• રવિવાર, 12 જુલાઈ, 2026

સાંસદ કાર્નિવલમાં કચ્છી સંસ્કૃતિ ખીલશે

ભુજ, તા. 11 : કચ્છી નવાં વર્ષ આષાઢી બીજની ઉજવણીને યાદગાર બનાવવા માટે સતત બીજાં વર્ષે સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન કરાયું છે. આષાઢી બીજ ગુરુવાર તા. 16 જુલાઈની સાંજે હમીરસર કાંઠે આયોજિત કાર્નિવલમાં 60થી વધુ ગ્રુપ ભાગ લઈ પોતાની પ્રતિભાનાં કામણ પાથરશે. સાંસદ વિનોદ ચાવડાએ ભુજમાં આયોજિત પત્રકાર પરિષદમાં આયોજનની સંપૂર્ણ વિગતો આપી હતી. સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું કે, આષાઢી બીજની ઉજવણીનું કચ્છમાં વિશેષ મહત્ત્વ રહેલું છે, પણ છેલ્લા કેટલાક સમયથી પારંપરિક ઉજવણીમાં અવરોધ ઊભો થયો હતો, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનને ઝીલી લઈ ગત વર્ષથી સાંસદ કચ્છ કાર્નિવલની ઉજવણીની શરૂઆત કરી છે. સાંસદ કચ્છ કાર્નિવલમાં કચ્છની સાથે દેશની કળા, સંસ્કૃતિ અને પરંપરાનો સુભગ સમન્વય જોવા મળશે. આ વખતના કાર્નિવલના રૂટમાં થોડો ફેરફાર કરી મહાદેવનાકાથી રાજેન્દ્ર બાગ સુધીનો રૂટ નિર્ધારિત કરાયો છે. કચ્છના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકભાઈ છાંગા સહિત કચ્છના રાજકીય- સામાજિક અગ્રણીઓની હાજરીમાં કાર્નિવલનો આરંભ કરવામાં આવશે. સાંસદે વધુમાં કહ્યું કે, કાર્નિવલને વધુ આકર્ષક બનાવવા માટે કાર્નિવલના રૂટ પર રંગબેરંગી લાઈટો સાથે સેલ્ફી પોઈન્ટ ઊભા કરવામાં આવશે. આ સમગ્ર આયોજનમાં સાંસદ પ્રેરિત સમાજ નવનિર્માણ ટ્રસ્ટનો સહયોગ મળ્યો છે. કાર્નિવલમાં પ્રથમ પાંચ વિજેતાને અનુક્રમે પ1,000, 41,000, 31,000, 21,000 અને 11,000 ઉપરાંત ભાગ લેનાર દરેક કૃતિને પ000નું ઈનામ આપવામાં આવશે. કેડીસીસી બેન્ક અને ભુજ કોમર્શિયલ બેન્કનો પણ ઈનામો માટે સહયોગ મળ્યો છે. સાંસદે લોકો આ ઉજવણીમાં બહોળી સંખ્યામાં જોડાય તેવો અનુરોધ કર્યો હતો. પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશ ખંડોર, શહેર ભાજપ પ્રમુખ મીત ઠક્કર, નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલ ગઢવી, રિતેન ગોર, નરેશ મહેશ્વરી, પંકજ ઝાલા, મયૂરસિંહ જાડેજા સહિત ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd