ભુજ, તા. 11 : ચોમાસાંનું આગમન થયું
ત્યારથી સચરાચર મેઘવૃષ્ટિ ઝંખતા કચ્છની મેઘતૃષ્ણા યથાવત્ રહી છે, ત્યારે છેલ્લા ત્રણેક દિવસથી પવનની
ઝડપમાં નોંધપાત્ર વધારો થતાં ધૂળનો વરસાદ વરસ્યો હોય તેવો ધૂંધળો માહોલ સર્જાયો હતો.
ભારે પવનના કારણે ઠેકઠેકાણે વીજવિક્ષેપ થયાની વ્યાપક ફરિયાદો વચ્ચે વીજતંત્રને ફરિયાદોનો
નિકાલ કરવા માટે દોડધામમાં મૂકાવાનો વારો આવ્યો હતો. ભુજ, અંજાર,
ગાંધીધામ, માંડવી, નખત્રાણા,
મુંદરા સહિત જિલ્લાના મુખ્ય શહેરો તેમજ ગ્રામીણ વિસ્તારોની સાથે વિશેષ
રીતે રણકાંધીના ગામોમાં 30થી 35 કિ.મી.ની
ઝડપે ફુંકાયેલા વેગીલા વાયરાએ વાહનચાલકો અને રાહદારીઓની હાલાકી વધારી હતી. પવનના કારણે
સતત ઊડતી રજકણોના કારણે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. મોટાપાયે ધૂળ ઊડવાના કારણે
ગૃહિણીઓનું કામ પણ વધી ગયું હતું.
હજુ ત્રણ દિવસ રહેશે પવનનું જોર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદે આખા ગુજરાતમાં
વિરામ લીધો છે. આમ છતાં ચોમાસુ પવનો તીવ્ર ઝડપે ફુંકાઈ રહ્યા છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાના કારણે પવનની ઝડપ
વધી છે, ત્યારે હજુ ત્રણ દિવસ સુધી પવનનું
જોર રહેશે. કચ્છ સહિત રાજ્યના ઘણાખરા વિસ્તારોમાં 30થી 40 કિ.મી.ની
ઝડપે પવન ફુંકાશે. દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ વધીને 60 કિ.મી.એ પહોંચી શકે છે.
ખેતીકામમાં વિક્ષેપ
ભારે પવન ફુંકાવાના કારણે ખેતીકામમાં વિક્ષેપ સર્જાયો
હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. આમેય આ વખતે અપૂરતા વરસાદના કારણે મોટાભાગના વિસ્તારમાં
વાવણી થઈ શકી નથી, તેવામાં
તીવ્ર ગતિએ પવન ફુંકાવવાના કારણે કેટલાક કુમળા પાકોને નુકસાની થઈ શકે તેવી ભીતિ ધરતીપુત્રો
વ્યક્ત કરી રહ્યા છે.
ભુજમાં વૃક્ષ ધરાશાયી
પાટનગર ભુજના સરપટ નાકા પાસે જોરદાર પવનના વેગથી મૂળિયામાંથી
ઝાડ રસ્તાની વચ્ચોવચ ધરાશાયી થતાં ભાગદોડ મચી ગઈ હતી. વટેમાર્ગુ અને વાહનોના અવરજવરવાળા
રસ્તા પર બપોરનો સમય હોવાથી કોઈ નુકસાની થઈ નથી, પણ રસ્તામાં આવવા-જવામાં અવરોધ ઊભો થયો હતો. પવનના ડિવાઈડર ઉપર નખાયેલાં
વૃક્ષ સાથેના પીંજરા પણ તેજ ગતિએ વધી રહેલા પવનના કારણે નમી ગયેલા જોવા મળ્યા હતા.
કેટલીક જગ્યાએ નાના સાઈનબોર્ડ પણ નમી ગયેલા જોવા મળ્યા હતા.
રણકાંધી-દરિયાકાંઠે વધુ અસર
કચ્છના તમામ ભાગોમાં વેગીલા વાયરાનું જોર જોવા મળ્યું
હતું. રણકાંધી અને દરિયાકાંઠે વેગીલા વાયરાની અસર વધુ જોવા મમળી હતી. વંટોળિયો વાયરો ફુંકાવાના કારણે જાણે રણકાંધીના ગામોમાં ધૂળિયો
વંટોળ ઊઠયો હતો, ત્યાં દરિયામાં
ઊંચા મોજા ઊછળવા સહિતના દૃશ્યો જોવા મળ્યા હતા.
વાદળો છવાયાં પણ પવનના કારણે વિખેરાયાં
જિલ્લામાં વિવિધ સ્થળે વાદળો છવાયાં હતાં, પણ ભારે પવનના કારણે વાદળો ઘડીભરમાં
વીખેરાઈ ગયા હતા. પવનના કારણે વરસાદનું આગમન વધુ વિલંબમાં મુકાશે તેવી ચિંતા પણ લોકો
વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.