• ગુરુવાર, 09 જુલાઈ, 2026

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ સમિતિની રચના

ભુજ, તા. 6 : સોમવારે કચ્છ જિલ્લા પંચાયતની મળેલી ખાસ સામાન્ય સભામાં વિવિધ સમિતિની રચના કરવામાં આવી હતી, તો આ ખાસ સામાન્ય સભા વિશે સભ્યોને ફોન કે ટપાલ મારફતે જાણ ન કરી માત્ર સોશિયલ મીડિયા થકી મેસેજ કરાયો હોવાનો આક્ષેપ વિપક્ષી સભ્યએ કર્યો હતો. ગત એપ્રિલ માસમાં નવી રચાયેલી કચ્છ જિલ્લા પંચાયતની બોડીની અગાઉ માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થયા બાદ આજે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણનાં અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના સચિવપદે જિલ્લા પંચાયતના સમિતિ ખંડમાં ખાસ સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. આજની સભામાં નવી સમિતિઓની રચના અને અગાઉની સામાન્ય સભાની કાર્યવાહીની નોંધને બહાલી, અગાઉ લીધેલા નિર્ણયો પર લેવાયેલાં પગલાંનો અહેવાલ તેમજ 15મા નાણાપંચ અંતર્ગત મંજૂર થયેલા જિલ્લા કક્ષાના કામોમાં સૂચિત ફેરફારોને બહાલી, 15મા નાણાપંચ હેઠળ મંજૂર થયેલાં વિકાસકામોમાં વધારાની  રકમ મંજૂર કરવા સહિતના નિર્ણયોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. સભાના પ્રારંભે જ આ સભા કયા પંચાયત ધારા અને નિયમ હેઠળ બોલાવાઈ તેની સ્પષ્ટતા કરાઈ ન હોવાથી નિરોણા બેઠકના વિપક્ષી સભ્ય રાજેશ આહીરે ખુલાસો માગ્યો હતો. આ ખાસ સામાન્ય સભા અંગે તેમને ફોન, ટપાલ મારફતે જાણ ન કરી માત્ર સોશિયલ મીડિયામાં મેસેજ મોકલી અપાયો હોવાનું જણાવ્યું હતું. ખરેખર તો સામાન્ય સભા અંગે રજિસ્ટર એ.ડી. મારફતે ટપાલથી અથવા તો ફોનથી જાણ કરવી જરૂરી હોવાનું જણાવી આ બેઠક અંગે લેખિતમાં ખુલાસો કરવા માંગ કરી હતી. તો અગાઉની સામાન્ય સભાના સૂચિત કામોમાં ફેરફાર અંગે પણ વિપક્ષી સભ્યએ વાંધો ઉઠાવી કયાં કામોમાં ફેરફાર કરાયાં તેની વિગતો જાહેર કરવા માંગ કરી હતી. વિપક્ષી સભ્યએ હાલ કચ્છમાં વરસાદ ખેંચાયો છે ત્યારે પાણી, ઘાસચારાની અછત સર્જાઈ છે, તો ત્રણેક માસથી કચ્છના વિકાસકામો, શિક્ષણ, આરોગ્ય, રોડ-રસ્તા સહિતની સમસ્યાઓના મુદ્દે ચર્ચા કરવી જરૂરી હોવાનું જણાવી આગામી સભા આવા પ્રશ્નો માટે બોલાવવા માંગ કરી હતી. આ ખાસ સભામાં આગામી અઢી વર્ષ માટે કારોબારી, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ, જાહેર આરોગ્ય, જાહેર બાંધકામ, અપીલ સમિતિ, ઉત્પાદન, સહકાર અને સિંચાઈ, મહિલા-બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિની રચના કરવામાં આવી હતી, જો કે, આ સમિતિઓના ચેરમેનની વરણી હજુ બાકી રખાઈ હતી. સભાના એજન્ડા મુજબ જિલ્લા પંચાયતની વર્ષો જૂની ગટરલાઈન જર્જરિત બની હોવાથી નવી લાઈન નાખવા રૂા. આઠ લાખથી વધુનાં કામને પણ સર્વાનુમતે બહાલી અપાઈ હતી. આજની બેઠકમાં ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા, કારોબારી ચેરમેન હરીશ ભંડેરી સહિત સત્તાપક્ષ અને વિપક્ષના તમામ 38 સભ્ય, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ વિજ્યાબેન પ્રજાપતિ, જાસુ સિંધી, માધુરીબેન પટેલ, વિવિધ શાખાધ્યક્ષો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ સમિતિઓ

કારોબારી સમિતિ

આ સમિતિમાં હરીશ ભંડેરી, જયદીપસિંહ જાડેજા, ગાયત્રીબા સોઢા, જયરામ સોનારા, વાલજીભાઈ સંઘાર, રાજેશભાઈ ચાવડા, મનીષાબેન જબુઆણી, તલકશીભાઈ ફફલ અને રમેશભાઈ ચાડ.

સામાજિક ન્યાય સમિતિ

તલકશીભાઈ ફફલ, નરેશભાઈ થારૂ, મંજુલાબેન ચાવડા, રાજેશભાઈ કાગી અને રૂપાબેન પરમાર (કો-ઓપ્ટ. સભ્ય).

શિક્ષણ સમિતિ

વર્ષાબેન કન્નડ, જયશ્રીબેન ચાવડા, દિનેશભાઈ રૂડાણી, જયદીપસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, સુરેશભાઈ મકવાણા, જયશ્રીબેન ડાંગર, રાણાભાઈ ડાંગર અને રશ્મિકાંતભાઈ ઠક્કર.

જાહેર આરોગ્ય સમિતિ

ધનબાઈ પિંડોરિયા, સુરેશભાઈ મકવાણા, રણજિતસિંહ જાડેજા, પુરીબેન ઢીલા અને નરેશભાઈ થારૂ.

જાહેર બાંધકામ સમિતિ

મેઘબાઈ ગઢવી, રમેશભાઈ ચાડ, વાઘજીભાઈ છાંગા, સૂરજબા સોઢા અને મનીષાબેન જબુઆણી.

અપીલ સમિતિ

પ્રભાબેન હુણ, મહાવીરસિંહ જાડેજા, હરીશભાઈ ભંડેરી, આશાબા પરમાર અને કમાભાઈ રબારી.

ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ

અબ્દુલ્લા જત, ગાયત્રીબા સોઢા, નયનાબેન સોલંકી, રાજેશભાઈ ચાવડા અને ધનબાઈ પિંડોરિયા.

મહિલા-બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિ

આઈશાબાઈ સુમરા, મેઘબાઈ ગઢવી, પુષ્પાબેન વરાયા, પુરીબેન ઢીલા અને જન્નતબાઈ સમા.

Panchang

dd