ભુજ, તા. 21 : દર વર્ષે ગુજરાત સરકારના શિક્ષણ
વિભાગ દ્વારા રાજ્ય, જિલ્લા અને
તાલુકાકક્ષાના શ્રેષ્ઠ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક
શાળાઓના શિક્ષકને શાળામાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરીના આધારે એવોર્ડ આપવામાં
આવે છે, જેમાં ચાલુ વર્ષે કચ્છમાં રાજ્યકક્ષાના એક, જિલ્લાકક્ષાના ચાર અને તાલુકાકક્ષાના નવ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે.
આ એવોર્ડ માટે અગાઉ રાજ્યકક્ષાના એવોર્ડ માટે ભચાઉ તાલુકાના વર્ધમાન જૈન બોર્ડિંગ અને
વિદ્યાલયના કુલદીપસિંહ જાડેજાના નામની શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે જાહેરાત કરાયા બાદ
આજે કચ્છના જિલ્લાકક્ષાના ચાર અને તાલુકાકક્ષાના નવ શ્રેષ્ઠ શિક્ષકના નામ જાહેર કરાયા
હતા. જિલ્લાકક્ષાના એવોર્ડ માટે જાહેર થયેલા નામો મુજબ ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયના
ભાવિનીબેન ત્રિપાઠી, નખત્રાણા તાલુકાના નિરોણાની સારસ્વતમ્ સંચાલિત
પી.એ. હાઈસ્કૂલના આચાર્ય ડો. વિષ્ણુભાઈ ચૌધરી, ભુજની શાળા નંબર-10ના સીઆરસી હેતલબેન ગોસ્વામી અને ભચાઉ તાલુકાના
ચોબારી (મમાયમોરા) પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શંકરલાલ ગામોટ શ્રેષ્ઠ શિક્ષક તરીકે
પસંદ પામ્યા છે. જ્યારે તાલુકાકક્ષાના એવોર્ડ માટે મુંદરા તાલુકાના જબલપુરની પ્રાથમિક
શાળા નંબર-1ના જિગરકુમાર પટેલ, ભચાઉ તાલુકાના અમરસર પ્રાથમિક શાળાના મદદનીશ
શિક્ષિકા અમીબેન ચનિયારા, લખપત તાલુકાના ગુનેરી પ્રાથમિક શાળાના
મુખ્ય શિક્ષક હિતેશકુમાર ચૌધરી, એ જ તાલુકાની કલરવાંઢ પ્રાથમિક
શાળાના મુખ્ય શિક્ષક ગોવિંદભાઈ કુંભાર,
મુંદરા તાલુકાના ઝરપરા શાળા નંબર-2ના મદદનીશ શિક્ષિકા વૈશાલીબેન હડિયા, માંડવી તાલુકા ગ્રુપ શાળા નંબર-1ના મદદનીશ શિક્ષિકા જ્યોત્સનાબેન ખત્રી, માંડવી તાલુકાના પાંચોટિયા પ્રાથમિક શાળાના
મદદનીશ શિક્ષક રતનજી પઢિયાર, રાપર તાલુકાના બાલાસર કન્યા પ્રાથમિક
શાળાના મદદનીશ શિક્ષક મહેશકુમાર બાલાસરા અને ભચાઉ તાલુકાના સીતારામપુર પ્રાથમિક શાળાના
મદદનીશ શિક્ષકા પ્રવીણાબેન ડેરને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકની નવાજવામાં આવ્યા છે. આ
એવોર્ડ વિજેતા પૈકી રાજ્યકક્ષાનો એવોર્ડ ગાંધીનગર, જ્યારે જિલ્લા-તાલુકાકક્ષાના
એવોર્ડ સ્થાનિકે આગામી પાંચમી સપ્ટેમ્બરે પારિતોષિક અપાશે તેવું જિલ્લા શિક્ષણાધિકારી
સંજય પરમારે જણાવ્યું હતું. દરમ્યાન આ એવોર્ડમાં ચાર પારિતોષિક સાથે ભચાઉ તાલુકો મોખરે
રહ્યો છે, જ્યારે ભુજ, મુંદરા, લખપત, માંડવી તાલુકાના બે-બે, નખત્રાણા
અને રાપરના એક-એક શિક્ષક પસંદગી પામ્યા છે.