• બુધવાર, 08 જુલાઈ, 2026

ગાંધીધામ સંકુલ વીજ સમસ્યાના અજગરી ભરડામાં

ગાંધીધામ, તા. 7 : ગાંધીધામ સંકુલ હાલના સમયે ભયંકર વીજ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. સોમવારે રાત્રે વરસાદ શરૂ થતાંની સાથે જ અંધારપટ્ટ થઈ ગયો હતો. કલાકો બાદ પણ પીજીવીસીએલનું વહીવટી તંત્ર વીજ પુરવઠો કાર્યરત કરવામાં નિષ્ફળ રહ્યું હતું, તેના પગલે લોકોમાં આક્રોશ ફેલાયો હતો. રાત્રેથી સર્જાયેલી સમસ્યા બીજા દિવસે પણ યથાવત રહી હતી. સવારથી લઈને દિવસ દરમિયાન સતત લાઈટના ઝટકા આવતા રહ્યા છે. ધોમધખતા તાપમાં અસહ્ય ગરમી વચ્ચે વીજ પુરવઠો બંધ કરીને મરંમત કરવામાં આવી હતી તેમ છતાં સ્થિતિ સુધરતી નથી. ગાંધીધામ સંકુલ ઘણા લાંબા સમયથી વીજ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. વીજ સુધારણા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને હજુ પણ થઈ રહ્યો છે છતાં પરિણામ મળતું નથી, હાલના સમયે સંકુલ વીજ સમસ્યાના અજગરી ભરડામાં છે. સમસ્યા હલ થવાના બદલે વધી રહી છે, કથળતી અને કંગાળ સેવાથી લોકોમાં આક્રોશ છે, વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનું સમાધાન આવતું નથી. પરિણામે લોકોને મુશ્કેલીઓ ભોગવી પડી રહી છે. વીજબીલ ભરવામાં મોડું કરનારા ગ્રાહકોનાં જોડાણો કાપી નાખવા સહિતની કાર્યવાહી કરાય છે તેવી જ રીતે વીજકાપ અને વીજ સમસ્યા વખતે લોકો હેરાન થાય છે, તો જવાબદારો સામે કેમ કાર્યવાહી કરાવવામાં આવતી નથી તેવા સવાલો લોકો પૂછી રહ્યા છે. ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં ગંભીર વીજ સમસ્યા છે. રાત્રિના વરસાદ પડતાં જ ગાંધીધામમાં તો અંધારપટ્ટ છવાયો હતો. કલાકો સુધી વીજ પુરવઠો કાર્યરત ન થતાં રાત્રે ગરમીમાં લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. લોકો ફરિયાદો કરવા માટે મથામણ કરી રહ્યા હતા, પણ નંબર સતત વ્યસ્ત આવતો હોવાથી અકળામણ વધી હતી. લાંબા સમયથી વીજ સમસ્યાનો સામનો કરતા નાગરિકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો છે. સરકાર અને સંબંધિત મંત્રાલય દ્વારા પગલાં ભરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે. - હાઈ અને લો વોલ્ટેજથી વીજ ઉપકરણોને નુકસાન : ગાંધીધામમાં હાઇ અને લો વોલ્ટેજની સમસ્યાથી ઓફિસોમાં કોમ્પ્યુટર સહિતની સાધન સામગ્રી તેમજ રહેણાક વિસ્તારોમાં પંખા, ફ્રીજ સહિત ઇલેક્ટ્રિક ઉપકરણોને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. અચાનક હોલ્ટેજ વધઘટ થતા હોવાથી ઘર તેમજ ઓફિસોની  વાયરિંગને પણ નુકસાન પહોંચે છે અને લોકો ઉપર આર્થિક બોજ પડી રહ્યો છે. આ સમસ્યાનું તાકીદે સમાધાન કરવા લોકો માંગ કરી રહ્યા છે. - આદિપુરમાં વીજશોકથી ત્રણ ગૌવંશનાં મોત : આદિપુરમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસે આવેલી ટીસી નંબર 104માં વીજ શોકથી ત્રણ ગૌવંશનાં મોત થતાં જીવદયા પ્રેમીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. પીજીવીસીએલ દ્વારા વીજકાપ મૂકીને પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી હોવા છતાં આવા બનાવો બની રહ્યા છે. જો ટીસીઓમાં વીજ શોક આવતો હોય, તો તે માનવ જિંદગી માટે પણ અતિ જોખમી છે. 

Panchang

dd