ભુજ, તા. 20 : કચ્છને નેત્રરોગ મુક્ત બનાવવાના સંકલ્પ
સાથે કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ
એન્ડ રિસર્ચ સેન્ટર (લેવા પટેલ હોસ્પિટલ) ખાતે `કચ્છમિત્ર'
પ્રાયોજિત `પ્રોજેક્ટ રોશની' અંતર્ગત 28મો વિનામૂલ્યે
નેત્રયજ્ઞ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
પ્રોજેક્ટ રોશનીએ અનેક લોકોને જીવન જીવવાની તક નવી દૃષ્ટિ સાથે આપ્યાનો ભાવ
પ્રકટ કરવામાં આવ્યો હતો. કેમ્પના આરંભ પ્રસંગે
મુખ્ય અતિથિ ગેઈમ્સના મેડિકલ ડાયરેકટર
ડો. નરેન્દ્ર હીરાણી, કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ
પિંડોરિયા, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ
ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા,
કચ્છમિત્રના તંત્રી દીપક માંકડ, ટ્રસ્ટી અરજણભાઈ પિંડોરિયા,
મંત્રી મનજીભાઈ પિંડોરિયા, દાતા નાનજીભાઈ પિંડોરિયા,
જાદુભાઈ હાલાઈ, દાતા ટ્રસ્ટી લક્ષ્મણભાઈ રાઘવાણી,
સમાજના મંત્રી કરશનભાઇ મેપાણી, રામજીભાઈ સેંઘાણી, ગોપાલભાઈ વેકરિયા, કાન્તાબેન ઉપસ્થિત રહ્યા હતા. 28મા કેમ્પના દાતા તરીકે અક્ષરનિવાસી સદગુરુ સ્વામી વિશ્વજીવનદાસજી, અ.નિ. દેવજી કાનજી વોરા,
અ.નિ. વાલજી દેવજી હીરાણી તથા અ.નિ. ભીમજી
શામજી દબાસિયાની સ્મૃતિમાં હસ્તે સ્વામિનારાયણ સર્વજીવ હિતાવહ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ
શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમપ્રસાદદાસજી,
ટ્રસ્ટી રામજી વાલજી હીરાણી, કલ્યાણ ભીમજી દબાસિયા,
જયરામ રામજી હીરાણી ઉપસ્થિત રહ્યા હતા.
કેમ્પના સહયોગી દાતા તરીકે આહીર કન્યા છાત્રાલયના પ્રમુખ બાબુભાઈ ભીમાભાઈ આહીર અને
પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ કરસન ડાંગર રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓની
રૂપરેખા આપતાં અરજણભાઈ પિંડોરિયાએ હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ તેમજ તાજેતરમાં
ઉમેરાયેલી સ્કીન, ઈ.એન.ટી જેવી સુવિધાઓની વિસ્તૃત માહિતી
આપી હતી. ઉપરાંત, `પ્રોજેક્ટ રોશની'ની સિદ્ધિ રજૂ કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધી 8,000થી વધુ દર્દીઓનું નિદાન કરી અને 3,400થી વધારે દર્દીઓના સફળ ઓપરેશન થયાં છે. ગેઈમસના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ
અને ડાયરેકટર ડો. નરેન્દ્ર હીરાણીએ હોસ્પિટલમાં ઉપલબ્ધ આધુનિક તબીબી સુવિધા તેમજ દર્દીઓની
સુખાકારીના પ્રકલ્પને બિરદાવ્યા હતા. કચ્છમિત્રના તંત્રી દીપક માંકડે કચ્છી લેવા પટેલ
સમાજ તથા એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર સમાજ માટે ચાલતી આરોગ્ય પ્રવૃત્તિને
બિરદાવી હતી તેમણે કહ્યું હતું કે કચ્છ મિત્ર અને જન્મભૂમિ ગ્રુપ હંમેશા સમાજ હિતના
કાર્યોમાં સહયોગ આપવા અગ્રેસર હોય છે તેમણે નવમી જાન્યુઆરીથી રાજકોટમાં મોરારીબાપુની
કથા નિમિત્તે ટ્રસ્ટ દ્વારા શરૂ થયેલા પ્રકલ્પ વિદ્યા વૃક્ષની માહિતી આપી હતી કેમ્પમાં સેવા આપનાર ડો. ધવલ શાહ અને ડો. ભરત વરસાણીએ
246 દર્દીઓની આંખોની તપાસ કરી હતી, જેમાંથી 86 જેટલા દર્દીઓને મોતિયાનાં ઓપરેશન માટે તથા
8 જેટલા દર્દીઓને વેલની સારવાર અને અન્ય પ્રોસિઝર માટે તારવવામાં આવ્યા
હતા. આ તમામ દર્દીઓની સંપૂર્ણ સારવાર નિ:શુલ્ક કરવામાં આવશે. કેમ્પનું સંચાલન વ્યવસ્થા
લેવા પટેલ હોસ્પિટલની ક્લિનિકલ તેમજ મેનેજમેન્ટ ટીમે સંભાળી હતી. સંચાલન ડો. ચિંતન
મહેતાએ કર્યું હતું.