ગઢશીશા (તા. માંડવી), તા. 20 : માંડવી તાલુકાના
હમલા (મંજલ)થી રાજડા ટેકરીને જોડતા માર્ગે ઠેરઠેર ખાડા અને રોડની બંને બાજુ ગાંડા બાવળનું
સામ્રાજ્ય જોવા મળે છે. બ્રહ્મલીન સંત મિસરીનાથજી બાપુની તપોભૂમિ અને મોમાય માતાજી, આશાપુરા માતાજીના જ્યાં બેસણા છે એવા રાજડા
ટેકરી સુધીના રસ્તાની હાલત ગાડાવાટથી પણ બદતર છે. દાયકાઓ પહેલા બનેલા આ માર્ગ પરથી
પસાર થતા યાત્રાળુઓ અને ગાંધીધામ, રાજડા ગામના લોકોને પારાવાર
મુશ્કેલી થાય છે અને વાહનો ખખડી જાય છે. આ માર્ગ પર બેન્ટોનાઈટ ભરેલા ભારેખમ વાહનોની
રાત-દિવસ અવર-જવર રહે છે, જેથી આ માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા
છે. નોંધનીય છે કે, આગામી સમયમાં રાજડા ટેકરી ખાતે મહંત અર્જુનનાથજી
બાપુના સાનિધ્યમાં કથા યોજાવાની છે તે પહેલા
તાત્કાલિક આ માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ સ્થાનિક લોકોમાંથી
ઉઠી રહી છે.