ભુજ, તા. 21 : સંગીત, સાહિત્ય અને નૃત્યની પાંગરતી પ્રતિભાઓ આ મંચ
દ્વારા વિશ્વ ફલક પર આગળ વધે તેવા ઉદ્દેશ સાથે ગત વર્ષથી શરૂ કરાયેલા એલ.એલ.ડી.સી.
કલાસંગમનો ભુજ ટાઉનહોલ ખાતે પ્રારંભ કરાયો હતો. કચ્છીયત ફાઉન્ડેશન, સંવેદના, મહારાઓ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય વિગેરેના
સહયોગથી આયોજિત આ કાર્યક્રમ દ્વારા ત્રિવેણી સંગમના સંગાથે નવી પેઢી તૈયાર કરવાની નેમ
વ્યક્ત કરાઈ હતી. આ પ્રસંગે સંસ્થાના મેનાજિંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફ, રાજીવ ભટ્ટ, કીર્તિ વરસાણી, ઝવેરીલાલ
સોનેજી, પંકજ ઝાલા, ગની ઉસ્તાદ,
ભારમલ સંજોટ, અજિત પરમાર, ગોરધન પટેલ, વિપુલ મેહતા, કૌશલ
છાયા, હસિત વોરા, ઉમેશ ઝડિયા, રસિક મકવાણા, ઈન્દ્રજિતાસિંહ જાડેજા સહિતના અગ્રણીઓની
ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્યથી પ્રારંભ કરાયો હતો. આયોજનને બિરદાવતાં સંસ્થાના ઈવેન્ટ
પી.આર. હેડ મહેશભાઈ ગોસ્વામીએ આ અવસરને ગંગા જેવો ત્રિવેણી સંગમ લેખાવ્યો હતો. કીર્તિ
વરસાણીએ જણાવ્યું હતું કે, નવોદિતો સિનિયરો પાસેથી શીખીને આગળ
વધવાનું રાખશે તો પ્રગતિ ઝડપી બનશે. કોઈ પણ કલા એક વિદ્યા છે અને તેથી જ કલાકારોએ જીવનભર
ગુરુજનોને આદર આપીને નમ્ર ભાવે સાધના કરવી જોઈએ. તેઓએ એલ. એલ.ડી. સી. સાથે કચ્છીયત
જોડાયેલી હોવાનું જણાવીને રાજીપો વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં મુક્તજીવન સ્વામીબાપા
કોલેજ તથા કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર - હરિપરની વિદ્યાર્થિનીઓ, સિંક્રો એકેડેમીના બાળકલાકારો, મુરલી મ્યુઝિક ક્લાસના
32 જેટલા વાંસળીવાદકો, સારેગામા મ્યુઝિક એકેડેમી અને લોકસંગીતમાં મઝરૂદ્દીન
મુતવા અને એમની ટીમ તેમજ અન્ય કલાકારોએ રંગારંગ પ્રસ્તુતિ કરી હતી. પ્રથમ દિવસે સંગીત
કલાનો કાર્યક્રમ વિશાળ સંખ્યામાં 4 કલાક દર્શકોએ માણ્યો હતો. તા. 22 ઓગસ્ટના સાહિત્ય અને તા. 23ના નૃત્યના કાર્યક્રમમાં પણ સાંજે 4 થી 9માં વિવિધ કલાકૃતિઓ રજૂ થવાની છે જેને માણવા સંસ્થાએ અનુરોધ
કર્યો છે. કાર્યક્રમમાં વિઝ્યુઅલ પાર્ટનર તરીકે એન.કે. ક્રીન અને સોશિયલ મીડિયા પાર્ટનર
ભુજ બ્લોગર્સ જોડાયા છે. કાર્યક્રમનું સંચાલન નિધિ વ્યાસ અને હિમાંશુ રાસ્તેએ કર્યું
હતું. કાર્યક્રમની વ્યવસ્થા વિપુલ મહેતા, સાગર દવે, નિખિલ ગોસ્વામી, રિધમ
ગોર, અનુજ વૈષ્ણવ તથા એલ.એલ.ડી.સી.ની સમગ્ર ટીમ સંભાળી રહી હોવાનું
યાદીમાં જણાવાયું હતું.