નરેશ અંતાણી દ્વારા : ભુજ, તા. 5 : હડપ્પીય વસાહતોની હારમાળા ધરાવતા સરહદી કચ્છ જિલ્લામાં સરહદ પર એક વધુ વસાહત ધરબાઈ હોવાના અણસાર પ્રાપ્ત થતાં સંશોધકો અને પુરાતત્ત્વપ્રેમીઓમાં રોમાંચની લહેર ફેલાઈ છે. વિશેષ કરીને અહીં મળતાં હાડપિંજરના અવશેષો હડપ્પીયન સંસ્કૃતિને લગતાં સંશોધનોને નવો વળાંક આપે એવી પણ સંભાવના જોવાઈ રહી છે. જિલ્લામાં પાકિસ્તાન સરહદને અડીને આવેલા વિસ્તારમાં સરહદના સંત્રીઓ ઉજ્જડ ગામ તરીકે માનતા હતા ત્યાં એક સમૃદ્ધ નગર ધરબાયું હોવાના પ્રમાણો મળી આવ્યાં છે. કચ્છ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરાયેલાં સંયુક્ત અભિયાનમાં આ નગર મળી આવ્યું હોવાનું કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તર વિભાગના પ્રા. ગૌરવ ચૌહાણે કચ્છમિત્રને જણાવ્યું હતું.
જવાનોએ ધ્યાન દોર્યું
ચારેક વર્ષ અગાઉ સરહદનું `રખોપું' કરતા
બી.એસ.એફ.ના જવાનોને પેટ્રોલિંગ દરમ્યાન સૌ પ્રથમ આ સ્થાન જોવા મળ્યું હતું. એ વખતે
તેઓ તેને ઉજ્જડ ગામ તરીકે ઓળખતા હતા. બી.એસ.એફ.એ આ વિગત સ્ટેચ્યૂ ઓફ યુનિટીના અધિક
કલેક્ટર નારાયણ માધુને આપતાં તેમણે કચ્છના એ સમયના કલેક્ટર આનંદ પટેલને જાણકારી હતી.
કલેક્ટરે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઈ પટેલ સાથે વાતચીત કર્યા બાદ યુનિવર્સિટીના
ભૂસ્તર વિભાગ દ્વારા બી.એસ.એફ.ની પરવાનગી મેળવી આરંભિક સંશોધન હાથ ધર્યું. આ સંશોધનમાં
એમની સાથે ભૌતિક સંશોધન પ્રયોગશાળા, બિરબલ સહાની ઈન્સ્ટિટયૂટ
ઓફ પેલેસોસાયન્સીસ અને ડેક્કન કોલેજ પુનાના સંશોધન વિભાગના નિષ્ણાતો પણ જોડાયા હતા.
ડો. ગૌરવે જણાવ્યું હતું કે, આરંભિક સંશોધનથી જ એવું જણાયું કે,
આ એક નોંધપાત્ર વસાહત હોવી જોઈએ.
માનવ નરકંકાલ
આ મહત્ત્વના પુરાતત્ત્વીય સ્થાન પરથી એકસોથી વધારે માનવ હાડપિંજર
જોવા મળ્યા છે. આ તમામ હાડપિંજરના માથાં ઉત્તરમાં અને દક્ષિણમાં પગ છે અને તમામ વ્યક્તિઓ
પશ્ચિમ દિશામાં પડખું ફરીને સૂતેલી હાલતમાં છે. એમાં એક નાના બાળકનું હાડપિંજર પણ જોવા
મળે છે. આ સ્થાનનું કોઇ ચોક્કસ નામ ન હોઇ ગૌરવભાઇ સહિતની સંશોધક ટુકડીએ તેને બરબાદપુર
એવું કામચલાઉ નામ આપ્યું છે.
નામ બરબાદપુર
બરબાદપુર ખાતે મળી આવેલી આ વસાહત એક મોટી વસાહત હોવાના પૂરતા
આધારો આપે છે. અહીંથી ટેરાકોટા, ચોખાના
હલર, તેલના દીવા, માટી પાત્રો, બરણી, તાંબાના સિક્કા, ઊંટના રમકડાં
સહિતની વસ્તુઓ પ્રાપ્ત થઇ છે જે આ વસાહતને મધ્યયુગીન વસાહતનો દરજ્જો આપી શકતી હોવાનું
અનુમાન છે સંશોધન કાર્યમાં જોડાયેલા પુના ડેક્કન કોલેજના પ્રાધ્યાપક પ્રબોધ શિરવલકરનું
છે. અહીંથી મળતા ચોખાના પાક લેવાના સાધનો પરથી એવું અનુમાન કરી શકાય કે અહીં વસતા લોકોનો
મુખ્ય વ્યવસાય ચોખાની ખેતી હશે.
સિંધુ નદીનું અનુમાન
આ વસાહત એક ઊંચી જમીન પર આવેલું છે. તેની નીચેના ભાગમાં નદીની
ભરતીનાં પાણી એક સમયે આવતાં હશે તેથી કાંપની રેતી પણ જોવા મળે છે. એથી એવું અનુમાન
કરી શકાય કે, આ વસાહત એક ખળખળ કરતી નદીના
કિનારે એક સમયે વસી હશે. અહીંથી સિંધુ નદીનો પ્રવાહ પણ વહેતો હોવાનું અનુમાન છે. આ
નદી મારફત તેઓ માલની અવરજવર કરતા હશે. અહીં દટાયેલાં હાડપિંજરો ખુલ્લા કેમ થયા હશે
એવા એક સવાલના જવાબમાં ડો. ગૌરવે જણાવ્યું કે, સંભવત: 1819ના ભૂકંપમાં જ્યારે સિંધુ નદીએ
પોતાનું વહેણ બદલ્યું એ સમયે જ જમીનમાં ઊંડા દટાયેલા હાડપિંજર બહાર આવી ગયાં હોવાનું
સંભવ છે.
વધુ સંશોધન જરૂરી
આ બરબાદપુર એ સમયની ભૂસ્તરીય રચના અંગે પણ સંશોધનની તકો ઊભી
કરે છે. સંશોધનમાં જોડાયેલા ઓક્સફોર્ડના પ્રતિનિધિ અજય યાદવનું અનુમાન છે કે, અહીં વધારે સંશોધન કરાય, અહીંથી પ્રાપ્ત અવશેષોનું વૈજ્ઞાનિક ડેટિંગ- પૃથક્કરણ પછી વસાહતનો ચોક્કસ સમયગાળો,
એમનું અર્થતંત્ર અને આ પ્રદેશની પ્રાચીનતા અંગે ચોક્કસ જાણકારી પ્રાપ્ત
કરી શકાશે. આ અંગે વધુ સંશોધન ભારત સરકારના પુરાતત્ત્વીય સર્વેક્ષણ વિભાગની પરવાનગી
મેળવી તથા તેમના સહયોગથી આગળ વધારવાનું જણાવતાં ડો. ગૌરવ ચૌહાણે કચ્છ યુનિવર્સિટીની
એક મોટી સફળતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. આ સંશોધન સમયે યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઈ
પટેલ, કચ્છના તત્કાલીન કલેક્ટર આનંદ પટેલ પણ સાથે રહ્યા હતા.
બી.એસ.એફ.ના સહયોગની પણ એમણે સરાહના કરી હતી.
આ વસાહતને હાલ હંગામી સમય માટે તેની પૂર્ણ ઓળખ ન થાય ત્યાં સુધી બરબાદપુર તરીકે ઓળખવામાં
આવશે એવું જણાવતાં તેમણે ઉજ્જડ ગામથી આરંભાયેલ સંશોધન કચ્છના દરિયાઈ ભૂતકાળના ભુલાયેલા
એક બંધ પ્રકરણને ઉજાગર કરશે એવી આશા વ્યક્ત કરી હતી.