• શુક્રવાર, 19 જૂન, 2026

કેન છવાયો: ક્રોએશિયા સામે ઈંગ્લેન્ડની 4-2થી જીત

ડલાસ/ટોરંટો, તા.18 : ફીફા વર્લ્ડ કપના ગ્રુપ એલમાં ખિતાબની દાવેદાર પૈકીની ટીમ ઈંગ્લેન્ડે શાનદાર દેખાવ કરીને મજબૂત ટીમ ક્રોએશિયા વિરુદ્ધ 4-2 ગોલથી સંગીન જીત હાંસલ કરી હતી. ઇંગ્લેન્ડના કેપ્ટન અને સ્ટાર સ્ટ્રાઇકર હેરી કેને બે ગોલ કર્યાં હતા. તેણે મેચની 12મી મિનિટે પેનલ્ટી કિકથી ગોલ કરીને ઈંગ્લેન્ડને આગળ કર્યું હતું. આ પછી ક્રોએશિયાના માર્ટિન બટુરિનાએ ડી એરિયાની બહારથી જોરદાર કિક મારીને ગોલ કર્યો હતો. આથી સ્કોર 1-1ની બરાબરી પર આવી ગયો હતો. જો કે આ પછી તુરત જ હેરી કેન ત્રાટકયો હતો. તેણે હેડરથી અદ્ભુત ગોલ કરીને ઈંગ્લેન્ડને 2-1થી આગળ કરી દીધું હતું. પહેલા હાફના સ્ટોપેજ ટાઇમમાં ક્રોએશિયા તરફથી ગોલ થયો હતો અને સ્કોર 2-2ની બરાબરી પર લાવી દીધો હતો. બીજા હાફમાં ઈંગ્લેન્ડની રમત વધુ આક્રમક બની હતી. બીજા હાફની બીજી મિનિટે જ ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી જૂડ બેલિંઘમે ગોલ કરી ક્રોએશિયાને દબાણમાં લાવી દીધું હતું. મેચની 8પમી મિનિટે ઈંગ્લેન્ડ તરફથી એકસ્ટ્રા ખેલાડી માર્કસ રેશફોર્ડે ગોલ કરી ઈંગ્લેન્ડની 4-2થી જીત નિશ્ચિત કરી દીધી હતી. આ મેચમાં ક્રોએશિયાનો અનુભવી ખેલાડી લુકા મોડ્રિચ કોઇ કમાલ કરી શકયો ન હતો. - પનામા સામે અંતિમ ક્ષણે ઘાનાની 1-0થી જીત : ગ્રુપ એલની અન્ય એક મેચમાં ઘાના અને પનામા વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. નિર્ધારિત 90 મિનિટ સુધી બન્ને ટીમ ગોલ કરી શકી ન હતી. 90 મિનિટ પછીના સ્ટોપેજ ટાઇમમાં 9પમી મિનિટે કાલેબ યિરેંકીએ ગોલ કરીને ઘાનાને 1-0થી જીત અપાવી હતી. - ઉઝબેકિસ્તાન વિરૂધ્ધ કોલંબિયાનો 3-1થી શાનદાર વિજય : ગ્રુપ કેની મેચમાં કોલંબિયાનો ઉઝબેકિસ્તાન સામે 3-1 ગોલથી શાનદાર વિજય થયો હતો. કોલંબિયા તરફથી મેચની 40મી, 6પમી અને 96મી મિનિટે ગોલ થયા હતા. જયારે ઉઝબેકિસ્તાન તરફથી એકમાત્ર ગોલ 60મી મિનિટે થયો હતો. 3-1ની  જીતથી   કોલંબિયા  ટીમ ગ્રુપ કેમાં ટોચના  સ્થાને પહોંચી ગઇ છે. 

Panchang

dd