ગાંધીધામ, તા. 21 : વિશ્વના સમુદ્રી વ્યાપારમાં
કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં કેન્દ્ર
સરકાર દ્વારા ભારતના દીનદયાલ પોર્ટ સહિત ત્રણ મહાબંદરને હાઈડ્રોજન હબ તરીકે
વિકસાવવા નિર્ણય લેવાયો છે. દેશના અગ્રહરોળના દીનદયાલ પોર્ટ દ્વારા ગ્રીન હાઈડ્રોજન
ક્ષેત્રે વ્યાપક કામગીરી કરવામાં આવી છે, ત્યારે આ ક્ષેત્રમાં ડીપીએ દ્વારા નવતર પહેલ કરીને કંડલા ગ્રીન હાઈડ્રોજન કોન્કલેવનું
આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન વિશ્વના
વિવિધ દેશના પ્રતિનિધિને ડીપીએની કાર્યપદ્ધતિ અને પોર્ટની ક્ષમતાઓ મૂકવામાં આવી હતી.
ડીપીએ કેચરી ખાતે નિર્માણ કરાયેલા અત્યાધુનિક ગ્લાસ હાઉસ ખાતે આયોજિત કોન્કલેવના આરંભે
કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્વાનંદ સોનોવાલે વર્ચ્યુઅલી સંબોધન કરી આયોજનને શુભેચ્છા
પાઠવી હતી. ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન ફિલ્ડમાં પોર્ટ પ્રશાસન દ્વારા કરાયેલી પહેલોને
બિરદાવી હતી. તેમણે ડીપીએ દ્વારા ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે તેમજ મેળવેલી વિવિધ સિદ્ધિઓની નોંધ લીધી હતી. ડીપીએ
ચેરમેન સુશીલકુમાર સિંઘે વિદેશથી આવેલા 100 જેટલા પ્રતિનિધિઓને આવકાર્યા હતા. તેમણે પોર્ટની વિવિધ કામગીરીઓ
અંગે પ્રતિનિધિ મંડળને અવગત કર્યા હતા. પોર્ટ પાસે વ્યાપક જમીન ઉપલબ્ધ છે, પોર્ટ વિશ્વના ઉદ્યોગપતિઓને આવકારે તેવું કહી
અહીં આવી રોકાણ કરવા અનુરોધ કરી મેક ઈન ઈન્ડિયા મેક ફોર ધ વર્લ્ડનું સૂત્ર આપ્યું હતું.
નોર્વે કિંગડમના પૂર્વ મંત્રી અને જીએચ ટુ ઈન્ડિયાના આંતરરાષ્ટ્રીય સલાહકાર બોર્ડના
પ્રમુખ એરિક સોલહેમ અને અન્ય અગ્રણી નેતાઓ આ કોન્કલેવમાં ઉપસ્થિત રહ્યા હતા. કોન્ક્લેવમાં
ગ્રીન હાઇડ્રોજન, સ્વચ્છ ઊર્જા સંક્રમણ, ટકાઉ બંદર વિકાસ અને ઉભરતી ગ્રીન ટેક્નોલોજી, વૈશ્વિક
સહયોગને પ્રોત્સાહન અને ભારતના ગ્રીન મેરીટાઇમ મહત્ત્વાકાંક્ષાઓને વેગ આપવા માટે વિચારોના
આદાનપ્રદાન પર ચર્ચાઓ થઈ હતી. કોન્કલેવનાં આયોજન અંતર્ગત ગ્રીન હાઈડ્રોજન પ્રતિનિધિ
મંડળે કંડલા ખાતેના ભારતના પ્રથમ મેક ઈન ઈન્ડિયા એક મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટની
મુલાકાત લીધી હતી. તેમજ મહાબંદરની મુલાકાત લઈને પોર્ટની મજબૂત માળખાંગત સુવિધાઓ,
કાર્યકારી ક્ષમતાઓ અને ગ્રીન એનર્જી અને ટકાઉ દરિયાઈ વિકાસ પર પોર્ટના
ધ્યેય સહિતની બાબતો અંગે માહિતી મેળવી હતી. આ વેળાએ પોર્ટના વિવિધ વિભાગીય વડાઓ ઉપસ્થિત
રહ્યા હતા.