• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

છ વર્ષ પછી ભુજ કોલેજની તમામ બેઠક ભરાઇ ફરી ઈજનેરી શિક્ષણ તરફ વધ્યો ઝુકાવ...

દિવ્યેશ વેદ્ય દ્વારા : મુંદરા, તા. 21 : ધો. 12 વિજ્ઞાન પ્રવાહ પછી મેડિકલ, ફાર્મસી, ઈજનેરી એમ વિવિધ કોર્સમાં બજાર અને નોકરીની તકો મુજબ વિદ્યાર્થીઓની પસંદગીમાં ઉતાર -ચડાવ દેખાતા હોય છે, જેમાં આ વખતે ફરી ઇજનેરી શાખાઓ તરફથી વિદ્યાર્થીનું વલણ વધતું દેખાયું છે અને ગુજરાતમાં 2014 પછી પહેલીવાર એવું બન્યું છે કે, તમામ સરકારી-અનુદાનિત ઈજનેરી કોલેજમાં 100 ટકા બેઠકો ભરાઈ હોય. ભુજની ઇજનેરી કોલેજમાં પણ માઇનિંગ સહિત તમામ ઇજનેરી શાખાની બધી જ બેઠકો પૂર્ણ ભરાઈ ગઈ છે, જે પણ કોરોના વર્ષ 2020 પછી પ્રથમવાર ભરાઇ છે. આની પાછળ ખાસ કરીને કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ઝડપી ઔદ્યોગિકીકરણને પગલે વધતી ઇજનેરોની માંગને કારણભૂત ગણવામા આવે છે. જો કે, વિદ્યાર્થીઓનાં પ્રમાણમાં ટેકનિકલ શિક્ષણમાં અધ્યાપકોની અછતનો પ્રશ્ન હજુ નથી ઉકેલાયો, જે શિક્ષકની ગુણવત્તા પર અસર કરે છે.

વધતી ઇજનેરોની માંગ

કચ્છની એક માત્ર ભુજની સરકારી ઇજનેરી કોલેજમાં સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ, એન્વાયર્નમેન્ટ અને માઇનિંગ બ્રાન્ચ છે, જેમાં બેઠકોની સંખ્યા 120માંથી 60 કે ક્યાંક 60માંથી 30 થઈ ગઈ છે, પરંતુ એડમિશન માટે મુકાયેલી તમામ બેઠક ભરાઈ ગઈ હોય એવું છેલ્લા છ વર્ષ બાદ થયું હોવાનું કહેતાં ટેકનિકલ શિક્ષણ અને ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરતા વિવિધ જાણકારો કહે છે કે, એક તો બજારમાં ઇજનેરોની માંગ વધી છે અને બીજું કારણ એ છે કે, વિદ્યાર્થીઓ અને વાલીઓ હવે સમજવા લાગ્યા છે કે, સરકારી કોલેજમાં  શિક્ષણ સારું છે. અધ્યાપકો યોગ્ય લાયકાતવાળા અને કઠિન ભરતી પરીક્ષા પાસ કરીને આવેલા ગુણવત્તાયુક્ત હોય છે. બીજું, ખાનગી કોલેજમાં લાખોની ફી, હોસ્ટેલના ઝાકમઝાળ સાથેના ઊંચા ખર્ચા પછી પણ પ્લેસમેન્ટનાં નામે નાની નોકરી આપે છે, જ્યારે સરકારમાં તો ફી `િવનામૂલ્યે શિક્ષણ' જેવી નજીવી જ હોય છે.

ખાનગી કોલેજોમાં પણ વધી સંખ્યા

આ વખતના ગુજરાતમાં ઇજનેરી શાખાઓના પ્રવેશના અંતિમ આંક જોવામાં આવે તો, રાજ્યમાં  9385 સરકારી ગ્રાન્ટેડ અને 1584 ગ્રાન્ટેડ બેઠકો છે, જે તમામ ભરાઈ ગઈ હતી. જ્યારે આ વર્ષે કુલ 48,967 વિદ્યાર્થીઓએ ઇજનેરી શાખામાં પ્રવેશ માટે ફોર્મ ભર્યાં, જે સૂચવે છે કે, ઇજનેરી અભ્યાસમાં છાત્રોની રુચિ વધી છે અને ખાનગી કોલેજને પણ તેનો ફાયદો થતાં મહદઅંશે બેઠકો ભરાઇ છે. બંધ થવાને આરે ઊભેલી કેટલીક ખાનગી ઇજનેરી કોલેજને તો અચાનક ઓક્સિજન મળી ગયું છે.

કચ્છને કોમ્પ્યુટર કયારે ?

ભુજની ઇજનેરી કોલેજનો દાખલો લેવામાં આવે તો માઇનિંગમાં થોડી બેઠકો ખાલી રહેતી હોય છે, પણ આ વખતે તમામ 30 બેઠકો ભરાઈ ગઈ છે. કચ્છની જૂની માગણી એવી કોમ્પ્યુટર ઇજનેરી બ્રાન્ચની માંગ સરકારે ચાલુ નવા શૈક્ષણિક સત્રમાં પણ સંતોષી નથી એ દુ:ખની વાત છે એમ કહેતાં શિક્ષણ ક્ષેત્રનાં જાણકારો ઉમેરે છે કે, કોમ્પ્યુટર શાખા પ્રથમ પસંદગી છે, પણ વિદ્યાર્થીઓને હજુ પણ કચ્છ બહાર જવું પડ્યું છે, તોકરોડોના ખર્ચે બનેલી આ અદ્યતન ઇજનેરી કોલેજનો અર્થ શું ? માઈનિંગમાં પૂરતા  અધ્યાપક નથી. આ સિવાયની બ્રાંચમાં પણ ઓછા સ્ટાફથી કામ ચાલે છે, જેની અસર વિદ્યાર્થીઓનાં શિક્ષણ પર થાય છે. અધ્યાપકોનાં સંગઠન દ્વારા વારંવાર આવા મુદ્દાઓ પર રજૂઆત થાય છે, પણ હજુ કોઈ પગલાં લેવાયાં નથી. હવે જે કોલેજમાં વધુ સ્ટાફ છે ત્યાંથી કચ્છ જેવા અંતરિયાળ જિલ્લામાં અધ્યાપકો મૂકવામાં આવે તેની રાહ જોવાય છે, પરંતુ સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગની આ ફેરબદલ પ્રક્રિયાની વાતો ખરેખર ક્યારે અમલી બનશે એ સવાલ ઊભો છે.

Panchang

dd