• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

નવું વીજ જોડાણ લેવામાં `ઘાટ કરતાં ઘડામણી મોંઘી'

ભુજ, તા. 17 : લાઇટ-પાણી એટલે સામાન્ય નાગરિકોની મૂળભૂત જરૂરિયાતો છે અને આવી સગવડો આપવી એ સરકારની ફરજ છે, પરંતુ બહાર આવેલી વિગતો પ્રમાણે પાણી તો મળી રહે છે, પરંતુ અંધારું ઉલેચતું વીજ જોડાણ મેળવવા અરજદારોને નાકે દમ આવી જાય છે. સરકારની ઓનલાઇન નવી નીતિ પ્રમાણે એક ગામડાંનો નાનો માણસ જેમ તેમ કરીને ઘર તો બાંધી લે છે, પરંતુ લાઇટ મેળવવા દિવસો સુધી ઓનલાઇન ફોર્મ ભરવા જ્યાં-ત્યાં દોડતો હોય છે !

સરકારી નવું વીજ જોડાણ લેવા કે તેમાં વારસાઇ વગેરે કરવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની વ્યવસ્થા શહેરો માટે ઠીક છે, પરંતુ નાનાં-નાનાં ગામડાંઓમાં ઇન્ટરનેટ પણ આજની તારીખે માંડ  ચાલે છે. ત્યાં ફોર્મ ભરવા માટે મકાનના આટલા મોટા કાગળિયા ક્યાં સ્કેન કરે ને કેવી રીતે ફોર્મ ભરે તેવા સવાલો ઊભા થયા છે. ત્યારે `કચ્છમિત્ર'એ આમ આદમીની સમસ્યાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે.

મહિને બે હજાર અરજી

કચ્છમાં પૂર્વ અને પશ્ચિમ કચ્છ પી.જી.વી.સી.એલ. હસ્તકના જુદા-જુદા શહેરી તથા ગ્રામીણ પેટા વિભાગોમાં નવા વીજ જોડાણો મેળવવા અંદાજે બે હજાર જેટલી અરજીઓ આવે છે, ત્યારે હવે આ તમામ અરજીઓ કચેરીમાં રૂબરૂ આપવાને બદલે ઓનલાઇન અરજી કરવાનો નિયમ અમલ થયો છે.

અરજદારોની વેદના

એક વૃદ્ધ અરજદાર કચ્છમિત્રના પગથિયાં ચડીને આવ્યા ને પોતાની વેદના રજૂ કરી હતી. કહ્યું કે, હું એક ગામડામાં રહું છું. મને ઓનલાઇન ફોર્મ ભરતાં નથી આવડતું. અંતે એજન્ટ સુધી પહોંચી કાર્યવાહી કરી છે. ખરેખર ગામડાંના અરજદારો માટે આ પ્રથા બંધ કરવી જોઇએ. બાદમાં આ અંગેની તપાસ કરતાં જાણવા મળ્યું કે, ખુદ અધિકારીઓ પણ આ પ્રથાના વિરોધી છે. કેમ કે બધા પોતે ફોર્મ ભરી શકતાં નથી એટલે નાછૂટકે સહારો લે છે ને ક્યારેક કોઇ કિસ્સામાં નાની ગરીબ વ્યક્તિના ઘરની ડિપોઝિટ તંત્રને ભરવા કરતા સહારો આપનારાનો ચાર્જ વધી જાય છે.

સેન્ટ્રલ પ્રોસેસિંગ કમિટી

અત્યાર સુધી નવા વીજ જોડાણ મેળવવાની પ્રક્રિયા સરળ હતી. કચેરીમાં ફોર્મ ભરી જરૂરિયાત મુજબનો વીજભાર બતાવવામાં આવે એ હિસાબે ડિપોઝિટ ભરવા કોલલેટર આવતા હતા, પરંતુ પોતાનું નામ નહીં આપવાની શરતે અધિકારીએ જણાવ્યું કે, હવે ઓનલાઇન તમામ ફોર્મ રાજકોટ ખાતેની સેન્ટ્રલ પ્રોસેસિંગ કમિટી પાસે જાય છે. ત્યાંથી અરજદારને ઓ.ટી.પી. આવે અને જે થોડી પણ અધૂરાશ હોય તો અરજી ફોર્મ રદ થઇ જાય. એક વખત અરજી રદ થાય એટલે ફરી નવેસરથી કાર્યવાહી કરવી પડે છે.

શું ખોટું થાય ?

ગ્રામીણ અરજદારોએ પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું કે, અત્યાર સુધી ફોર્ભ ભરાતાં અને મકાનના આધાર-પુરાવા વગેરે આપવા પડતા. ગ્રામ પંચાયતનો દાખલો સાથે આપવામાં આવે વગેરે, પછી જોડાણો આપવામાં કંઇ ખોટું થતું નથી, છતાં ઓનલાઇન શા માટે, ખરેખર જો ઓનલાઇન કરવું હોય તો કચેરીમાંથી જ આવી વ્યવસ્થા કરવી જોઇએ. અરજી આપી આવ્યા પછી ત્યાંથી અપલોડ થાય ને ગ્રાહકના મોબાઇલ નંબર ઉપર મેસેજ આવે આવું કરવાને બદલે ગ્રાહકોને ડાયરેક્ટ ઓનલાઇન કરવા માટે નિયમ બનાવાતાં ઘાટ કરતાં ખરેખર ઘડામણી વધી ગઇ હોય એવો તાલ સર્જાયો છે.

બધી જ કામગીરી ઓનલાઇન

અત્યંત અંતરિયાળ ગામોના અરજદારો માટે તો આવી બન્યું છે. કેમ કે સાદા  ટચપેડવાળા મોબાઇલ પણ માંડ ચાલે છે તો આટલા કાગળો સ્કેન કરવા ને ઓનલાઇન કેમ કરવું આવા સવાલો ઊભા થાય. વળી ન માત્ર નવું વીજ જોડાણ, હંગામી જોડાણ, નામ બદલવું હોય, તો સિફ્ટિંગ વગેરે માટે ઓનલાઇન અરજી માગવામાં આવે છે અને જાણવા એવું મળ્યું કે, કમિટી તો ગમે ત્યાંની અરજી મળતાં સબ ડિવિઝનને ફોરવર્ડ કરતો હોવાથી પોતાની અરજી ગોતવા પણ અરજદારોને લાંબા થઇ જવું પડે છે તેવી ફરિયાદ ઊઠતાં ગ્રાહકો કંટાળી ગયા હતા.

Panchang

dd