નવી દિલ્હી, તા. 21 : ભાજપનો આંતરિક
વિખવાદ હવે જાહેરમાં આવી ગયો છે. કોંગ્રેસના ગઢ ગણાતા ચકરાતા વિસ્તારની અવગણનાથી ગુસ્સે
ભરાયેલા ભાજપના કાર્યકરોએ પોતાની જ સરકારના મંત્રી ખજાનદાસના નિવાસસ્થાનને ઘેરી લીધું
હતું. આ આંદોલનનું નેતૃત્વ ભાજપના ધારાસભ્યના પત્નીએ કર્યું હતું. `પોતાના જ લોકો'ના આરોપોથી દુ:ખી થયેલા ખજાનદાસે સ્પષ્ટ શબ્દોમાં
કહ્યું કે, જો મારા પર લાગેલા આરોપો સાબિત થશે તો હું રાજીનામું
આપી દઈશ અને આત્મહત્યા કરી લઈશ. રવિવારે યમુના કોલોનીમાં પૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષ
મધુ ચૌહાણનાં નેતૃત્વમાં ભાજપના કાર્યકરોએ મંત્રીના નિવાસસ્થાનના ગેટ પર ધરણાં-પ્રદર્શન
કર્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, સમગ્ર વિસ્તારમાં એવી
ચર્ચા સામાન્ય છે કે, 15થી 20 ટકા કમિશન આપીને વિરોધીઓએ પોતાની
યોજનાઓ મંજૂર કરાવી છે. આનાથી જનતા વચ્ચે સારો સંદેશ નથી જઈ રહ્યો. કોંગ્રેસના લોકોને
કથિત રીતે 80 ટકા સુધી કામ આપવામાં આવ્યું
છે, જ્યારે ચૂંટણીનાં વર્ષમાં ભાજપના કાર્યકરોના
પ્રસ્તાવને પ્રાથમિકતા મળવી જોઈએ. તેમણે મંત્રી ખજાનદાસ પર જાણી જોઈને ચકરાતામાં ભાજપને
જ નબળું પાડવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ આ આરોપોથી દુ:ખી થયેલા મંત્રી ખજાનદાસે
પણ કહી દીધું કે, જો આવું કંઈ પણ સાબિત થશે તો હું રાજીનામું
ધરી દઈશ અને આત્મહત્યા કરી લઈશ. રવિવારે બપોરે લગભગ 12 વાગ્યે આ ધરણાંમાં વરિષ્ઠ નેતા
મુરત રામ શર્મા, પ્રતાપ રાવ, ગીતારામ ગૌડ, કમલેશ ભટ્ટ સહિત અનેક નેતાઓ પહોંચ્યા હતા.
મધુ ચૌહાણ પોતે આગેવાની કરી રહ્યા હતા. આ દરમિયાન મંત્રી અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી
વાતચીતનું પણ કોઈ પરિણામ નહોતું આવ્યું. જો કે, ભાજપ સોમવારે
મુખ્યમંત્રીને મળવા જઈ રહ્યો છે, જ્યાં ચકરાતાના પ્રકરણને રજૂ
કરવામાં આવશે. પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટ સાથે પણ આ અંગે વાત કરવામાં આવી છે.