• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

ઉમાસાગર પ્રથમ વરસાદે છલકાતાં 10 કરોડ લિટર જળસંગ્રહ

દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 21 : છેલ્લી સદી દરમ્યાન માનવજાતે કથિત વિકાસનાં નામે જળ-જમીન અને આસમાનના પર્યાવરણને પ્રદૂષિત કરી જફા પહોંચાડીને જીવસૃષ્ટિના અસ્તિત્વ સામે પડકાર ખડો કર્યો છે ત્યારે તેના જતન અર્થે થતો સામૂહિક સંકલ્પ અંધારામાં અનુકરણી ઉજાસ-આરસી સમો ગણાય તેવું રાયણ પંથકમાં સંઘબળે પ્રતિપાદિત કર્યું છે. વેડફાઈ જતાં વરસાદી નીરને નાથીને રૂપિયા પચાસેક લાખના ખર્ચે જન-જન સમર્થન સાથે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે હસ્તકની વિકાસ નિધિમાંથી રૂા. પાંચ લાખનું મેળવણ ઉમેરાતાં સાકાર `ઉમાસાગર' પહેલા જ વર્ષે છલકાઈ જતાં 10 કરોડ લિટર કરતાં વધારે જળસંગ્રહ નસીબ થયો છે. આસપાસની લગભગ 80 વાડીઓના બોરના સ્તર -ગુણવત્તા સુધરશે એવો દાવો કરાયો છે. મોટી રાયણથી અગ્રણી શાંતિલાલભાઈ રામજિયાણી અને કેટલાક કૃષિકારોએ પાછોતરા વરસાદથી ઓગની ગયેલા `ઉમાસાગર'ના નિર્માણની વિગતો આપતાં જણાવ્યું કે વરસાદ માટે તરસતી આંખોએ સપ્ટેમ્બરના બીજા અઠવાડિયે થયેલા જળાભિષેકથી ન્યાલ કરી દીધા છે. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની સામેલગીરી અને પ્રોત્સાહનથી જળાશયને વધાવવામાં આવ્યું અને આનંદોત્સવ છવાયો છે. માંડવીથી નખત્રાણા તરફ જતાં રતનપર પાટિયા પહેલાં મથલ પાટિયું આવે ત્યાંથી રાજપર ટીંબા તરફ રસ્તો જાય ત્યાં જૂની કાળીતળાવડી બાજુમાં સરકારી નવેક એકર જમીન ઉપર વહી જતાં વહેણ-નીરને નાથવામાં આવ્યું છે. આ નિર્માણના બીજ પાટીદાર સમાજ દ્વારા જે-તે વેળાએ લક્ષ્મીનારાયણ મંદિરના 7પમા પાટોત્સવ ઉજવણી આયોજનમાં રોપાયા. એ ધર્મોત્સવ પર્વે ઉજવણીને કંઈક અનોખી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે યાદગાર બનાવવાનું મંથન થયું, એ અગાઉ પાટીદાર સમાજ દ્વારા 24 હોમિયોપેથિક આરોગ્ય કેમ્પ ચલાવાયા હતા. મંદિર સાથે `જળમંદિર' નિર્માણ કરવાનું નક્કી થયું. યોજાયેલા ડાયરા દ્વારા રૂા. 2પ લાખ નસીબ થયા હતા. કીર્તિદાન, અલ્પાબેન વગેરેનો ડાયરો યોજાયો હતો. - દાતાઓએ સબળ બનાવ્યાડાયરા દ્વારા નિધિમાં દાતાઓ, નાના-મોટા દાનેશ્વરીઓ વગેરે સ્રોતો મારફતે વીસેક લાખ કરતાં વધુ નાણાંની નવાજેશ થઈ. ધારાસભ્ય શ્રી દવેએ વિકાસ નિધિમાંથી પાંચેક લાખ ફાળવ્યા. 11 જણની જળસંચય સમિતિ સુરેશભાઈ ચોપડાના પ્રમુખ પદે ગઠિત થઈ. ડોણ સીમાડો, ડોણ, ભાડઈ સીમ, રાયણ સીમાડો, રતનપર પાટિયા પાસેનો છેલો વગેરે કેચમેન્ટ એરિયાને નાથીને ઉક્ત કાળીતળાવડીમાં જતાં અને પછી વહેતાં વરસાદી વહેણનો સંગ્રહ ઉમાસાગરમાં અડધા કરોડ કરતાં વધારે રકમમાંથી સાકાર સ્વરૂપે ઉમાસાગર પ્રથમવાર છલકાઈ ગયો. શાંતિલાલભાઈનો દાવો છે કે દસેક કરોડ લિટર જળસંગ્રહ થકી 350-400 પાણી 20-25 ફૂટ ઊંચે આવશે. 70-80 વાડીઓના બોર ઉપર આવશે. પાણીની ગુણવત્તા નોંધપાત્ર રીતે સુધરશે. 200-300 ટી.ડી.એસ. ઘટશે. `ઉમાસાગર' એ કેવળ જળસંચયનું કાર્યફળ નહીં, પરંતુ માનવજીવનની સુખાકારી, જીવસૃષ્ટિ પ્રત્યેની સંવેદના, પર્યાવરણ જાળવણી એમ બહુહેતુક છે. કૃષિભૂમિ હરિયાળી બને, કુદરત ખીલે, કૃષિ આધારિત પરિવારોની સમૃદ્ધિમાં ઈજાફો થાય. નવી પેઢીને પ્રેરણા મળે તે વધારામાં. આ મહાઅભિયાનમાં દુર્ગા ઈન્ફ્રા માઈનિંગ, મહાલક્ષ્મી ઈન્ફ્રા માઈનિંગ, પી. સી. પટેલ ઈન્ફ્રા માઈનિંગના વિશિષ્ટ અને સ્તુતિકર સહયોગનો ઋણસ્વીકાર કરાયો છે. - સાથી હાથ બઢાના`ઉમા ાગર' છલકાતાં સાચા અર્થમાં આનોદત્સવ પથરાયેલો અનુભવાયો. પાટીદાર સમાજના પ્રમુખ લક્ષ્મીચંદભાઈ વાસાણી, જળસંચય સમિતિના વડા સુરેશભાઈ ચોપડા, યુવક મંડળના જેન્તીભાઈ સેંઘાણી, અમૃતભાઈ દડગા, પ્રવીણભાઈ પોકાર, શંકરભાઈ વેલાણી, હીરાલાલ પોકાર, સંદીપભાઈ વાસાણી, વિશાલભાઈ સેંઘાણી, તા.પં. સદસ્યા મંજુલાબેન સીજુ, મહિલા મંડળ પ્રમુખ વર્ષાબેન વાસાણી, કંચનબેન ધોળુ સહિત મોટી સંખ્યામાં કિસાનો -ગ્રામજનો હરખના હિલોળે હીંચ્યા. એવું કહેવાયું કે વરસાદ તો અગાઉ પણ પડતો, ઓછું-વત્તું પણ પાણી વહી જતું હતું, હવે જળ એ જીવન છે તેની જાળવણીનો આરંભ થયો. વધુ આવિસ્કાર થયો, જેનો વર્તમાનકાળ ઉજળો હોય તેનું ભવિષ્ય અંધકારમય નથી હોતું. અહીં વાત એ છે કે એક જળાશય ઊભરાય ત્યારે તેનું વેડફાઈ જતું પાણી ફરી આગળ જળાશયમાં વાળવામાં કે નાથવાનો પરિશ્રમ લેવાયો છે. જનજાગૃતિ કેવળ સૂત્રાત્મક બની ના રહેવી જોઈએ અને હકારાત્મક સંઘબળ તરીકે પ્રેરક બનવી જોઈએ. લક્ષ્મીનારાયણ મંદિર 7પ વર્ષીય ઉજવણીની સમિતિના શાંતિલાલભાઈ કન્વીનર હતા. કાળીતળાવડીની આવ ઓછી હોવાથી તેનું ઈન્ટરલિંકિંગ કરવામાં આવ્યું છે. યાદ રહે, ના કરે નારાયણ અને વિશ્વયુદ્ધ જેવો મહાસંગ્રામ કરમે જો લખાય તો એના મૂળમાં `જળ'વાંછના મહત્ત્વનો કારણભૂત મુદ્દો ઈન્કારી શકાતો નથી એવું અભ્યાસીઓ કહી રહ્યા છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd