• ગુરુવાર, 09 જુલાઈ, 2026

વન્ય જીવ સંરક્ષણ ક્ષેત્રે નિ:સ્વાર્થ સેવા આપતા નીડર કચ્છી માડુ

કનૈયાલાલ જોશી તરફથી : મુંબઈ, તા. 7 : સમાજસેવા ક્ષેત્રે કચ્છીઓ જાણીતા છે, પણ એક કચ્છી માડુ છે વન્ય જીવ સંરક્ષણ ક્ષેત્રે 30-35 વર્ષથી કામ કરે છે. જે તેમની નિ:સ્વાર્થ પ્રવૃત્તિ છે, જેના માટે તેમને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યાં છે. એમનું નામ છે રોહન મધુકાંત ભાટે, જેઓ કચ્છી દશા ઓશવાળ જૈન છે અને કરાડ (સતારા)માં રહે છે. સાંગલીમાં જન્મેલા અને કરાડમાં સ્થાયી થયેલા રોહન ભાટે કોઈ પણ નાણાકીય સહાયની અપેક્ષા વિના વન્ય જીવ સંરક્ષણ હેતુ માટે સેવા આપે છે. તેઓ ભારતમાં 142 વર્ષ જૂની પ્રતિષ્ઠિત સંસ્થા બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીની ગવર્નિંગ કાઉન્સિલના ડિરેક્ટર છે. કેન્દ્ર સરકારના વન્ય જીવન ગુના નિયંત્રણ બ્યૂરોના સભ્ય છે. છેલ્લાં 12 વર્ષથી સતારા જિલ્લાના માનદ્ વન્ય જીવન વોર્ડન તરીકે કાર્યરત છે. મહારાષ્ટ્ર સરકારની ભારતીય દીપડા સંરક્ષણ માટેની કાર્યયોજના સમિતિમાં છે, વન્ય જીવ તસ્કરી રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ હિંમતભરી કામગીરીમાં દાણચોરોના હુમલાના ભોગ બનવું પડયું છે. રોહન ભાટેએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, `કર્ણાટકના શિમાગોમા વાઘની ચામડીની તસ્કરી થતી હતી. એક મહિલાને વાઘની ચામડી વિશે પૂછપરછ કરી હતી. આ દરમિયાન દિલ્હીમાં યોજાયેલી ત્રીજી આંતરરાષ્ટ્રીય વાઘ પરિષદમાં હાજરી આપી જ્યાં મને કર્ણાટકના મુખ્ય વન સંરક્ષક સાથે પરિચય થયો. એ પછી વન અધિકારીઓની મદદથી દાણચોરોને પકડાવ્યા હતા. આ ઝપાઝપીમાં મને હાથમાં ફ્રેક્ચર થયું હતું. અત્યાર સુધી લગભગ 175 જેટલા આરોપીઓની ધરપકડ કરાવીને વન વિભાગને સોંપ્યા છે.' દીપડાની ચામડી, વાઘની ચામડી, પ્રાણીઓના શિકારના ગુનાઓ ખુલ્લા પાડયા છે. કોલ્હાપુર જિલ્લામાં જીવંત પેંગોલિનની તસ્કરી થતી હતી, તેમાંથી એક પેંગોલિનને જીવતો બચાવ્યો હતો, પણ આ પ્રકરણમાં મારા પર જીવલેણ હુમલો થયો તેમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેમણે જણાવ્યું કે, `ચંદોલી અને કોયના અભયારણ્યને સરકારી સ્તરે સહ્યાદ્રિ વાઘ પ્રોજેક્ટ બનાવવા મારી રજૂઆતના પગલે 2010માં સહ્યાદ્રિ વાઘ અભયારણ્યની જાહેરાત કરાઈ હતી.' રોહન ભાટેને વન્ય જીવ બચાવ સહિતની નિ:સ્વાર્થ કામગીરી માટે ઘણા પુરસ્કાર મળ્યા છે, જેમાં આંતરરાષ્ટ્રીય ડયુક ઓફ એડિનબર્ગ એવોર્ડ, કિર્લોસ્કર વસુંધરામિત્ર એવોર્ડ, કરાડ જિમખાના તરફથી દીપ એવોર્ડ, અખિલ ભારતીય પક્ષી મિત્ર સંમેલન તરફથી ઉદયન મુખ પક્ષી મિત્ર એવોર્ડ વગેરે સન્માન પ્રાપ્ત થયાં છે. 

Panchang

dd