કુલદીપ દવે દ્વારા : ગાંધીધામ, તા. 17 : રસોઈના સ્વાદથી માંડી ઉદ્યોગ
સંચાલનમાં નમકની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે.
દેશ અને રાજ્યના વિકાસના આંકમાં કચ્છનું યોગદાન છે. અહીં સૌથી મોટાં પ્રમાણમાં મીઠાંનું
ઉત્પાદન થવા સાથે વિશ્વભરમાં નિકાસ થાય છે. અલબત્ત આ ઉદ્યોગના પ્રશ્નો ઉકેલવા માટે
સ્થાનિક કચેરી ન હોવાથી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભૂતકાળના સમયમાં અહીં મદદનીશ
નમક કમિશનર કચેરી નિર્માણની ગતિવિધિ હાથ ધરાઈ હતી. આ વેળાએ વિશ્વ સ્તરની નમક પરીક્ષણ
લેબ પ્રસ્થાપિત કરવાની જાહેરાત કરાઈ હતી. કોઈ કચેરી નિર્માણની કામગીરી આગળ જ ન વધી
શકે, પરંતુ ચાલુ કચેરીને બંધ કરી દેવાતાં નારાજગી
પ્રસરી છે.
ભૂકંપ બાદ કચેરી કાર્યરત કરાઈ
2001ના વિનાશક ભૂકંપ બાદ ગાંધીધામમાં કેન્દ્ર સરકાર હસ્તકની મદદનીશ
નમક કમિશનર વિભાગની કચેરી કાર્યરત કરવામાં આવી હતી. લાંબા સમય સુધી આ કચેરી હંગામી
ધોરણે ભાડાંનાં મકાનમાં ચાલતી હતી. કંડલા પોર્ટ પ્રશાસન દ્વારા આ કચેરીની ઈમારત બાંધવા
માટે જમીન ફાળવવામાં આવી હતી. સંભવત: વર્ષ 2005માં શહેરના સેક્ટર-1-એ વિસ્તારમાં આ કચેરીની ઈમારત બાંધવા તજવીજ હાથ ધરાઈ હતી.
આધુનિક લેબની નેમ વ્યક્ત થઈ હતી
કચેરીના ખાતમુહૂર્ત પ્રસંગે તત્કાલીન સોલ્ટ કમિશનર એસ. સુંદરસેને
કચેરીમાં નમક પરીક્ષણ માટેની વિશ્વ સ્તરીય લેબોરેટરી વિકસાવવાની નેમ વ્યક્ત કરી હતી.
થોડા સમયના અંતરાલમાં અહીં ઈમારત ઊભી થઈ હતી. હાલમાં અહીં ફિનિશિંગ કામગીરી બાકી છે.
છેલ્લા અઢી દાયકાથી અધૂરાં કામ સાથેની આ ઈમારત શોભાના ગાંઠિયા સમાન બની છે. આ કામને
પૂર્ણ કરવાની કોઈ હિલચાલ હાથ ધરાઈ નથી.
ગ્રાન્ટના અભાવે ઈમારત અધૂરી
માહિતગારોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, કચેરીની ઈમારત બાંધવા માટે ખાતમુહૂર્તના લાંબા
સમયથી આ અંગેની કોઈ ગ્રાન્ટ આવી ન હતી. પરિણામે કામ આગળ ધપી ન શક્યું તેમજ કામ કરનાર
એજન્સીના 25થી 30 લાખ ફસાયા હોવાની ચર્ચા જે-તે
સમયે સપાટી ઉપર આવી હતી. હાલમાં આ ઈમારતનો કબજો કામ કરનાર એજન્સી પાસે હોવાની વિગતો
સાંપડી હતી. અલબત્ત આ અંગે સત્તાવાર વિગતો સાંપડી ન હતી. કંડલા પોર્ટે આપેલ આ જમીન
પેટેની રકમ પણ લેવાની બાકી હોવાનો પણ ગણગણાટ સાંભળવા મળ્યો હતો.
કચેરી રાજસ્થાનમાં કાર્યરત
રાજસ્થાનમાં નમક કમિશનરની કચેરી જયપુરમાં કાર્યરત છે. ખરેખર
તો આ કચેરી ગાંધીધામમાં જ કાર્યરત રાખવી જોઈએ એવી માંગ મીઠાં ઉદ્યોગકારોએ કરી હતી.
નમક ઉદ્યોગના પ્રશ્નો કોણ સાંભળશે
ગાંધીધામના મીઠાં ઉદ્યોગકાર અને રાષ્ટ્રીય સ્તરનાં મીઠાં સંગઠનના
અગ્રણી શામજીભાઈ કાનગડે જણાવ્યું હતું કે, એક અંદાજ મુજબ દેશભરમાં સાડા ચાર કરોડ ટન મીઠું ઉત્પાદન થાય છે, જેમાં કચ્છ વિસ્તારમાં 2થી 2.50 કરોડ ટન મીઠું
ઉત્પાદન થાય છે. સ્થાનિક નમક વિભાગની કચેરી કાર્યરત હતી તે સમયે આ ઉદ્યોગના સ્પર્શતા
પ્રશ્નો સાંભળવા સાથે તેના ઉકેલની દિશામાં પ્રયાસ હાથ ધરાતા હતા. ગાંધીધામ ચેમ્બરમાં
કાર્યરત કચેરીને પણ અંદાજિત બે મહિના પહેલાં બંધ કરી દેવામાં આવી છે.
નમક વિભાગની કચેરી કાર્યરત રાખવી જરૂરી
ગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ અને મંત્રી મહેશ તીર્થાણીએ
જણાવ્યું હતું કે, કચ્છમાં મોટાં
પ્રમાણમાં ઉત્પાદિત નમકની વૈશ્વિક બજારમાં માંગ છે. સરકારે પણ મીઠાંની નિકાસને વધારવાની
દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે. આટલા મોટાં પ્રમાણમાં ઉત્પાદિત નમક અને નિકાસના આંકડાને
કેન્દ્રમાં રાખીને નમક વિભાગની કચેરીને કાર્યરત રાખવી જોઈએ અને અહીં નમક પરીક્ષણની
વિશ્વ સ્તરની લેબ કાર્યરત કરવી જોઈએ, જેનાથી અનેક પ્રકારના લાભો થશે, તેવું
તેમણે ઉમેર્યું હતું. શહેરની મધ્યમાં અઢી દાયકાથી ઈમારત ખંડેર હાલતમાં ઊભી છે. આ બાબતે
કોઈ નીવેડો લાવીને ઘટતી કાર્યવાહી કરવામાં આવે તે સમયની માંગ છે.
ગાંધીધામ સહિત ચાર સ્થળે લેબની તાતી જરૂરિયાત
ગાંધીધામના મીઠાં ઉદ્યોગકાર પારસ નાહટાએ જણાવ્યું હતું કે, પહેલાં ગુજરાતના ગાંધીધામ, સાંતલપુર, માળિયા, જામનગર,
ભાવનગર સહિતનાં સ્થળે નમક વિભાગની કચેરી કાર્યરત હતી. ગુજરાતના મોટાભાગમાં
આ વિભાગની કચેરી બંધ કરી દેવામાં આવી છે. હાલમાં અમદાવાદ સહિત જુજ સ્થળે કચેરી ચાલુમાં
છે, જે પણ મર્યાદિત સ્ટાફ સાથે ચાલે છે, જે પ્રકારે મીઠાંનું ઉત્પાદન અને નિકાસ થાય તેને જોતાં ગાંધીધામ, સાંતલપુર, હળવદ અને ખારાઘોડા વિસ્તારમાં નમક પરીક્ષણ માટે લેબ ચાલુ કરવી જ જોઈએ.
લેબના અભાવે ગુણવત્તા ઉપર નિયંત્રણ થતું નથી, તો બીજી બાજુ ફસાઈ
વિભાગ પૂર્ણ કાર્યક્ષમતા સાથે પૂરતા નમૂના લઈને પરીક્ષણ કરી શકતું નથી, જેને લઈને ગુણવત્તાના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. ગાંધીધામમાં નમક વિભાગની કચેરી
ચાલુ રાખવી જોઈએ તેવું તેમણે ઉમેર્યું હતું.