• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

ખાવા-પીવાની ખરાબ આદતો હૃદયરોગ નોતરે

મોટા લાયજા, તા. 4 : તાણયુક્ત ભાગદોડ અને જંકફૂડ-બહારના આહારથી વર્તમાને લોકોના આરોગ્ય ઉપર ગંભીર ખતરો ઊભો થયો છે. જીવનશૈલીમાં બદલાવ, નિયમિત કવાયત તથા સમતોલ પૌષ્ટિક આહાર થકી જ હૃદયરોગ-ડાયાબિટીસ-બી.પી. જેવા ગંભીર રોગોથી બચી શકાશે અને તે નિર્વિકલ્પ હોવાનું અહીં જનકલ્યાણ મેડિકલ સોસાયટી માંડવી આયોજિત `સ્વસ્થ  હૃદય -સ્વસ્થ જીવન' વિષય પર વાર્તાલાપમાં બોલતાં હૃદયરોગ  સર્જન અને અમદાવાદની એપિક મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના સ્થાપક ડિરેકટર ડો. અનિલ જૈને જણાવ્યું હતું. જૈનપુરી માંડવી ખાતે પ્રબુદ્ધ નગરજનોની ઉપસ્થિતિમાં આયોજિત આરોગ્ય વિષયક મહત્ત્વપૂર્ણ ટોક-શોના આરંભે જનકલ્યાણ મેડિ. સોસાયટી, નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ એન્ડ ડાયાલિસીસ સેન્ટરના પ્રમુખ કિરણભાઇ સંઘવીએ ભૂમિકા રજૂ કરતાં સંસ્થાની 34 વર્ષની આરોગ્યસેવાઓનો ચિતાર રજૂ કરી સૌને આવકાર્યા હતા. ડો. જૈનના ધર્મપત્ની અને માંડવીનાં દીકરી ડો. કલ્પના જૈનએ સંસ્મરણો વાગોળતાં માતૃભૂમિનું  ઋણ અદા કરવાના પ્રયાસરૂપે જનકલ્યાણ સોસાયટીને એપિક હોસ્પિ. પરિવાર તરફથી રૂા. 1,11,111નું દાન જાહેર કર્યું હતું. જનકલ્યાણ સોસાયટીના માધ્યમથી અમદાવાદ એપિક હોસ્પિટલ ખાતે આવનાર દર્દીને ખાસ રાહતદરે સારવાર કરવાની તત્પરતા દાખવી હતી. મંચસ્થ ડો. કુણાલ જૈન, ડો. રૂપાલીબેન મોરબિયા, ડો. દર્શન રાજાણી, મનીષ મોરબિયા, ડો. સાક્ષી મોરબિયા, નવીનચંદ્ર મોરબિયાનું સન્માન જનકલ્યાણ મેડિ. સોસા.ના પ્રમુખ કિરણભાઇ સંઘવી, અરવિંદભાઇ શાહ, શાંતિલાલ પટેલ, મહેશભાઇ કંસારા, નિશાંતભાઇ શાહ, વી.કે. સોલંકી, દિનેશ શાહએ કર્યું હતું. વિશેષ પરિચય આપતાં સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી ડો. હર્ષદભાઇ ઉદેશીએ જણાવ્યું કે ગુજરાતમાં કાર્ડિયાક સર્જરી ક્ષેત્રે આગવી કેડી કંડારીને 45000 જેટલી કાર્ડિયાક સર્જરી કરવાનો કીર્તિમાન માંડવીના જમાઇ ડો. જૈનનાં નામે હોય તે એક ગૌરવની વાત છે. પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન સાથે અભ્યાસ અને અનુભવ સમૃદ્ધ વક્તવ્ય આપતાં ડો. જૈને વર્તમાને લોકોની ખાવા-પીવાની ખરાબ આદતો, પામતેલનો વધતો વપરાશ, કસરતનો અભાવ અને તેને પરિણામે વધતી  મેદસ્વીતાએ ભારતને હૃદયરોગોની રાજધાની બનાવી હોવાની ચિંતા વ્યક્ત કરી હતી. હૃદયરોગ રાતોરાત થતો નથી અને તે ગમે તે ઉમરે થઇ શકતો હોવાથી નાના-મોટા દરેકે ખાનપાન અને જીવનશૈલીમાં બદલાવ લાવવા પર ભાર મૂકયો હતો. સંસ્થાના કાર્યવાહક સમિતિના પ્રો. ડો. હિતેશ ભટ્ટ, રાજેશ પટેલ, હોસ્પિટલના એડમિન કેતલબેન ભટ્ટ અને સ્ટાફના સભ્યોએ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન  કચ્છી સાહિત્યકાર વિશ્રામ ગઢવી અને આભારદર્શન સંસ્થાના મંત્રી અરવિંદ શાહે કર્યું હતું. માંડવી નગરના ગણમાન્ય તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd