નવી દિલ્હી, તા. 20 20મી એશિયન ગેમ્સનો પ્રારંભ ભારત માટે આશાસ્પદ છતાં મિશ્ર રહ્યો
છે. ટુર્નામેન્ટના પ્રથમ દિવસે જ એલાવેનિલ વલારિવની આગેવાનીમાં ભારતીય દળે 10 મીટર એર રાઇફલ શાટિંગમાં શાનદાર
પ્રદર્શન કરતા બે રજત ચંદ્રક પોતાના નામે કર્યા છે. જોકે, સ્વામિંગ અને વુશુ જેવી સ્પર્ધાઓમાં ભારતીય
એથ્લેટ્સને નિરાશા સાંપડી હતી અને તેઓ મેડલ જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. રવિવારે યોજાયેલી
મહિલાઓની 10 મીટર એર રાઇફલ
(વ્યક્તિગત) સ્પર્ધામાં ભારતીય નિશાનેબાજ એલાવેનિલ વલારિવને 252.4 અંક સાથે સિલ્વર મેડલ પર કબજો
જમાવ્યો હતો. તે માત્ર 0.6 અંકના નજીવા
અંતરથી સુવર્ણ ચંદ્રક ચૂકી ગઈ હતી. આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ 253.0 અંક સાથે જાપાનની હિનાતા તાઇચીના
ખાતે ગયો હતો. આ અગાઉ દિવસની શરૂઆતમાં ભારતીય મહિલા ટીમે પણ 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં
1898.0 નો જંગી સ્કોર ઊભો કરીને બીજું
સ્થાન હાંસલ કર્યું હતું. રજત ચંદ્રક જીતનારી આ શાનદાર ત્રિપુટીમાં એલાવેનિલ વલારિવન, સોનમ મસ્કર અને વિદારસા વિનોદ સામેલ હતા. એશિયન
ગેમ્સની વર્તમાન આંકડાઓ અનુસાર, ભારત હાલ 2 સિલ્વર મેડલ સાથે (હોંગકોંગ સાથે સંયુક્ત
રીતે) 10માં સ્થાને બિરાજમાન છે. ચીન 11 ગોલ્ડ, 6 સિલ્વર અને
3 બ્રોન્ઝ સહિત કુલ 20 મેડલ જીતીને પ્રથમ સ્થાને છે.
જાપાન 6 ગોલ્ડ,
6 સિલ્વર અને 7 બ્રોન્ઝ (કુલ 19 મેડલ) સાથે બીજા સ્થાને મજબૂત
રીતે ટકી રહ્યું છે. સાઉથ કોરિયા કુલ 13 મેડલ (3 ગોલ્ડ, 3 સિલ્વર, 7 બ્રોન્ઝ)
સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે કઝાકિસ્તાન અને થાઈલેન્ડ 3-3 સુવર્ણ પદક જીતીને અનુક્રમે
ચોથા અને પાંચમા સ્થાને છે. આ ઉપરાંત મ્યાનમાર (છઠ્ઠું), મકાઉ (સાતમું) અને કુવૈત (આઠમું) એક-એક સુવર્ણ
ચંદ્રક જીતીને ભારત કરતા ઉપરના ક્રમે છે. ચાઇનીઝ તાઇપે 3 મેડલ સાથે 9મા સ્થાને છે. -