નખત્રાણા, તા. 19 : અહીં તાલુકા પંચાયતની ખાસ સામાન્ય
સભા પ્રમુખ ભારતીબેન, નીતિનગિરિ
ગોસ્વામીની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં કારોબારી, સા. ન્યાય સમિતિના સભ્યો નિયુક્ત કરાયા હતા. આ બેઠકમાં વિપક્ષ દ્વારા ઉપપ્રમુખની ચેમ્બરને તાળાબંધીનો
પ્રયાસ કરાયો હતો. આરંભમાં વિસ્તરણ અધિકારી વર્ષાબેન જાનીએ સ્વાગત પ્રવચન, એજન્ડાની રૂપરેખા, ગત મિનિટનું વાંચન, તાલુકામાં 15મા નાણાપંચની
ગ્રાન્ટો અંતર્ગત થયેલા વિકાસકામોની વિગત, ચાલુ વહીવટી વર્ષ 2026-27માં કરવાના વિકાસકામોની સૂચિ તૈયાર કરવી સહિત રજૂ કરાયેલ મુદ્દાઓને
સર્વસંમતિથી બહાલી આપી હતી. સભા દરમ્યાન જિલ્લાથી સત્તાધીશ પાર્ટી ભાજપના નખત્રાણા
તા.ના પ્રભારી પરેશભાઈ ભાનુશાલી તથા ન્યાય સમિતિના ચેરમેન ઘનશ્યામભાઈ ઠક્કરે કારોબારી
સમિતિ તથા સામાજિક ન્યાય સમિતિના સદસ્યોની યાદીનું મેન્ડેડ રજૂ કર્યું હતું. તે મુજબ
તા.પં. કારોબારી સભ્યો કલ્પેશભાઈ સચદે, ઈલિયાસ પીંજારા, બેચરભાઈ રૂડાણી, જેસંગભાઈ આહીર, જ્યોતિબા સોઢા, મંજુલાબેન લતા, સ્મિતાબેન લીંબાણી સહિત સાત સદસ્યને સત્તા
સુપરત કરવામાં આવી હતી, જ્યારે સામાજિક ન્યાય સમિતિમાં પૂજાબેન
વાઘેલા, મનીષ મહેશ્વરી, જશોદાબેન ગોવિંદભાઈ,
મંજુલાબેન લતા, રમેશભાઈ પરમાર સહિત પાંચ સદસ્યને
સત્તા સુપરત કરવામાં આવી હતી. તા.પં.ના 18 સદસ્ય પૈકી 7 સદસ્ય બે તૃતિયાંશ બહુમતી ધરાવતી કોંગ્રેસ પાર્ટીના સદસ્ય અશ્વિનભાઈ
રૂપારેલે તા.પં.ની પ્રત્યેક બેઠકમાં થયેલ ચર્ચાના મુદ્દાના ઠરાવો વિપક્ષને વિશ્વાસમાં
લેવા જણાવ્યું હતું. તા.પં. કચેરીમાં ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેનની ચેમ્બર ગેરકાયદે
હોઈ આ ઓફિસને કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા તાળાબંધી કરવાના મુદ્દે ભારે ચડભડ થઈ
હતી. પ્રથમ ઉગ્ર વાતાવરણમાં બે પક્ષ વચ્ચે વિવાદ સર્જાયો હતો. પાછળથી મામલો થાળે પડયો
હતો, જ્યારે ચેમ્બરને તાળાબંધી માટે એકત્ર થયેલા પક્ષ, પ્રતિપક્ષના મોટી સંખ્યામાં
આગેવાનો, પક્ષના કાર્યકરોએ તાળાબંધી કરવા જતાં ચેમ્બરને અગાઉથી તાળાં લાગેલાં હતાં.
હાજર પોલીસતંત્રની ટુકડીએ મામલો થાળે પાડયો હતો. તાલુકા વિકાસ અધિકારી હાર્દિકભાઈ ગઢવીએ
ચેમ્બર પ્રશ્ને વિપક્ષી દાવાનું ખંડન કરતાં જણાવ્યું હતું કે, સરકારી કાર્યરત કચરીઓને તાળાબંધી કરી શકાય નહીં. આ એક અપરાધ ગણાય છે. અગર કાયદાકીય
બાબતે વિપક્ષે ઉપર જવું હોય તો જઈ શકે તેવું ટીડીઓએ કહ્યું હતું. અધ્યક્ષસ્થાનેથી પ્રમુખ
ભારતીબેન ગોસ્વામીએ પ્રત્યેક સામાન્ય સભામાં નીતિનિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે
તેવું જણાવ્યું હતું. સભામાં ભાજપાના 11 તથા કોંગ્રેસના 7 સભ્ય સહિત તમામ 18 કારોબારી સભ્ય, ના.તા.વિ. રાજેશભાઈ સોની, રમેશભાઈ ગરવા, રાજેશભાઈ સહિત તા.પં. કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સભા પૂર્ણ થયા બાદ ભાજપ
તાલુકા પ્રમુખ ધર્મેશ કેશરાણી, મહામંત્રી હરિસિંહ રાઠોડ-વિથોણ, જિ.પં. સદસ્ય દિનેશભાઈ રૂડાણી,
ન. પાલિકાના પ્રમુખ વસંતભાઈ વાઘેલા, કા. ચેરમેન
ચંદનસિંહ રાઠોડ, ડાયાભાઈ સેંઘાણી, લાલજીભાઈ
રામાણી, રણજિતસિંહ સોઢા, ભરતકુમાર વાઘેલા,
નીતિનગિરિ ગોસ્વામી, જિતેન્દ્રસિંહ જાડેજા,
મહિપતસિંહ જાડેજા, ઈકબાલ ઘાંચી, તા.પં. સદસ્ય જેસંગ આહીર સહિત આગેવાનો, તા. વિકાસ અધિકારી
હાર્દિક ગઢવી સમક્ષ સમગ્ર ગુજરાતની તા. પંચાયતોમાં ઉપપ્રમુખ, કારોબારીની ચેમ્બરની જોગવાઈ હોય છે.
આ નિયમ 1992માં તત્કાલીન
કોંગ્રેસ પાર્ટીની તા. પંચાયત હસ્તક ચેમ્બરની જોગવાઈ કરવામાં આવી છે. સબબ વાંધો લેનાર
વિપક્ષ સામે કાયદેસર કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. તથા તા.પં.ની પ્રત્યેક
સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના સદસ્યોને એજન્ડા,
આમંત્રણપત્ર લેખિત આપવા રજૂઆત કરી હતી. આગેવાનોએ વિપક્ષ દ્વારા ઉપપ્રમુખ-કારોબારી ચેરમેનની ચેમ્બરના વિરોધને
વખોડી તા.વિ. અધિકારીએ સ્વમાનભંગના પગલાં લેવા રજૂઆત કરી હતી. વિપક્ષી આગેવાનો રમેશદાન ગઢવી, કેતનભાઈ પાંચાણી, તા.પં. સદસ્યો તથા લખમીર રબારી વિરોધમાં
જોડાયા હતા.