રાપર, તા. 19 : ઉચ્ચ શિક્ષણ માટે તાલુકાની
એકમાત્ર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં જાણે રામરાજ્ય હોય તેમ સત્ર ચાલુ થઈ ગયું
હોવા છતાં પ્રિન્સિપાલ સહિત ચાર પ્રોફેસર ગેરહાજર હોવાનું જાણવા મળ્યું હતું. છેક સુરતના વાંકોલ ગામથી આવતા પ્રિન્સિપાલ
સતત ગેરહાજર હોવાની મળતી ફરિયાદોને લઈને ભાજપના આગેવાનોએ આજે સવારે કોલેજની મુલાકાત
લેતાં અગિયાર શૈક્ષણિક સ્ટાફમાંથી પ્રિન્સિપાલ સહિત ચાર પ્રોફેસર ગેરહાજર હોવાનું જાણવા
મળ્યું હતું. આ ઉપરાંત કોલેજ ઉપર સોલાર પેનલ લગાડવામાં આવી હોવા છતાં અડધી ઈમારત અંધારામાં
ચાલતી હોવાનું સામે આવ્યું હતું. વહીવટી વડાની ગેરહાજરીમાં તંત્ર ખાડે ગયું હોવાનું
લાગી રહ્યું હતું. આ અંગે પ્રિન્સિપાલ પાર્થિવ ચૌધરીનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેઓ
કોઈ તપાસાર્થે રજામાં હોવાનો બચાવ કરવામાં આવ્યો હતો. પ્રિન્સિપાલનો ચાર્જ કોઈને આપ્યો
છે તેમ પૂછતાં મૌખિક ચાર્જ આપ્યો હોવાનું જણાવ્યું હતું. સત્ર ચાલુ થવાને દિવસો વીતી
ગયા છતાં પ્રાચાર્ય માતૃસંસ્થાને રેઢી મૂકીને શેની તપાસમાં રજામાં હશે તે આશ્ચર્યજનક
લાગે તેવું છે ! તો અડધોઅડધ પ્રાધ્યાપકો પણ હજી હાજર ન હોવાથી કેવું લોલંલોલ ચાલતું
હશે એ સ્પષ્ટ થઈ જાય છે. ઉપસ્થિત સ્ટાફ દ્વારા અસામાજિક તત્ત્વો દ્વારા આવીને અવારનવાર
ઝઘડા અને ગાળાગાળી કરવામાં આવતી હોવાનું કહ્યું હતું. પોલીસને આ અંગે રજૂઆત કરવામાં
આવતાં માત્ર જીઆરડી કે હોમગાર્ડને મોકલીને સંતોષ માની લેવાતો હોય છે. પોલીસ દ્વારા
ખાસ પરીક્ષાના સમયમાં બંદોબસ્ત ગોઠવવાની માગણી કરવામાં આવી હતી. આ કોલેજમાં દીકરીઓ
પણ ભણતી હોવાથી સુરક્ષા જરૂરી હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાપરની સરકારી વિનયન અને વાણિજ્ય
કોલેજને પોતાના ભવન, હોસ્ટેલ, સ્ટાફ ક્વાર્ટર,
ક્રીડાંગણ વગેરે સુવિધાઓ માટે ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાના સક્રિય
પ્રયાસોથી કલેક્ટર દ્વારા કોલેજની રૂબરૂ મુલાકાત લઈ વર્તમાન કેમ્પસમાં જ વિશાળ જગ્યા
ફાળવવામાં આવી છે. સ્ટાફ આવી રીતે ગુટલી મારી
અને અધ્યાપનકાર્ય ખોરંભે ચડાવે તો ઉચ્ચ શિક્ષણ માટે કોલેજમાં આવતા વિદ્યાર્થીઓનો અભ્યાસ
બગડે તે કોઈ હિસાબે ચલાવી લેવાય નહીં. આ અંગે ઉચ્ચ શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગાને
ફરિયાદ કરવાનું તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, મહામંત્રી મહેન્દ્રાસિંહ
વાઘેલા, મદુભા વાઘેલા, વિનુભાઈ થાનકી વગેરેએ
જણાવ્યું હતું.