• શનિવાર, 20 જૂન, 2026

ગોપાલપુર રેલવે સ્ટેશનને અસામાજિકતત્ત્વોનાં નિશાને

ગાંધીધામ, તા. 19 : શહેરમાં  કરોડોના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથે નવનિર્મિત  ગોપાલપુર રેલવે સ્ટેશને અસામાજિક તત્ત્વોએ નિશાન  બનાવ્યું છે.  નવું સ્ટેશન શરૂ થાય તે પહેલાં ટીખળતત્ત્વોએ  સ્ટેશનને માતબર રકમનું નુકસાન પહોંચાડયા હોવાના કારણે સ્થાનિકોમાં રોષની લાગણી પ્રર્વતી હતી. ગાંધીધામ રેલવે સ્ટેશન ઉપર આવતી-જતી ટેનોમાં એન્જિન બદલવા માટે  સમયનો વ્યય થતો  હોવાના સહિતના મુદ્દા  રેલવે પ્રસાશન દ્વારા ગોપાલપુર સ્ટેશનનો  વિકાસ કરવા નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ આ સ્ટેશનનું મોટાભાગનું કામ પૂર્ણ  થઈ ગયું છે. આ સ્ટેશન ચાલુ થવાની અનેક સ્થાનિક મુસાફરો રાહ જોઈ રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે અસામાજિક તત્ત્વોએ નવનિર્મિત સ્ટેશનને બાન લીધું હોય તે પ્રકારનું ચિત્ર ઉપસ્યું હતું. સ્થાનિકોએ  રોષ સાથે જણાવ્યું હતું કેસ્ટેશનનાં પ્લેટફોર્મ નં.2 ઉપર  મોટા ભાગના પંખા તોડી નાખવામાં આવ્યા છે તેમજ રેલવે પાટા ઓળંગ માટે બનેલા અન્ડરપાસની દીવાલો ઉપર ભાતચિત્રો સાથે શણગારવામાં આવી હતી. અલબત્ત કેટલાક લોકોએ તેને નુકસાન પહોંચાડી  શહેરની સુંદરતા ઉપર હુમલો કર્યો છે. માતબર રકમના ખર્ચે બનેલાં આ સ્ટેશનમાં  જુદા-જુદા ભાગોમાં કચરાના ગંજ ખડકાયા છે. લોકોની સુખાકારી માટે આ સ્ટેશન ખુલે તે પહેલાં તેની દીવાલો ઉપર પાનની પીચકારીઓએ હાજરી  પુરાવી છે. નોંધપાત્ર છે કે, દિવસ દરમ્યાન અહીં એક જ સુરક્ષા કર્મી તૈનાત કરવામાં આવ્યો છે. સાંજના સમયે અહીં એક પણ  સુરક્ષા કર્મચારી હાજર ન હોવાના કારણે  અસામાજિક તત્ત્વોને મોકડું મેદાન  મળતું હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી હતી.  શહેરની  સુંદરતા અને સુખાકારી અને વિકાસ માટે મહત્ત્વાકાંક્ષી  નવા રેલવે  સ્ટેશન શરૂ થાય તે પહેલાં થયેલાં નુકસાન પાછળ રેલ પ્રશાસને વધારાનો માતબર રકમ ખર્ચ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ  છે. તંત્ર દ્વારા આ સ્ટેશનની યોગ્ય જાળવણી માટે વ્યવસ્થા કરવામાં આવે તેવા સમયની માંગ છે.  

Panchang

dd