મુંબઈ, તા.19 : આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની
કપ્તાની હાર્દિક પંડયાને સોંપવામાં આવ્યા બાદ ક્રિકેટ જગતમાં એવી અટકળો તેજ બની હતી
કે રોહિત શર્મા હવે અન્ય કોઈ ફ્રેન્ચાઈઝી તરફથી રમતો જોવા મળી શકે છે. ત્યારે રોહિતે
પોતાના ટીવી શોમાં સ્પષ્ટ કરી દીધું છે કે તેનો આઈપીએલ ટીમ બદલવાનો કોઈ જ ઈરાદો નથી.
ટીવી પરના શો 'ફેમિલી ટાઈમ વિથ રોહિત
શર્મા'માં પૂર્વ ભારતીય ક્રિકેટર અભિષેક નાયર મહેમાન તરીકે ઉપસ્થિત
રહ્યા હતા. નાયરે રોહિત સાથે મજાક કરતા કહ્યું કે, તેણે પીળી
જર્સી પહેરી છે, શું આ આગામી ફ્રેન્ચાઈઝીનો સંકેત છે?
આ રીતે તેણે ઈશારા-ઈશારામાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફ આંગળી ચીંધી હતી.
એટલું જ નહીં, નાયરે એમ પણ ઉમેર્યું કે રોહિત જાંબલી રંગમાં પણ
સારો લાગશે. જે કોલકાતા નાઈટ રાઈડર્સની જર્સીનો રંગ છે. જોકે, રોહિતે કેકેઆરમાં જવાની વાતને સ્પષ્ટપણે નકારી કાઢી હતી. આ રસપ્રદ ચર્ચા દરમિયાન સેટ પર હાજર ચાહકો
ઉત્સાહમાં આવી ગયા હતા અને 'મુંબઈ,
મુંબઈ'ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. ચાહકોના
આ નારા બાદ રોહિતે માત્ર એક જ શબ્દમાં જવાબ આપ્યો `ફોરએવર.'
રોહિતના આ જવાબે એ વાત પર મહોર મારી દીધી છે કે તે મુંબઈની ટીમ માટે
જ રમતો જોવા મળશે.