• શનિવાર, 20 જૂન, 2026

લોહિયાળ સંઘર્ષ બાદ ઇઝરાયલ-હિઝબુલ્લાહમાં સમજૂતી

તેહરાન, તા. 19 : લેબેનોનને લોહીલુહાણ કરી દેનાર લોહિયાળ સંઘર્ષમાં 18 લોકો અને ચાર સૈનિકનાં મોત બાદ શુક્રવારે ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ પર સહમતી સધાઇ ગઇ હતી. બંને પક્ષ વચ્ચે આજે સાંજે સાડા છ વાગ્યાથી સંઘર્ષવિરામ લાગુ થઇ જતાં આજે રદ થયેલા અમેરિકા અને ઇરાન વચ્ચે બેઠકનો નવો દોર ફરી શરૂ થવાની આશા બંધાઇ છે. અમેરિકા અને કતરના વાર્તાકારોએ ઇરાનની મદદથી આજની સમજૂતી કરાવી હતી. દરમ્યાન, ઇરાને કહ્યું હતું કે, તમામ મોરચે યુદ્ધ ખતમ કરાવવાની જવાબદારી અમેરિકાની છે. અગાઉ, અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ સમજૂતી સાથે યુદ્ધના અંતથી દુનિયાભરને હાશકારા વચ્ચે આક્રમક ઇઝરાયલે શુક્રવારે લેબેનોન પર લોહિયાળ હુમલો કરતાં કમસે કમ 18 લોકોનાં મોત થઇ ગયાં હતાં. શાંતિ સમજૂતીની શરતો હેઠળ ઇઝરાયલે હુમલા રોકવાના હતા, પરંતુ વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ ઇન્કાર કરી દીધો હતો. બીજી તરફ હિઝબુલ્લાહે દક્ષિણ લેબેનોનમાં કરેલા વિસ્ફોટક હુમલામાં ઇઝરાયલના ચાર સૈનિકનાં મોત થઇ ગયાં હતાં. ઇઝરાયલની ગઇકાલ રાતથી જારી સૈન્ય કાર્યવાહીનાં કારણે આજે સ્વિત્ઝર્લેન્ડમાં ઇરાન અને અમેરિકા વચ્ચે થનારી આગળ પર ચર્ચા માટેની બેઠક રદ થઇ ગઇ હતી. ઇરાને જણાવ્યું હતું કે, ઇઝરાયલ લેબેનોનમાં લડાઇ ખતમ કરે તેવી ગેરંટી મળ્યા પછી જ અમેરિકા સાથે વાતચીતનો દોર આગળ વધી શકશે.અમેરિકાએ ઇરાનને સંદેશ આપ્યો હતો કે, ઇઝરાયલ લેબેનોનમાં સૈન્ય હુમલા હવે આગળ નહીં વધારે. ટ્રમ્પ પ્રશાસન ઇચ્છે છે કે, ઇરાન સાથે પરમાણુ હથિયારોના મામલે થનારી મહત્ત્વની વાતચીતનો દોર ફરી પાટા પર આવે. અહેવાલ અનુસાર, ઇઝરાયલે હાલ તુરત હુમલા રોકી દેવા પર સહમતી બતાવી દીધી હતી. હિઝબુલ્લાહ પર હવે નિર્ભર છે કે, તે વળતા હુમલા બંધ કરે. અગાઉ ઘાતક હુમલામાં ચાર ઇઝરાયલી સૈનિકોનાં મોતથી ભડકેલા ઇઝરાયલી પીએમ નેતન્યાહુએ ચેતવણી આપી હતી કે, હિઝબુલ્લાહ હવે હુમલા કરશે તો ભારે કિંમત ચૂકવવી પડશે. દરમ્યાન અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ સમજૂતી થયા બાદ ગઇકાલે ગુરુવારે કુલ 25 વેપારી જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરીને આગળ વધ્યાં હતાં. 18મી એપિલ બાદ પહેલીવાર એક જ દિવસમાં આવડી મોટી સંખ્યામાં જહાજોએ હોર્મુઝ પાર કર્યું હતું. ઇઝરાયલના સંરક્ષણમંત્રી ઈઝરાયલ કાટ્ઝે વધુ એકવાર સ્પષ્ટ કર્યું હતું કે, ઇઝરાયલી  સેના દક્ષિણ લેબેનોનથી પાછળ નહીં હટે. 

Panchang

dd