ગાંધીધામ, તા. 21 : શહેરના મચ્છુનગર નજીક રેલવે
ફાટક પાસે બાવળની ઝાડીમાંથી મહિલાની લાશના ચકચારી પ્રકરણમાં પોલીસે સંયુક્ત ઓપરેશન
પાર પાડી ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મહિલાનું ગળું દબાવી હત્યા
કરી દુષ્કર્મ આચરનારા નરાધમને પકડી લેવાયો હતો. શહેરના મચ્છુનગર રેલવેફાટક નજીક બાવળની
ઝાડીઓમાંથી એક મહિલાનો નિર્વત્ર હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી
સાથે ચકચાર પ્રસરી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઇને પૂર્વ કચ્છ પોલીસ અધીક્ષક સાગર
બાગમાર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાત્કાલિક બનાવ સ્થળની મુલાકાત લીધી હતી. આ ચકચારી
બનાવ અંગે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી જુદી જુદી ટીમો બનાવી તપાસનો ધમધમાટ
શરૂ કરાયો હતો. હત્યારા સુધી પહોંચવા પોલીસે એફ.એસ.એલ., ક્રાઇમ સીન નિષ્ણાત, ડોગ
સ્કવોડ, ટેકનિકલ એનાલિસીસ અને ખાનગી બાતમીદારોના આધારે તપાસ હાથ
ધરી હતી. દરમ્યાન, બનાવ સ્થળેથી પોલીસને આરોપીનો એક રૂમાલ તથા
ચંપલ મળી આવ્યા હતા. આ પુરાવાઓના આધારે પોલીસે આસપાસના સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ
ઝીણવટપૂર્વક ફંફોળ્યા હતા ત્યારે એક શખ્સ પોતાના માથાં પર એ જ રૂમાલ બાંધીને બનાવના
એક કલાક પહેલાં રોડ પરથી પસાર થતો નજરે પડયો હતો. સી.સી.ટી.વી.માં દેખાયેલા શખ્સ સાથે
સામ્યતા ધરાવતા શંકાસ્પદ પ્રેમસિંઘ પુરીબાગ (રહે. મૂળ ઓરિસ્સા)ને પોલીસે ઇન્દિરાનગર
રેલવે પાટા પાસેથી ઝડપી પાડયો હતો. પોલીસની કડક પૂછપરછમાં આ શખ્સ ભાંગી પડયો હતો અને
પોતાના પાપની કબૂલાત પોલીસ સમક્ષ આપી હતી. બનાવના દિવસે મહિલા ટિફિન લઇને બાવળવાળા
રસ્તેથી પસાર થઇ રહી હતી ત્યારે આ શખ્સે તેને બળજબરીપૂર્વક પકડી પાડી હતી. મહિલાએ રાડારાડ
કરતાં નરાધમે ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને બાદમાં મૃતદેહ સાથે દુષ્કર્મ આચરી
ઝાડીઓમાં ફેંકીને ફરાર થઇ ગયો હતો. પોલીસે આ શખ્સની વિધિવત ધરપકડ કરી આગળની કાનૂની
કાર્યવાહી હાથ ધરી છે.