ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 7 : રાજ્યના અન્ય જિલ્લાઓ કરતાં
કચ્છ જિલ્લામાં મહેસૂલી પ્રશ્નો અલગ પ્રકારના અને અટપટ્ટા હોવાથી દિવસ ઊગે ને કચ્છનાં
મહેસૂલી તંત્રમાં નવી-નવી સમસ્યા ઊભી થાય છે. બહારથી બદલીને આવેલા અધિકારીઓ ભૌગોલિક
સ્થિતિથી અજાણ હોવાથી નિર્ણય લેવામાં વિલંબ થતો હોવાનાં કારણે અરજીઓનો સમયસર નિકાલ
થતો નથી ને સંખ્યા વધતી જાય છે. એક બાજુ નવા કલેક્ટરે અરજીઓનો નિકાલ લાવવાની સૂચના
આપી છે, બીજીબાજુ તપાસ કરતાં જાણવા મળ્યું કે,
વર્તમાનમાં જ ઇ-ધરાથી માંડી અપીલ સહિતના અંદાજે 20 હજારથી વધારે કેસનો ભરાવો થઇ
ચૂક્યો છે. પ્રાંત કક્ષાએથી કલેક્ટર સુધી નાગરિકોના તકરારી કે બિનતકરારી કેસો અંગે
ચાલતી અપીલની ફરિયાદોનું નિરાકરણ થતું નથી. એટલે તારીખોના દિવસે વકીલો સાથે અરજદારોની
લાઇનો લાગતી હોય છે. બીજીબાજુ તાલુકા કે જિલ્લા સ્વાગતમાં પણ પ્રશ્નો ઘટવાને બદલે વધતા
જાય છે. મહેસૂલી ખાતાંમાં સમસ્યાઓ પૂરી થતી જ નથી. - કામો થઇ જવાં જોઇએ : કલેક્ટર અનિલ રાણાવસિયાએ આ મુદ્દે `કચ્છમિત્ર' સાથે વાત કરતાં કહ્યું કે, ખરેખર લોકોનાં કામ થઇ જવાં જોઇએ. આમ તો તાલુકા કક્ષાએ અગર હકારાત્મક કામ હોય
તો તુરંત થઇ જાય, એટલે અરજદારને જિલ્લામાં આવવાની જરૂર ન પડે.
- બધું જ ઓનલાઇ : એક સામાન્ય
અરજદારને પોતાની મિલકતમાં વડીલનાં અવસાન પછી જો વારસાઇનોંધ પડાવવી હોય તો એ ઇ-ધરા કેન્દ્રમાં
ઓનલાઇન નોંધો પડે છે. વારસાઇ હોય કે હક્ક જતો, બોજાનોંધ, ગીરો નાબૂદ, વિલની નોંધ,
વેચાણનોંધ સહિતની તમામ નાની-મોટી નોંધો તાલુકા મામલતદાર કચેરીના ઇ-ધરા
કેન્દ્રમાં પાડવામાં આવતી હોય છે, પરંતુ આ પ્રકારની નોંધોની સંખ્યા
અનેકગણી હોવાથી સમયમર્યાદામાં નોંધ પડતી નથી એ હકીકત છે. - 10 હજાર નોંધ : ઇ-ધરાની નોંધોમાં વિલંબ થતો હોવાની કલેક્ટરે
વિગતો પણ મેળવી છે અને એક વખત અરજી આવ્યા પછી 30 દિવસમાં નોંધ પડી જવી જોઇએ,
છતાં 10,800 નોંધ
પેન્ડિંગ છે. સર્કલ કક્ષાએ નોંધોનો નિકાલ થતો હોય છે અને તેમણે મહેસૂલી અધિકારી-કર્મચારીઓની
બેઠકમાં પણ આ મુદ્દે કડક સૂચનાઓ આપી હતી. આ પ્રકારની કચ્છની મામલતદાર કચેરીઓમાં કેટલીક
નોંધો આવતી હોય છે. આ અંગે તેમણે જણાવ્યું કે, 180થી 200 સુધીની દૈનિક નોંધ રજૂ થતી
હોય છે. - 135-ડીની નોટિસ : એક વખત ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજ થતાં
ઇ-ધરામાં કાચી નોંધ એ જ દિવસે પાડવામાં આવતી હોય છે અને પાછળથી મહેસૂલી કલમ 135-ડી પ્રમાણે નોટિસો આપી કોઇ
વાંધા ન હોય તો 30 દિવસના સમયગાળામાં
7/12ના ઉતારામાં પ્રમાણિત કરી પાકી
નોંધ પાડવાનો નિયમ છે. 30 દિવસનો નિયમ
હોવા છતાં ક્યાંક વિલંબ થાય છે તે ન થાય અને સમયમર્યાદામાં અરજદારોને ન્યાય મળી જાય
એ બાબતે તેમણે સૂચના આપી હતી. - તકરારી કેસ
: ખેતીની જમીનોના 3.50 લાખ સર્વે નંબર છે અને વેચાણ
કે વારસાઇ વગેરેની બાબતોમાં તકરારી કેસ ઊભા થતા હોય છે. મામલતદાર, પ્રાંત પછી અંતે કલેક્ટરની અપીલ શાખામાં કેસ
રજૂ થતા હોય છે. આવા તકરારી કેસમાં જો તકરાર ન હોય, બંને પક્ષ
વચ્ચે સમાધાન હોય તો 60 દિવસમાં અને
તકરારી હોય તો મેરિટનાં ધોરણે 90 દિવસમાં નિર્ણય
લેવો પડે છે. - આ પ્રકારના કેસોની સંખ્યા 20 હજાર કેસનો ભરાવો : સતત વધતી જાય છે. અંતિમ નિર્ણય એટલે કે
ઠરાવ પર લેવાના હોય તેવાની સંખ્યા 10 હજાર છે. આવા વાંધા-તકરારી પ્રકારના મહિને 400થી વધારે કેસ અમારી પાસે આવતા
હોવાનું જણાવાયું હતું. - ત્રણ વખત
તક : મહેસૂલી કાયદાના નિયમો પ્રમાણે અરજદારો
વચ્ચે સર્જાયેલા વિવાદ બાદ કેસ આવે તો ફરિયાદી અને સામાવાળાને ત્રણ વખતની પુરાવા રજૂ
કરવાની તક આપવામાં આવતી હોય છે. ત્રણ વખત તક આપ્યા બાદ નિર્ણય લેવામાં આવતો હોય છે. - અરજદાર આવી શકે : આવા વિવાદી કેસોમાં બંને સામસામા અરજદારો
પોતાના વકીલ રાખીને કેસ રજૂ કરીને હાજર થતા હોય છે,
પરંતુ જો અરજદાર ડાયરેક્ટ પોતાનો કેસ લડવા માગતો હોય ને દલીલ કરી શકે
તો પોતે આવી શકે છે, તેઓને કોઇ વકીલ રાખવાની જરૂર પડે નહીં,
પરંતુ મહેસૂલી કાયદામાં ધારાશાત્રીઓ જાણતા હોવાથી વિવાદિત કેસોમાં એટલે
વકીલ રોકવામાં આવે છે અને જ્યારે-જ્યારે કેસ ચાલવાના હોય તેની તારીખો આપવામાં આવતી
હોય છે.