• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

ગાંધીધામમાં ઝૂલેલાલ મંદિર માર્ગ પર પાણીની ભીતિ

ગાંધીધામ, તા. 6  : શહેરના ભાઈપ્રતાપ સર્કલ પોલીસ ચોકીથી 400 ક્વાર્ટર તરફ જતા માર્ગનું નવીનીકરણ કરાયું છે અને માર્ગ ઊંચો બનાવવામાં આવ્યો છે, જેના પગલે હવે આંતરિક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ છે. ખાસ કરીને ઝૂલેલાલ મંદિર તરફ જતા માર્ગ ઉપર પાણી ભરાવાની ભીતિ છે. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાઓ ઊભી કર્યા વગર જ કરોડો રૂપિયા ખર્ચ આપવામાં આવતા એન્જિનીયરો સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. અહીં માર્ગ નિર્માણમાં ગુણવત્તા સાથે બાંધછોડ કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો છે. ટાગોર રોડથી લઈને શિવાજી પાર્ક બગીચા અને ત્યાંથી ભાઈપ્રતાપ સર્કલ અને 400 ક્વાર્ટર સુધીનો આ માર્ગ બનાવવામાં આવ્યો છે.  પીસીસી વગર પેવરબ્લોકનું કામ કરાયું છે અને અનેક જગ્યાએ બ્લોક બેસી ગયા હતા અને હજુ પણ પેવરબ્લોક અને માર્ગનાં કામમાં ક્ષતિઓ સામે આવી રહી છે, પરંતુ ઇજનેરોની માનીતી એજન્સી દ્વારા કામગીરી થઈ હોવાથી પગલાં ભરવામાં આવતાં નથી. ગુણવત્તા સાથે બાંધછોડ થઈ હોવાના ગંભીર આક્ષેપો જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. હવે ભાઈપ્રતાપ સર્કલથી 400 ક્વાર્ટર સુધી માર્ગ બનાવવામાં આવ્યો છે તે ઊંચો છે, તેના કારણે આંતરિક વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના છે. ખાસ કરીને ઝૂલેલાલ મંદિર તરફ જતા માર્ગ ઉપર પાણી ભરાય તેવી ભીતિ છે. પહેલાં ઝૂલેલાલ મંદિરથી પાણી ભાઈપ્રતાપ સર્કલ બાજુ આવતું હતું, પરંતુ આ માર્ગ ઊંચો થઈ ગયો છે અને પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી. જ્યાં વરસાદી નાળું બનાવવામાં આવ્યું છે, ત્યાં પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરી નથી. સત્તાધીશો અને કમિશનર દ્વારા આવી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.  

Panchang

dd