નવી દિલ્હી, તા. 18 : ઝારખંડમાં
રાજ્યસભાની બે સીટ પર રસાકસીભર્યા જંગમાં ક્રોસ વોટિંગ થકી એનડીએ સમર્થિત અપક્ષ ઉમેદવાર
પરિમલ નથવાણીનો વિજય થયો હતો અને બીજી બેઠક પર શાસક ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના
ઉમેદવારે જીત મેળવતા કોંગ્રેસને ઝટકો લાગ્યો
છે.મતદાન બાદ ત્રણ ઉમેદવારના નસીબનો નિર્ણય કરતા મતની ગણતરી સાંજે પાંચ વાગ્યે
શરૂ થઈ હતી. જેમાં અપક્ષ પરિમલ નથવાણીની જીત થઈ હતી.અપક્ષ તરીકે સૌથી લાંબો સમય રાજ્યસભા
સભ્ય રહેવાનો રેકોર્ડ ધરાવતા નથવાણી સતત ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાયા છે. તેમને
28 મત મળ્યા હતા. આ ઉપરાંત ઝારખંડ
મુક્તિ મોરચાના ઉમેદવાર બૈધનાથ રામે પણ જીત મેળવી હતી. આ ચૂંટણીમાં ચાર ધારાસભ્યો તરફથી
ક્રોસ વોટિંગ થયું હોવાનું અનુમાન છે. ઝારખંડ જેમની કર્મભૂમિ છે એવા પરિમલ નથવાણીએ
જીતમાં સહયોગ બદલ પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય ભાજપ પ્રમુખ
નીતિન નબીન, ઝારખંડ ભાજપ પ્રમુખ આદિત્ય સાહુ સહિત ભાજપ અને એનડીએના
સાથી પક્ષોના તમામ ધારાસભ્યોનો આભાર માન્યો હતો.
આ અગાઉ કોંસ વોટિંગના ડર વચ્ચે સવારે નવ વાગ્યેથી બપોરે ત્રણ વાગ્યા સુધી મતદાન
થયું હતું. મત આપનારા 81 વિધાયકોમાં
સીએમ હેમંત સોરેન, વિધાનસભામાં
વિપક્ષના નેતા બાબૂલાલ મરાંડી, કોંગ્રેસ વિધાયક દળના નેતા પ્રદીપ
યાદવ અને સંસદીય કાર્ય મંત્રી રાધાકૃષ્ણ કિશોર સામેલ હતા. ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર
તરીકે પરિમલ નથવાણી, ઝારખંડ મુક્તિ મોરચા તરફથી બૈધનાથ રામ અને
કોંગ્રેસ તરફથી પ્રણવ ઝા મેદાનમાં ઉતર્યા હતા. ચૂંટણીમાં નથવાણીને 28 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ
ઉમેદવાર પ્રણવ ઝાને 20 અને જેએમએમ
ઉમેદવાર બૈધનાથ રામને 30 મત મળ્યા
હતા. ત્રણ મત અમાન્ય રહ્યા હતા. પરિમલ નથવાણીની જીત બાદ ભાજપના નેતાઓએ અભિનંદન પાઠવ્યા
હતા. ગોડ્ડાથી સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું હતું કે,
પરિમલ નથવાણીને જીત બદલ અભિનંદન, ચૂંટણીમાં મહાગઠબંધન
ખરાબ રીતે હાર્યું છે. ઝારખંડની 81 સભ્યની વિધાનસભામાં એક સભ્યને જીત માટે 28 મતની જરૂરિયાત હતી. એનડીએ પાસે
24 મત હતા. તેવામાં પરિમલ નથવાણીની
જીતથી સાબિત થયું છે કે ચાર વિધાયકે ક્રોસ વાટિંગ કર્યું છે.