નવી દિલ્હી, તા. 19 : વરસાદી વાદળો
નહીં ઘેરાતાં આખા દેશનું જનજીવન ઉચાટ અનુભવી રહ્યું છે અને વરસાદી વહાલ ઝંખી રહ્યું
છે, પરંતુ એક સાથે સક્રિય થયેલી પાંચ અવરોધક સિસ્ટમે
ચોમાસાંને રોકી રાખ્યું છે. છેલ્લા 11 દિવસથી ચોમાસું અટકી ગયું છે. છેલ્લા 15 દિવસમાં 19 રાજ્ય સુધી પહોંચી ગયા પછી
આઠ જૂનથી વરસાદી મોસમ તેલંગાણામાં અટકી ગઇ છે. સાત રાજ્યમાં વરસાદમાં 60 ટકાનો ઘટાડો નોંધાયો છે. અરબી
સમુદ્ર પરથી ભેજવાળા પવનો આવી રહ્યા નથી, તો દક્ષિણથી વાદળો ઉત્તર તરફ આગળ વધી રહ્યાં
નથી. ખાસ કરીને ખેડૂતોમાં ખેંચાયેલા વરસાદે ભારે ચિંતા ફેલાવી છે. પહેલીથી 18મી જૂન વચ્ચે દેશમાં સામાન્યથી 38 ટકા ઓછો વરસાદ પડયો છે. ગુજરાતમાં
સામાન્યથી 79 ટકા, મહારાષ્ટ્રમાં સામાન્યથી 78 ટકા ઓછો વરસાદ થયો છે, બિહાર, મધ્યપ્રદેશ,
ઉત્તરપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન,
મહારાષ્ટ્ર અને ઓસ્સામાં પારો 40 ડિગ્રીથી ઉપર રહ્યો હતો. મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર,
રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં પ્રિ-મોન્સૂન
વરસાદ થયો છે. બીજી તરફ અલ નીનોની સ્થિતિ પણ સક્રિય થઇ રહી છે, જેની અસરથી અપૂરતો વરસાદ તો લાંબો સમય દુકાળનીયે ભીતિ રહે છે.