• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

સામખિયાળી-ભચાઉ વચ્ચે ટ્રેકનું ટ્રોલીથી નિરીક્ષણ

ગાંધીધામ, તા. 5 : માલ પરિવહનમાં દર મહિને રેકોર્ડ સર્જતા ગાંધીધામ એરિયામાં રેલવે  દ્વારા માળખાંકીય સુવિધા વધારવા માટે સામખિયાળીથી ગાંધીધામ સુધી ચાર માર્ગીય ટ્રેકનું કામ હાથ ધરાયું છે તે અંતર્ગત સામખિયાળીથી ભચાઉની કામગીરી પુરી થતાં આજથી સુરક્ષા આયુકત દ્વારા નિરીક્ષણનો આરંભ કરાયો હતો. પશ્ચિમ રેલવેના રેલવે સેફ્ટી કમિશનર ઈ. શ્રીનિવાસ દ્વારા આજે વિસ્તૃત સુરક્ષા નિરીક્ષણના પ્રથમ તબક્કાની શરૂઆત સામખિયાળી રેલવે સ્ટેશનથી કરવામાં આવી. આ પ્રસંગે  ડીઆરએમ વેદપ્રકાશ, મુખ્ય પ્રશાસનિક અધિકારી (નિર્માણ) પ્રદીપ ગુપ્તા સહિત નિર્માણ અને ઓપન લાઇન વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે રેલ સંરક્ષા આયુક્તે પ્રસ્તાવિત ડાઉન મેઇન-2 લાઇન પર સામખિયાળીથી ભચાઉ વચ્ચેના લગભગ 16.40 કિલોમીટર લાંબા રેલખંડનું મોટર ટ્રોલી દ્વારા વિસ્તૃત સંરક્ષા નિરીક્ષણ કર્યું હતું. નવી રેલ લાઇનની ગુણવત્તા, ટ્રેક જ્યોમેટ્રી, રેલ વેલ્ડિંગ, લેવલ ક્રોસિંગ, સિગ્નલ અને દૂરસંચાર પ્રણાલી, ઓવરહેડ ઇલેક્ટ્રિક સાધનો, રેલ સંરક્ષાના ધોરણો તેમજ સંચાલન સંબંધિત વ્યવસ્થાઓનું સૂક્ષ્મ પરીક્ષણ કરવામાં આવ્યું. આ ઉપરાંત સામખિયાળી રેલવે સ્ટેશનના યાર્ડ, સંચાલન વ્યવસ્થા, સિગ્નાલિંગ પ્રણાલી, ઇન્ટરલાકિંગ, પોઇન્ટ મશીનો તેમજ સ્ટેશન પર ઉપલબ્ધ વિવિધ સંરક્ષા ઉપકરણોનું સઘન નિરીક્ષણ કર્યું તેમજ વિવિધ પુલ અને રેલવે ફાટકનું પણ નિરીક્ષણ કરાયું હતું. આ ઉપરાંત વોંધ રેલવે સ્ટેશન ખાતે સ્ટેશનની સંચાલન ક્ષમતા, યાર્ડનું લેઆઉટ, સિગ્નાલિંગ વ્યવસ્થા, યાત્રી સુવિધાઓ તેમજ સંરક્ષા સંબંધિત વ્યવસ્થાઓનું અવલોકન કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમપાર ફાટક પર ડીઆરએમ વેદપ્રકાશે સ્થાનિક નાગરિકો સાથે સંવાદ પણ કર્યો. સ્થાનિક નાગરિકોએ સમપાર ફાટક બંધ રહેવાના કારણે થતી અસુવિધા, લાંબા સમય સુધી રાહ જોવી પડતી હોવાની તેમજ વૈકલ્પિક માર્ગ દ્વારા અવરજવર કરવાની સમસ્યાઓ અંગે તેમને અવગત કર્યા હતા. આ અંગે ડીઆરએમએ સબંધિત અધિકારીઓને જનહિતને ધ્યાનમાં રાખીને સમસ્યાના ત્વરિત અને વ્યવહારુ ઉકેલ માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી હતી.

Panchang

dd