કૈયૂર વૈદ્ય દ્વારા : ભુજ, તા. 11 : કચ્છ એ કુદરતની પ્રયોગશાળા છે તે ફરીવાર સાબિત કરતી ઘટનામાં જિલ્લાના રણપ્રદેશમાં જોવા મળતી અત્યંત દુર્લભ વનસ્પતિને વૈજ્ઞાનિક અભ્યાસના આધારે નવી ઉપજાતિ તરીકે માન્યતા મળી છે. આ નવી ઉપજાતિને હેલિએન્થમમ સીટ્રીનમ સબસ્પિસીઝ કચ્છીકમ નામ આપવામાં આવ્યું છે. કચ્છીકમ નામ કચ્છ જિલ્લાને સમર્પિત છે. કેમ કે, આ વનસ્પતિ અત્યાર સુધીમાં માત્ર લખપત તાલુકાના મર્યાદિત વિસ્તારમાં જ જોવા મળી છે. ગુજરાતની જૈવવિવિધતા માટે ગૌરવ સર્જતા આ સંશોધનનું નેતૃત્વ કચ્છ સાથે 13 જેટલા વર્ષનો નાતો ધરાવતા ડો. રોહિતકુમાર એમ. પટેલે સંભાળ્યું હતું. આ સંશોધન વિશ્વપ્રસિદ્ધ અંતરરાષ્ટ્રીય વનસ્પતિશાત્રીય જર્નલ ફિટોક્સામાં પ્રકાશિત થયું છે. આ સંશોધનનું નેતૃત્વ કરનારા ડો. રોહિતકુમાર એમ. પટેલ હાલમાં ગાંધીનગર સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજમાં વનસ્પતિશાત્રના સહાયક પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે. સંશોધનપત્રના સહલેખકોમાં ડો. સુજિતકુમાર પ્રજાપતિ, ડો. કુમાર વિનોદ ગોસાવી તથા સ્પેનની યુનિવર્સિટી ઓફ સેવિલ અને યુનિવર્સિટી કોમ્પ્લુટેન્સે મેડ્રિડના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વનસ્પતિ વૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે. આ સંશોધન ભારત અને સ્પેન વચ્ચેના વૈજ્ઞાનિક સહયોગનું ઉત્તમ ઉદાહરણ છે.
10 વર્ષ પહેલાં થયેલી શોધ હવે વૈશ્વિક માન્યતા સુધી
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં
ડો. રોહિત પટેલે પ્રથમ વખત કચ્છમાંથી ઈશતાફિંભયફય કુળની હાજરી નોંધાવી હતી, જે ભારત માટે એક નવો વનસ્પતિ કુળનો
રેકોર્ડ હતો. ત્યારબાદ લગભગ દાયકાભર ચાલેલા વિસ્તૃત અભ્યાસમાં વનસ્પતિના બાહ્ય લક્ષણો,
ડીએનએ વિશ્લેષણ, રંગસૂત્રો અને ઉક્રાંતિના અભ્યાસના
આધારે સાબિત થયું કે, આ વનસ્પતિ અગાઉ માનવામાં આવતી પ્રજાતિથી
અલગ છે અને તેને નવી ઉપજાતિ તરીકે ઓળખ આપવી યોગ્ય છે.
1.2 લાખ વર્ષ જૂની કુદરતી સફરની સાક્ષી
ડો. પટેલે જણાવ્યું હતું કે, આ સંશોધનનું સૌથી રસપ્રદ તારણ એ છે
કે, કચ્છમાં મળતી આ વનસ્પતિના પૂર્વજો આશરે 1,20,000 વર્ષ પહેલાં દક્ષિણ અરબી દ્વીપકલ્પમાંથી કુદરતી રીતે
ભારતમાં પહોંચ્યા હતા. ડીએનએ આધારિત ઉક્રાંતિના અભ્યાસે દર્શાવ્યું છે કે, આ લાંબા અંતરના કુદરતી પ્રસાર (કજ્ઞક્ષલ-મશતાફિંક્ષભય
મશતાયતિફહ)નું અનોખું ઉદાહરણ છે, જે ભારત અને અરેબિયન પ્રદેશ
વચ્ચેના પ્રાચીન જૈવિક સંબંધોને ઉજાગર કરે છે.
માત્ર કચ્છમાં જ અસ્તિત્વ
આ વનસ્પતિ હાલ માત્ર કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ત્રણ
સ્થળો લક્ષ્મીરાણી, ગોંધાતડ
ડેમ વિસ્તાર અને નારાયણ સરોવર અભયારણ્યની આસપાસ જોવા મળી છે. અત્યાર સુધી માત્ર લગભગ
75 છોડ નોંધાયા
છે. ચૂનાના પથ્થરના ખનન અને વસવાટ વિસ્તારના ઘટાડાને કારણે આ ઉપજાતિને વૈશ્વિક ધોરણ
લુપ્તપ્રાય શ્રેણીમાં મૂકવાની ભલામણ કરવામાં આવી છે.
હજુ પણ અનેક વનસ્પતિ શોધાવાની સંભાવનાઓ
આ શોધ માત્ર એક નવી વનસ્પતિની ઓળખ નથી, પરંતુ ગુજરાતની જૈવવિવિધતા,
કચ્છના રણપ્રદેશની વૈશ્વિક પર્યાવરણીય મહત્તા અને ભારતીય વનસ્પતિશાસ્ત્રના
સંશોધન માટે ઐતિહાસિક સિદ્ધિ છે. આ અભ્યાસ દર્શાવે છે કે ભારતના શુષ્ક અને ઓછા અભ્યાસિત
પ્રદેશોમાં હજુ પણ અનેક અજાણી અને વૈજ્ઞાનિક રીતે મહત્વપૂર્ણ વનસ્પતિઓ શોધાવાની શક્યતા
છે.
વનસંપદાનું સરક્ષણ સૌની જવાબદારી
કચ્છનો રણપ્રદેશ માત્ર તેના અદભૂત સૌંદર્ય માટે જ નહીં, પરંતુ દુર્લભ અને અનન્ય જૈવવિવિધતાના
ભંડાર તરીકે પણ વિશ્વમાં ઓળખાઈ રહ્યો છે. આવી વનસ્પતિઓનું સંરક્ષણ માત્ર વૈજ્ઞાનિકોની
જ નહીં, પરંતુ સ્થાનિક લોકો, પ્રકૃતિપ્રેમીઓ
અને સમગ્ર સમાજની સંયુક્ત જવાબદારી છે. કુદરતના આ અમૂલ્ય વારસાને જાળવવાથી જ આવનારી
પેઢીઓને સમૃદ્ધ જૈવવિવિધતા મળી રહેશે એમ પણ ડો. પટેલે જણાવ્યું હતું
મીઠા ગૂગળની શોધ
સાથે નાતો
આ સંશોધનનું નેતૃત્વ સંભાળનારા ડો. રોહિત પટેલ મૂળ
મહેસાણાના વીજાપુરના વતની છે અને તેમણે કચ્છમાં 13થી વધુ વર્ષનો સમય વૈજ્ઞાનિક સંશોધનોમાં વીતાવ્યો છે. `ગાઈડ'
જેવી સંસ્થાઓ સાથે સંકળાઈને પણ તેઓ સંશોધન કાર્ય કરી ચૂક્યા છે. અલભ્યતાના
આરે પહોંચેલી વનસ્પતિ મીઠા ગૂગળનું અસ્તિત્વ આ જિલ્લામાં હોવાનું સંશોધન પણ ડો. પટેલની
આગેવાનીમાં થયું હતું