ભુજ, તા. 20 : બે દિવસ પહેલાં ઉત્તરાખંડના કેદારનાથ બાજુ ભૂસ્ખલનની દુર્ઘટના સર્જાતાં
તેમાં માધાપરના 29 વર્ષીય યુવાન
રાજેશ રમેશભાઈ ગજરાનું મૃત્યુ થતાં ભાનુશાલી સમાજમાં ગમગીની છવાઈ હતી. માધાપર નવાવાસ
ગોકુલધામ-1ની પાછળ આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા
અને મૂળ ધુણઈના રમેશભાઈ નરશીભાઈ ગજરા તેના પત્ની,
પુત્ર, પુત્રી અને પુત્રવધૂ સાથે ઉત્તરાખંડની ચારધામની
યાત્રાએ ગયા હતા. બે દિવસ પૂર્વે કેદારનાથ બાજુ ભૂસ્ખલનનાં પગલે 29 વર્ષના યુવાન પુત્ર રાજેશ ઉપર
ભેખડ ધસી પડતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ કરુણ બનાવથી પરિવાર પર આભ તૂટી પડયું
હતું. રાજેશનું ઉત્તરાખંડના શ્રીનગરમાં પોર્સ્ટમોર્ટમ કરાવાયું હતું. આ કરુણ બનાવની
જાણ સ્થાનિકે કચ્છમાં પરિજનોને થતાં અરેરાટી વ્યાપી હતી. પરિજનો અને મિત્રવર્તુળ તથા
સાંસદ વિનોદભાઈ ચાવડાની મદદથી રાજેશના મૃતહેદને માધાપર લવાયો હતો. આજે રાત્રે રાજેશની
અંતિમયાત્રા નીકળતાં કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. ભાનુશાલી સમાજમાં ગમગીની છવાઈ હતી.