ગાંધીધામ, તા. 7 : ગાંધીધામમાં સોમવારે રાત્રિના
18 એમએમ વરસાદ પડતાં જોડિયા શહેરોના
અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. મેઘરાજાના વિરામના 22 કલાક પછી પણ ઘણા વિસ્તારોમાં
માર્ગો ઉપર હજુ પણ પાણી ભરાયેલાં છે, જેના કારણે લોકો અને વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ
વરસાદમાં મહાનગરપાલિકા, પીજીવીસીએલ, જીયુડીસી
સહિતની એજન્સીઓની કામગીરીની પોલ ખુલી ગઈ છે. અડધા ઈંચ વરસાદમાં સ્થિતિ વિકટ બની ગઇ
હતી. કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. શહેરના એ ડિવિઝન પોલીસ
સ્ટેશન, મહેશ્વરીનગર ચાર રસ્તાથી ભારતનગર ચાર રસ્તા, ગુરુકુલના આંતરિક માર્ગો સાઉથમાં મુખ્ય માર્ગ સહિતના અનેક માર્ગો ઉપર પાણી
ભરાયેલાં છે, વર્ષોથી વરસાદી પાણીના નિકાલને કોઈ યોગ્ય વ્યવસ્થાઓ
ઊભી કરવામાં આવી નથી, તો બીજી તરફ વ્યાપક દબાણો છે અને આંતરિક
વિસ્તારોના માર્ગોનું મુખ્ય માર્ગો સાથે જોડાણ થાય છે ત્યાં કોઈ લેવાલિંગ નથી,
તેના કારણે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાય છે. અનેક વિસ્તારોમાં ગટરની
ચેમ્બરો તોડીને પાણીનો નિકાલ કરાયો છે, પરંતુ ઘણા વિસ્તારો એવા
છે કે, જ્યાં હજુ સુધી પાણીનો નિકાલ થયો નથી. આદિપુરમાં પણ આવી
જ સ્થિતિ છે, ઠેર ઠેર પાણી ભરાયેલાં રહેતા હોવાથી વાહનચાલકો અને
પગપાળા જતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાત્રે ભારતનગર સહિતના વિસ્તારોમાં
તો ગોઠણડૂબ પાણી ભરાયાં હતાં. પાણી ભરાવાની વ્યાપક ફરિયાદો આવી હતી, જેના પગલે સવારે મહાનગરપાલિકાના સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન તેજસ શેઠ સહિતના
પદાધિકારીઓ અને અધિકારીઓ પાણી નિકાલ માટે સક્રિય થયા હતા. તાકીદે પાણીનો નિકાલ કરીને
દવા છંટકાવ સહિતની આરોગ્યલક્ષી કામગીરી કરવી પણ જરૂરી છે.