હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 21 : કચ્છમાં વરસાદ ખેંચાતાં જળસંકટની
સ્થિતિ દિવસેને દિવસે વિકટ બની રહી છે. આગામી દિવસોમાં જ પાછોતરી મેઘકૃપા નહીં વરસે, તો વિશેષ રીતે પશ્ચિમ કચ્છમાં જળસંકટની સ્થિતિ
કપરી બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. વરસાદવિહોણો એક એક દિવસ જળસંકટની સ્થિતિને વધુ
વિકટ બનાવશે તેવી ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં જ્યાં સૌથી ઓછો વરસાદ પડયો છે,
તેમાં પશ્ચિમ કચ્છનો પણ સમાવેશ. થાય છે. જેમ જેમ વરસાદ વગરના દિવસો વીતી
રહ્યા છે, તેમ જળસંકટનું ચિત્ર વધુ વિકટ બનતું દેખાઈ રહ્યું છે.
જાણકારોના મતે કચ્છને નર્મદાનું વધારાનું એક મિલિયન એકર ફીટ પાણી આગામી સમયમાં મળનારું
છે, તેના હેઠળ થઈ રહેલાં કામોમાં પણ ઝડપ લાવવામાં આવી રહી છે.
કચ્છમાં મધ્યમ સિંચાઈના 20 ડેમમાં હાલ
22 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ
રહ્યો છે. એકમાત્ર ફતેહગઢ ડેમ પૂર્ણ ભરાઈ ચૂકયો છે. આ સિવાય આઠ ડેમ એવા છે કે, જેમાં 40 ટકાથી વધુ પાણી ઉપલબ્ધ છે.
સામી તરફ નાની સિંચાઈના ડેમોની વાત કરીએ, તો 170માંથી માત્ર
આઠ ડેમ અત્યાર સુધી છલકાયા છે. 73 ડેમમાં નવા
નીર આવ્યાં છે, પણ 89 ડેમ આજની સ્થિતિએ તળિયાંઝાટક
જોવા મળી રહ્યા છે. તુલનાત્મક રીતે જોવા જઈએ, તો નાની સિંચાઈના કુલ ડેમમાં બાવન ટકા ડેમ એવા છે કે, જે તળિયાંઝાટક જોવા મળી રહ્યા છે. પૂર્વ કચ્છના ડેમોની સરખામણીએ પશ્ચિમ કચ્છના
ડેમોની સ્થિતિ વધુ ચિંતાજનક દેખાઈ રહી છે. પૂર્વ કચ્છમાં તો થોડો ઘણો વરસાદ વરસ્યો
છે, પણ પશ્ચિમ કચ્છમાં ઝાપટાંરૂપે વરસાદે માંડ હાજરી પુરાવી છે.
જો પાછોતરી સારી મેઘમહેર ન વરસે, તો વિશેષ રીતે પશ્ચિમ કચ્છમાં
જળસંકટ ચિંતા સર્જે તેવું આ ક્ષેત્ર સાથે સંકળાયેલા
જાણકારો જણાવી રહ્યા છે. મધ્યમ સિંચાઈના ડેમોની સ્થિતિ પર એક નજર કરીએ, તો 20માંથી માત્ર
એક જ ડેમ ઓવરફલો થયો છે અને આઠ ડેમમા 40 ટકાથી ઓછું પાણી સંગ્રહિત છે. એટલે કે મધ્યમ સિંચાઈના અડધાથી
વધુ ડેમો એવા છે કે, જેમાં પુરતા
પ્રમાણમાં પાલર પાણીની આવક થઈ નથી. ડેમમાં પુરતી માત્રામાં જળનો જથ્થો ઉપલબ્ધ ન બનતાં
શિયાળુ પાકના વાવેતર પર પણ વિપરિત અસર પડશે.