ભુજ, તા. 11 : ભારતીય હસ્તકળા વારસાને
જીવંત રાખવા બદલ કચ્છના બે કારીગરોને બે અલગ-અલગ યુનિવર્સિટી દ્વારા ઉત્તરપ્રદેશના
રાજ્યપાલ અને ચાન્સેલર આનંદીબેન પટેલના હસ્તે માનદ્ ડોક્ટરેટ (ડી.લિટ.)ની પદવીથી સન્માનિત
કરવામાં આવ્યા હતા. કચ્છની પરંપરાગત તેમજ લુપ્ત થતી રોગાન કલાના અધિકૃત જીઆઈ રજિસ્ટર્ડધારક
માધાપરના આશિષ કંસારાને લખનઉની ડો. એ. પી. જે.
અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીના 24મા
દીક્ષાંત સમારોહમાં રોગાન કલાના અસ્તિત્વને સાચવી રાખવા ઉપરાંત સ્થાનિક ગ્રામીણ મહિલાઓને
પ્રશિક્ષિત કરીને સામાજિક ઉત્થાન અને આર્થિક પગભર બનાવવામાં યોગદાન આપવા બદલ ડી.લિટ.ની
પદવી હાંસલ થઇ છે. આ જ રીતે પરંપરાગત ચર્મશિલ્પ (લેધર આર્ટ) ક્ષેત્રે સાડા ત્રણ દાયકાથી
કાર્યરત અંચલ પી. બિજલાણીને છત્રપતિ શાહુજી મહારાજ યુનિવર્સિટી, કાનપુરના 41મા દીક્ષાંત સમારોહમાં માનદ્ પદવીથી નવાજવામાં આવ્યા
હતા. મૂળ બનાસકાંઠાના થરાદથી સ્થળાંતર કરી સુમરાસર ગામને પોતાની કર્મભૂમિ બનાવી ગુજરાત
રાજ્ય શિલ્પ પુરસ્કાર વિજેતા અંચલભાઈએ દેશ-વિદેશમાં ચર્મકળાનો વ્યાપક પ્રચાર કર્યો
છે અને પત્ની શારદાબેનના સહયોગથી ગ્રામીણ મહિલાઓ અને યુવાનોને તાલીમ આપી આત્મનિર્ભર
અને રોજગારયુક્ત બનાવ્યા છે. અન્ય રાજ્યની યુનિવર્સિટીઓ દ્વારા કચ્છની માટી સાથે જોડાયેલી
આ બે કલાને જીવંત રાખનારા કારીગરોનાં યોગદાનને મળેલી કદર સમગ્ર કળાજગત માટે વિશેષ ઉપલબ્ધિ
છે.