હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 7 : અહીંના ખારીનદી સાર્વજનિક સ્મશાનગૃહમાં
કાર્યરત કરવામાં આવેલાં લાકડા આધારિત સ્મશાનગૃહમાં વિવિધ સુવિધાના અભાવથી અહી અંતિમવિધિ કરવા માટે આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી
રહ્યો છે. ખાસ તો ડાઘુઓ માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા અને પાણીની પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધી
ન હોવાની ફરિયાદ કરવામાં આવી છે. જોકે આ સ્મશાનગૃહનું સંચાલન સંભાળતી ભુતનાથ સેવા સંસ્થાનના
અગ્રણીઓએ ખૂટતી કડીઓ પૂરવા માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. ખારીનદીમાં સાર્વજનિક સ્મશાનગૃહમાં આમ તો હવે ગેસ
આધારિત સ્મશાનગૃહનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે. આમ છતાં કેટલાક સમાજો પૌરાણિક માન્યતા અનુસાર
લાકડા આધારિત સ્મશાનગૃહમાં જ અંતિમવિધિ કરતા હોય છે. અગાઉ ખારીનદીમાં નીચેના ભાગે લાકડા
આધારિત સ્મશાનગૃહમાં અંતિમવિધિ થતી હતી. થોડા સમય પૂર્વે ભુજ નગરપાલિકા દ્વારા ફાળવાયેલી
જમીનમાં લાકડા આધારિત નવું સ્મશાનગૃહ કાર્યરત કરાયું હતું. જોકે આ સ્મશાનગૃહમાં સુવિધાનો
અભાવ ખટકારૂપ બની રહ્યો છે. ખારીનદીના સાર્વજનિક લાકડા આધારિત સ્મશાનગૃહમાં ખાસ તો
અંતિમવિધિમાં આવતા લોકો માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા જ નથી. સ્મશાનગૃહમાં અંદરના ભાગે
બેસવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે, પણ બહારના ભાગે જો શેડ બનાવી બેસવાની વ્યવસ્થા ઊભી કરાય તો રાહત થાય તેવું
જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું. તો પાણી માટે પણ ડાઘુઓને ભારે હાલાકી વેઠવી પડે છે.
લાકડા મોટાભાગે ઉપલબ્ધ હોય છે પણ ક્યારેક લાકડાની પળોજણે સર્જાતી હોય છે. અગાઉ જ્યાં
લાકડા આધારિત સ્મશાનગૃહ હતું ત્યાં હાલ બાવળના ઝુંડ ઊગી નીકળ્યા છે. આ બાબતે ભુતનાથ
મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મહીદીપસિંહ જાડેજાને પૂછતાં તેમણે લાકડા
આધારિત સ્મશાનગૃહમાં જે કંઈ ખૂટતી કડીઓ હશે તે પૂરવાની કટિબદ્ધતા દેખાડી હતી. વધુમાં
તેમણે પાણીની વ્યવસ્થા પર પ્રકાશ પાડતાં કહ્યું કે ગેસ આધારિત સ્મશાનગૃહ અને લાકડા
આધારિત સ્મશાનગૃહ વચ્ચે પાણી માટેની વ્યવસ્થા છે. લાકડાનો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું
કહી અંતિમવિધિ માટે આવતા લોકોને ઓછી તકલીફ પડે તે બાબતનો ખ્યાલ રખાશે. - સ્મશાનગૃહની
જૂની જગ્યાએ તર્પણ માટેનો ઘાટ બનાવાશે : લાકડા આધારિત સ્મશાનગૃહની જૂની જગ્યાએ હાલ
બાવળોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આવનારા સમયમાં આ જગ્યા પર તર્પણ કરવા માટેનો
વિશેષ ઘાટ બનાવવાનું આયોજન ઘડાયું છે. આ સ્થાનના વિકાસ માટે 14 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે.
તેમાંથી ઘાટનું કામ હાથ ધરાવાનું છે.