ભુજ, તા. 19 : મુંદરા તાલુકાના મોખા ટોલનાકા
પાસે ખોટી નંબર પ્લેટ લગાવીને કારમાં છુપાવી લવાતા રૂા. 2,03,400નો દારૂના જથ્થા સાથે એક આરોપીને
પ્રાગપર પોલીસે ઝડપી પાડી કુલ રૂા. 5,05,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં
મોખા ટોલનાકા પાસે વોચ ગોઠવીને ઊભેલી પોલીસે અંજાર` તરફથી આવતી જીજે 36 એસી 0327વાળી કારને રોકાવી હતી. પોલીસને
જોઈ નાસવાનો પ્રયાસ કરતા આરોપી ગણેશ ચેતનરામ
મેઘવાલ પરમાર (મૂળ રહે. રાજસ્થાન)ને પકડી લીધો હતો. ત્યારબાદ કારની તલાશી લેતાં તેમાંથી
જુદી-જુદી બ્રાન્ડની શરાબની 360 બોટલ મળી
આવી હતી. વધુ તપાસ કરતાં કારના આગળના ભાગેથી જીજે 17 બીએ 1191 નંબર પ્લેટ
મળી આવી હતી, જે કારની ખરી નંબરપ્લેટ
હતી. તેથી વાહનમાં ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની ખેપ મારનારા આરોપી ગણેશને શરાબના જથ્થા
અંગે પૂછતાં તેણે આ દારૂ સુરેશ ચુનારામ મેધવાલે આપ્યો હોવાની કેફિયત આપી હતી. પોલીસે
દારૂનો જથ્થો તથા કાર મળી કુલ રૂા. 5,05,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પકડાયેલા આરોપી વિરુદ્ધ ગુનો
નોંધી અન્ય આરોપી સુરેશ મેધવાલને પકડવા ચક્રો
ગતિમાન કર્યા હતા.