ગાંધીધામ, તા. 19 : આદિપુરમાં તસ્કરોએ કાયદો વ્યવસ્થાને
પડકાર ફેંકતા વધુ એક ચોરીના બનાવને અંજામ આપ્યો છે. અહીંના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા
અને થોડા સમયથી દુબઈ ગયેલા પરિવારનાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ અહીંથી રૂા. 6,40,000ની મતાની તફડંચી કરી હતી. આદિપુરના
વોર્ડ પાંચ-એ આહીર કૃષ્ણનગરમાં મકાન નંબર 261માં તસ્કરોએ હાથ માર્યો હતો. અહીં રહેનાર ફરિયાદી મનિષાબેન કૈલેશ
આસર અને તેમનો પરિવાર છેલ્લા કેટલાક સમયથી દુબઈ રહે છે. આ પરિવારે આદિપુરના પોતાના
મકાનમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવ્યા છે. ગત તા. 17/6ના ફરિયાદીએ દુબઈમાં બેસીને આદિપુર સ્થિત કેમેરા જોતાં બધું
બરાબર જણાયું હતું. બાદમાં તા. 18/6ના પાડોશમાં
રહેતાં સોનલબેન આહીરે તેમને ફોન કરી તમારાં ઘરની બહારના કેમેરા ઊંચા પડયા છે, તમે ઊંચા કરાવ્યા છે કે કેમ ? તેવું પૂછયું હતું અને ફરિયાદી મહિલાએ પોતાના બનેવી સંજય નયગાંધીને તેમના ઘરે
તપાસ કરવા મુક્યા હતા અને બાદમાં ફરિયાદી આજે સવારે આદિપુર આવી પહોંચ્યા હતા. ઘરમાં
જોતાં દરવાજાના તાળાં તૂટેલાં જણાયાં હતાં અને તમામ સરસામાન વેરવિખેર પડયો હતો. તસ્કરોએ
તેમનાં મકાનમાં ઘૂસી અંદરથી સ્ટ્રલિંગ, લોજીનિશ, મીડો, સિકો, ઓરિયન્ટ, આલ્ફા, રોમર, ટાઈટન અને ટાઈમેક્સ
કંપનીની મોંઘી નવ કાંડા ઘડિયાળ, મોન્ટ બ્લાંક કંપનીના બે મોંઘા
પર્સ, બેડરૂમના ખાનામાંથી સોનાની ચાર બુટ્ટી, સોનાના પેન્ડલવાળી સોનાની મોતીની માળા, ચાંદીની છ વાટકી,
ચાંદીના 12 નંગ સિક્કા, તેમના દીકરાના બેડરૂમમાંથી બે લેપટોપ,
બે મોબાઈલ વગેરે મળીને કુલ રૂા. 6,40,000ની મત્તાનો હાથ મારી નાસી છૂટયા
હતા. તસ્કરોએ ચોરી કરતી વખતે ઘરમાં લાગેલા સી.સી.ટી.વી. કેમેરા ઊંચા કરી નાખ્યા હતા, જ્યારે તેમની કોઈ ક્રિયા-પ્રક્રિયા કેમેરામાં
કેદ થઈ છે કે કેમ તે અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મધ્યમવર્ગીય
એવા આ વિસ્તારમાં લાખોની મત્તાની ચોરીના બનાવથી ભારે ચકચાર પ્રસરી છે.