• રવિવાર, 12 જુલાઈ, 2026

કાળા કોલસાની રજે માતાનામઢની હાલાકી વધારી

માતાના મઢ, તા. 11 : માતાના મઢની દક્ષિણ દિશામાં આવેલી લિગ્નાઈટ ખાણની અંદર ભારે પ્રમાણમાં લિગ્નાઈટ કાઢવામાં આવી રહ્યું છે. સેંકડો ટ્રકો અહીં અવરજવર કરી રહી છે, તેથી આ કોલસાની ભૂસી ઊડીને મઢ ગામમાં પ્રવેસી રહી છે, તેથી ગ્રામજનો આ ઊડતી કાળી કોલસાની રજથી ત્રસ્ત બન્યા છે. આ પરિસ્થિતિનાં કારણે અહીંની મહિલાઓ પોતાનાં ઘરઆંગણે અને ધાબા પરથી સૂપડાં ભરી-ભરીને સફાઈ કરવા મજબૂર બન્યા. પર્યાવરણમાં ફેલાતી આ કોલસાની ભૂસીના કારણે વૃદ્ધો અને નાના બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. મઢના પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ જી.એમ.ડી.સી.ના અધિકારી શ્રી ડાનીને મૌખિક ફરિયાદ કરી હતી. માઈન્સના પ્રોજેક્ટ મેનેજર શ્રી ડાની તથા એમ.ડી.ઓ. શ્રી ઝાએ મઢ ગામની આ સમસ્યાનો જલ્દી નિકાલ થશે તેવી વાત કરી હતી. પર્યાવરણમાં મિશ્રિત થતી આ લિગ્નાઈટની રજ નજરે જોવા મળી હતી. આ ડસ્ટને રોકવા જી.એમ.ડી.સી. દ્વારા સતત અંદરના રસ્તાઓ ઉપર પાણી છંટકાવનું કાર્ય પણ ચાલુ હતું. મા. મઢના આ પ્રશ્નનો જલ્દી નિકાલ આવે તે માટે ઉપરના ભાગે માઈનિંગ કાર્ય રોકવામાં આવશે. તેવું શ્રી ડાનીએ જણાવ્યું હતું. અત્યારે પવનનું જોર વધ્યું છે, તેથી ધૂળની ડમરીઓ ઊડી રહી છે. તેને સ્થિતિને નાથવા વધુ પ્રમાણમાં પાણી છંટકાવનું કામ હાથ ધરવામાં આવશે, તેવી ધરપત આપી હતી. સરપંચ કાસમભાઈ કુંભાર, પૂર્વ ઉપસરપંચ કનુભા સોઢા, અલીભાઈ કુંભાર, હનીફભાઈ કુંભાર સહિતના અગ્રણીઓ તથા ગ્રામજનોએ આ લિગ્નાઈટ માઈન્સની રજ મઢ ગામની અંદર આવતાં રોકાય તેવી માંગ કરી હતી.

Panchang

dd