંઘવારીનાં પ્રમાણમાં આવકનો વધારો ધીમો હોય તો ઘરનાં બજેટને સંભાળવાનું મુશ્કેલ બની રહેતું હોય છે. આમ તો આવતા મહિને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) નવી નાણાકીય નીતિ માટે મંથન કરશે, ત્યારે મોંઘવારીના દરને અનુરૂપ વ્યાજના દર કરવા પર નિર્ણય લેવાશે. આરબીઆઈ મોંઘવારીના દરને ધ્યાને લઈને વ્યાજના દર નક્કી કરશે એટલે તેની અસર સ્વાભાવિક રીતે ઘરનાં બજેટથી આગળ વધીને મોટી કંપનીઓ અને વેપારીઓનાં બજેટ સુધી વિસ્તરશે. વ્યાજના દર વધે તો દેશનાં અર્થતંત્ર પર તેનો ઓછાયો પડી શકે તેમ છે. આવામાં સવાલ એ છે કે, સરકાર મોંઘવારીને કાબૂમાં લેવાના દાવા કરતી  હોવા છતાં ભાવવધારો બેરોકટોક વધતો રહ્યો છે. ખરેખર તો સરકારે મોંઘવારીની આગ લાગે ત્યારે કૂવો ખોદવાની વિચારધારાને તિલાંજલિ આપીને લાંબાગાળાનાં પગાલાં લેવા પર ધ્યાન આપવું જોઈએ. સરકારે આંકડા વિભાગ દ્વારા મોંઘવારીના જે નવા આંકડા જાહેર કર્યા છે તે તમામ ક્ષેત્રોનું પ્રતિબિંબ પાડે છે. ખાસ તો ખાતર, ઈંધણ અને બાંધકાની વસ્તુઓના ભાવો વધતાં દેશમાં મોંઘાવારીનું ચિત્ર ચિંતાજનક બન્યું છે. ઓગસ્ટમાં મોંઘવારીનો જથ્થાબંધ ભાવાંક વધીને 9.92 ટકાએ અને છૂટક મોંઘવારી 4.82 ટકાએ પહોંચી છે. જુલાઈ મહિનામાં આ આંક અનુક્રમે 9.78 અને 4.4પ ટકા હતો. આમ મોંઘવારી ધીમી પણ ચિંતાજનક ઝડપે વધી રહી છે. આ ઓછું હોય તેમ હવે યુપીઆઈથી ચૂકવણાં પર ફીની વસૂલાતનાં પગલાંથી પણ આડતકરી રીતે મોંઘવારીમાં વધારામાં કારણરૂપ બને તેમ છે. આમ તો યુપીઆઈની ફી સીધી રીતે ગ્રાહકોને ચૂકવવાની રહેશે નહીં પણ નાણાં સ્વીકારનારને આ ફી ભરવી પડશે જે આડકતરી રીતે ગ્રાહકોને જ ભોગવવી પડશે. સરકારે હવે ખાદ્ય વસ્તુઓના પુરવઠાને વ્યવસ્થિત રાખવાની સાથોસાથ કાળાબજારી અને સંગ્રહખોરીની સામે કાયમી ઉપાયો પર ધ્યાન આપવાની ખાસ જરૂરત છે. મોંઘવારી વધે ત્યારે જાગતા સરકારી તંત્રોએ સતત સાબદા રહીને સામાન્ય માનવી પરના બોજાને હળવો બનાવવાનાં પગલાં પર સતત ધ્યાન આપવું પડશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd