• સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026

નર્મદા કેનાલની કુંડીમાંથી નીકળ્યો પ્લાસ્ટિક ગંજ

કાઠડા (તા. માંડવી), તા. 19 : નર્મદા લાઈન મારફતે ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા મુખ્ય કેનાલમાંથી માનઈર કેનાલો બનાવી વિવિધ સ્થળે કુંડીઓ તૈયાર કરી પાણી પહોંચાડવા ટેસ્ટિંગ કરાતાં પાણી પહોંચતું ન હોવાની ફરિયાદો સામે આવી હતી. કેટલાક ખેડૂતો દ્વારા તપાસ કરાતા કુંડીઓમાંથી પ્લાસ્ટિકનો જથ્થો મળ્યો હોવાનું જાણવા મળે છે. આ પ્લાસ્ટિકના જથ્થા કેનાલમાં કેવી રીતે પહોંચ્યા તે અંગે પણ સવાલો ઊઠી રહ્યા છે. સ્થાનિક ખેડૂતો દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી રહી છે કે કેટલીક જગ્યાએ પાઈપલાઈન નાખ્યા બાદ લાંબા સમય સુધી પાણી ન આવતાં અંદરથી લાઈને પ્લાસ્ટિક મૂકી દીધું છે જેના કારણે આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે. બીજી તરફ, કેટલાક ખેડૂતો દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા પાઈપલાઈનમાંથી પ્લાસ્ટિકનો જથ્થો યોગ્ય રીતે દૂર કરવામાં આવ્યો ન હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. જો કે, આ અંગે જવાબદાર તંત્ર તરફથી સત્તાવાર કારણ સ્પષ્ટ થવાનું બાકી છે. કાઠડા, મેરાઉ, ભારાપર સહિતના ગામોના પાણી વિતરણ સમિતિના પ્રમુખ દેવાંગભાઈ સાખરાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, અનેક સ્થળોએ માઈનર કેનાલમાંથી પ્લાસ્ટિકના જથ્થા નીકળી રહ્યા છે. ખેડૂતો પણ છેલ્લા કેટલાક સમયથી આ સમસ્યાના નિરાકરણ માટે કામગીરી કરી રહ્યા છે. આ અંગે કોન્ટ્રાક્ટરને જાણ કરવામાં આવી હતી અને સમસ્યાના નિરાકરણની ખાતરી આપવામાં આવી છે. કેટલીક જગ્યાએ પાઈપલાઈનમાં કાપ મૂકીને પ્લાસ્ટિક બહાર કાઢવામાં આવ્યું છે, જેના પગલે પાણી ખેતરો સુધી પહોંચ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. કાઠડાના પૂર્વ સરપંચ ભારૂભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, કેનાલના કમાન વિસ્તારમાં આવેલી કુંડીઓમાંથી પ્લાસ્ટિકના જથ્થા મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. આ અંગે કોન્ટ્રાક્ટરને સ્થળ પર બોલાવી નિરીક્ષણ કરવા જણાવાયું હતું. સ્થળની રૂબરૂ મુલાકાત બાદ કોન્ટ્રાક્ટર દ્વારા વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. માઈનર કેનાલનાં કામો કેટલીક જગ્યાએ હજુ અધૂરાં હોવાનું પણ સામે આવ્યું છે. તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી પાઈપલાઈનની કામગીરી, પ્લાસ્ટિકના જથ્થા તથા અધૂરાં કામોની સ્થિતિ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે અને ખેડૂતોને સમયસર પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd